સુરતની રઘુવીર કાપડ માર્કેટ ભીષણ આગમાં સ્વાહા

સુરતની રઘુવીર કાપડ માર્કેટ ભીષણ આગમાં સ્વાહા
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 21 જાન્યુ.
સુરતનાં પુણા-કુંભારિયા રોડ પર આવેલી રઘુવીર-સિલિયમ ટેક્સ્ટાઇલ માર્કેટમાં મધરાતે 3 વાગ્યે શોર્ટ સર્કિટના કારણે અચાનક ભીષણ આગ ભભૂકી હતી. આ આગ પહેલા ચોથા માળે લાગી હતી ત્યાર બાદ આખી માર્કેટના સાતે-સાત માળમાં ફેલાઇ હતી. આગનું સ્વરૂપ વિકરાળ હતું. આગમાં આખી માર્કેટ સ્વાહા થઈ ચૂકી છે. 
અડધી રાતે શોર્ટ સર્કિટનાં કારણે લાગેલી આગ બપોર સુધીમાં જોત-જોતામાં વિકરાળ બની હતી. આગનો સમય મધરાતનો હોવાનાં કારણે કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ, કાપડમાર્કેટમાં આવેલી દુકાનોમાં પડેલાં કાપડનાં સ્ટોકને મોટું નુકસાન પહોચ્યું છે. સુરત મહાનગરપાલિકાની ફાયરબ્રિગેડની 75ગી વધુ ફાયરની ગાડીઓને ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. ફાયર વિભાગે બિગ્રેડ કોલ જાહેર કર્યો છે.
સુરત ઉપરાંત બારડોલી, નવસારી, તાપી જિલ્લાનાં ફાયર વિભાગની મદદ લેવામાં આવી છે. આ લખાય છે ત્યારે હજુ સુધી આગ પર કાબુ મેળવાયો નથી. આગને કારણે આજુબાજુનાં વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. 
નોંધવું કે, સુરતમાં થયેલાં તક્ષશિલા અગ્નિકાંડ બાદ સુરત મનપાની ટીમે શહેરનાં વિવિધ સ્થળોએ દરોડા પાડીને ફાયરસેફ્ટીની સુવિધા દુરુસ્ત કરવા માટે કામગીરી કરી હતી. આજથી તેર દિવસ અગાઉ જ રઘુકુલ માર્કેટમાં શોર્ટ સર્કિટનાં કારણે આગ લાગી હતી. આમ છતાં બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કરાઈ ન હોવાનું જાણવા મળ્યું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer