બનાસકાંઠાનાં સરહદી ગામોમાં તીડનું

બનાસકાંઠાનાં સરહદી ગામોમાં તીડનું
આક્રમણ ચાલુ રહેતાં ખેડૂતોમાં ચિંતા 
પવન બદલાય તો ઉત્તર ગુજરાતમાં ફરીથી તીડના આક્રમણનું ઝળૂંબતું જોખમ 
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 21 જાન્યુ. 
ગુજરાતની ખેતી ઉપર વરસાદ મહેરબાન રહ્યો પણ કુદરતી આફતો કેડો મૂકતી નથી. મોડે સુધી વરસેલા વરસાદની ઝીંક ખેડૂતોએ ઝીલી લીધી પછી માવઠાં થયાં અને તીડના હુમલા થયા. તીડની સમસ્યામાંથી છૂટ્યાંને માંડ કળ વળી ત્યાં ફરીથી એની ચિંતા પ્રસરી છે. રાજસ્થાન તરફથી તીડના ઝૂંડ બનાસકાંઠાના વાવ પંથકમાં આવન જાવન કરવા લાગતા ખેડૂતોના જીવ પડી કે બંધાયા છે.  
સોમવારે રાત્રે બનાસકાંઠામાં ચક્કર લગાવી ગયેલા તીડના ટોળા ફરી રાજસ્થાન ગયા છે પણ પવનની દિશામાં બદલાવ આવે તો ફરીથી તીડ ગુજરાત આવવાનું જોખમ છે. અત્યારે તો ખેડૂતોને હાશકારો થયો છે પણ જોખમ ટળ્યું નથી. અત્યારે ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં જીરુંનો પાક ઊભો છે ત્યાં તીડ ટકી જાય તો પાકને મોટું નુક્સાન કરી શકે છે. 
પ્રાપ્ત થતી વિગતો મુજબ વાવ તાલુકાના સરહદી ત્રણેક ગામોમાં છેલ્લા ચાર દિવસથી લાખો તીડોએ ધામા નાખ્યા હતા અને ખેતરોમાં ઊભેલા લીલાછમ પાકને ભારે નુકસાન કરી નાખ્યું છે. આ વખતે ઓછાં ગામમાં તીડ દેખાતા લોકોનું બહુ ધ્યાન ગયું નથી પણ ખેડૂતો કહે છે, અમારા પાકને ઘણું નુક્સાન પહોંચાડી ચૂક્યાં છે. એટલે હવે સરકાર સામે ફરીથી વળતર આપવાની માગ શરૂ થઈ ગઈ છે. વાવ પંથકના સરહદી ગામ રાધાનેસડા, કુંડાળિયા અને માવસરી ગામોમાં તીડોનું ઝુંડ હક્યાંક ક્યાંક જ દેખાય છે. 
સરહદી ગામોમાં તીડનો આતંક ત્રણ ચાર દિવસ ચાલુ રહેતા ફરીથી સરકાર સક્રિય થઈ ગઈ હતી અને કેન્દ્રની 5 અને રાજ્યની 15 ટીમ આ ત્રણેય ગામમાં ફરી વળી હતી અને દવાનો છંટકાવ શરૂ કર્યો હતો. 
આ ટીમ કુલ 24 ટ્રેક્ટર સાથે કામે લાગી હતી. એ કારણે હાલ તો તીડના ટોળા કાબુમાં છે પણ જે રીતે ઉડી રહ્યા હતા તે જોતા સંખ્યા કરોડોની માનવામાં આવે છે. છેલ્લાં સમાચાર પ્રમાણે તીડ રાજસ્થાન ભણી જતા રહ્યા છે અને ગુજરાત તરફ પવન બદલાય તો ફરી સમસ્યા સર્જાશે. 
આ વખતે સરકારી મદદ પહેલા જ ખેડૂતો દ્વારા જાતે તીડનાં ટોળાને ભગાડવા સામે આવ્યા હતા અને બાદમાં સરકાર સક્રિય થઈ હતી. સારી વાત એ રહી કે સરકારી ટીમ હજુ બનાસકાંઠામાં હતી અને એટલે જ વાવ પંથકમાં ત્વરિત પહોંચી શકી હતી. કારણ કે તીડનો ખતરો તો યથાવત જ છે અને જો સરકાર થોડી ઢીલાશ રાખે તો મોટો ખતરો આવી શકે તેમ છે. અગમચેતીના ભાગ રૂપે સરકારે ટીમને હજુ ત્યાં જ રહેવાની પહેલેથી જ સૂચના આપી છે અને આના કારણે આખા પંથકમાં ગમે ત્યાં ટીમ પહોંચી વળે છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer