જીરુંનો રેકર્ડબ્રેક પાક થવાની અપેક્ષા

જીરુંનો રેકર્ડબ્રેક પાક થવાની અપેક્ષા
ઐતિહાસિક વાવેતર પછી 90 લાખ ગૂણી પાકની આરંભિક ધારણા : નિકાસ 1.75 લાખ ટનનું શિખર બનાવી શકે
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 21 જાન્યુ. 
જીરુંના રેકર્ડબ્રેક વાવેતર પછી ખૂબ સારા ઉત્પાદનની સંભાવના વચ્ચે નિકાસ પણ નવા શિખરે પહોંચવાની સંભાવના છે. દેશમાંથી ગયા વર્ષે આશરે 1.55 લાખ ટનની નિકાસ કરવામાં આવી હતી. માર્ચ 2020માં પૂરા થતા વર્ષમાં 1.65થી 1.75 લાખ ટન વચ્ચે નિકાસ આંક પહોંચી શકે છે તેવી ધારણા નિકાસકારોએ વ્યક્ત કરી છે.
મુંબઈના એક નિકાસકાર કહે છે, તુર્કી અને સીરિયા જેવા ઉત્પાદક દેશોમાં પાક તો નબળો છે જ, રવાનગી પણ ઓછી થવાને લીધે ભારતને નિકાસની ઊજળી તક વિશ્વ બજારમાં મળી છે. ચીન, યુરોપ અને અમેરિકા તમામ દેશોમાં ભારતનું જીરું મોટાંપાયે ગયું છે. માર્ચના અંત સુધીમાં નિકાસ પાછલા વર્ષનો રેકર્ડ તોડીને 1.75 લાખ ટન સુધી પહોંચે તો પણ નવાઇ નહીં તેમ ઉમેર્યું હતું.
ગુજરાત અને રાજસ્થાનમાં ચાલુ વર્ષે જીરુંના બમ્પર વાવેતર થયા છે. ગુજરાતના ખેતીવાડી ખાતાના આંકડાઓમાં વાવેતર 4.86 લાખ હેક્ટર બતાવાયું છે. જે પાછલા ત્રણ વર્ષની સરેરાશ 3.36 લાખ હેક્ટર કરતા ઘણું વધારે છે. પાછલા વર્ષમાં પણ 3.47 લાખ હેક્ટરમાં વાવણી હતી. વાવેતર લગભગ 40 ટકા જેટલું વધારે છે. જીરુંનો નવો પાક 85-90 લાખ ગુણી સુધી પહોંચશે તેવી ધારણા બજારમાં વહેતી થઇ છે. ભૂતકાળમાં ક્યારેય 75-77 લાખ ગુણી કરતા વધારે ઉત્પાદન થયું નથી. પાછલા વર્ષમાં 60-65 લાખ ગુણી આસપાસ જ પાક રહ્યો હતો.
અત્યાર સુધી મોસમ જીરુંના પાક માટે અત્યંત અનુકૂળ રહી છે. જાન્યુઆરી મહિનો આ રીતે પસાર થઇ જશે. છતાં નવા પાકને હજુ મોસમ પરિવર્તનના ઘણા કઠિન તબક્કામાંથી પસાર થવાનું છે. ઠંડી, ગરમી તો સહન કરવાના છે. એવામાં વચ્ચે ક્યાંય માવઠાં કે ધુમ્મસ થાય તો પણ ઉત્પાદન ઉપર પ્રભાવ પડી શકે છે.
રાજકોટના એક વેપારી કહે છે કે, 60 ટકા જેટલું વાવેતર ડિસેમ્બર મહિનાનું છે. ટૂંકમાં મોડાં વાવેતર ઝાઝા છે એટલે તેને માર્ચ મહિના સુધી ઠંડા વાતાવરણની જરૂર રહેશે. ગયા વર્ષને બાદ કરીએ તો ડિસેમ્બરના વાવેતરમાં ઉતારા ઓછાં મળતા હોય છે. જોકે, આ વર્ષે જમીનમાં ભેજ વધુ છે અને પાણી પણ છે એટલે ઉતારા કેટલા આવે છે તે જીરું પાકવા આવે ત્યારે જ સ્પષ્ટ થશે. પાકના આંકડા તથા ઉતારા અંગે અત્યારના સંજોગમાં કશું કહેવું કઠિન છે. ચાલુ વર્ષે ઠંડીના દિવસો વધુ હશે તેવી ધારણા છે છતાં પાકનો આધાર કુદરત ઉપર છે.
જીરુંના ભાવ પ્રવર્તમાન સમયે 1 ટકો ફોરેન મેટર કંડીશનમાં મુંદ્રા પહોંચમાં રૂા. 3100-3125 ચાલે છે. જંગી વાવેતર પછી મંદીવાળો વર્ગ મોટો થઇ ગયો છે. 2014 જેવા ભાવની પણ અપેક્ષા રાખવા લાગ્યો છે. જોકે, પાક અને ભાવ અંગે આગાહી કરવાનું અંધારામાં તીર છોડવા બરાબર હોવાનું વેપારીઓ-નિકાસકારો પાસેથી મળેલા મંતવ્યોમાં જણાયું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer