જીએસટીની જોગવાઇ નાના ઉદ્યોગોને તાળાં મારી દેશે

જીએસટીની જોગવાઇ નાના ઉદ્યોગોને તાળાં મારી દેશે
39(4)ની જોગવાઈથી નાના એકમો પર આફત : કેન્દ્રીય પ્રધાન સારંગી સમક્ષ કૈટની રજૂઆત
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 21 જાન્યુ.
જીએસટીની જટિલતાનાં કારણે નાના ઉત્પાદકીય એકમોને મુશ્કેલી આવી રહી છે. એમાં ય જીએસટીની 36(4)ની જોગવાઈ અગવડભરી હોય કેન્દ્રીય એમએસએમઈ પ્રધાન પ્રતાપચંદ્ર સારંગીને તાજેતરમાં સુરત મુલાકાત દરમિયાન આવેદનપત્ર આપી કોન્ફડેરશન અૉફ અૉલ ઇન્ડિયા ટ્રેડર્સ ઍસોસિયેશને રજૂઆત કરી હતી.
કૈટનાં ગુજરાત ચેપ્ટરનાં પ્રમુખ પ્રમોદ ભગત કહે છે કે, જીએસટીની જટિલતા અને ખાસ કરીને 36(4)ની કાયદાની ગૂંચનાં કારણે નાના એકમો તાળા મારી રહ્યા છે. પાંચ કરોડથી ઓછું ટર્નઓવર કરતા વેપારી-ઉત્પાદકોએ ત્રણ મહિને રિટર્ન ભરવાનું હોય છે. જ્યારે પાંચ કરોડથી વધુ ટર્નઓવર ધરાવતાં એકમોએ દર મહિને રિટર્ન ભરવાનું છે. મુશ્કેલી એ છે કે પાંચ કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા વેપારી કે ઉત્પાદક પાસેથી માલ ખરીદવામાં આવે તો ચીજવસ્તુઓની ભરપાઈ વખતની ટૅક્સ ક્રેડિટ માટે ત્રણ મહિનાની રાહ જોવી પડે છે. 
આ સંજોગોમાં મોટા વેપારી-ઉત્પાદકોએ નાના વેપારીઓ સાથે ધંધો બંધ કરવાનું વલણ અપનાવ્યું છે. જૂની ક્રેડિટ જમા ન થાય ત્યાં સુધી મોટા વેપારીઓ નાના વેપારીઓ સાથે વેપાર કરતાં નથી. આ જોતાં ગુજરાતભરમાં આગામી દિવસોમાં હજારોની સંખ્યામાં નાના એકમોને તાળા લાગી જવાની સંભાવના છે.  
કાપડ અને હીરામાં નાના વેપારીઓ અને ઉત્પાદકોની સંખ્યા 80 ટકા છે. જ્યારે 20 ટકા જ મોટા પ્લેયર છે. આ સંજોગોમાં નાના વેપારીઓને 45 દિવસમાં પેમેન્ટ મળી જાય અને 36-4 મુદે્ સરકાર કોઈ ઉકેલ લાવે તેવી માગણી કૈટે સારંગી સમક્ષ કરી હતી. 
દક્ષિણ ગુજરાત ચેમ્બરનાં ભૂતપૂર્વ પ્રમુખ હેતલ મહેતાએ કહ્યું હતું કે, દેશમાં ગુજરાત અને તામિલનાડુ સૌથી વધુ લઘુઉદ્યોગો ધરાવે છે. દક્ષિણ ગુજરાતમાં દેશનાં 52 ટકા લઘુઉદ્યોગો આવેલાં અને 72 ટકા રોજગારી આપે છે. 72 ટકા વધુ રોજગારી આપતાં લઘુઉદ્યોગોને અપગ્રેડ કરવાની તાકીદે જરૂર છે. 
કેન્દ્રીય પ્રધાન સારંગીએ કહ્યું હતું કે, સરકાર લઘુઉદ્યોગોમાં દેશની મોટી સંભાવના જોઈ રહ્યું છે. લઘુઉદ્યોગોને આગળ વધારવા માટે વેલ્યુ એડિશન કરવાની જરૂર છે. સરકાર દ્વારા ટેકનૉલૉજી અપગ્રેડેશન માટે વર્લ્ડ કલાસ પ્લેટફોર્મ બનાવવામાં આવી રહ્યું છે. આ માટે પોર્ટલ પણ બની રહ્યું છે. રૂા. 200 કરોડના ખર્ચે દેશમાં વિવિધ સ્થળે વર્લ્ડ કલાસ ટેકનૉલૉજી સેન્ટર ઊભા કરવામાં આવશે. માર્કેટિંગને આગળ વધારવા માટે પ્રયાસ કરાય રહ્યો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer