ગૅસની ભાવનીતિ ઉત્પાદકોને નિરુત્સાહ કરનારી છે : આઈઈએ

ગૅસની ભાવનીતિ ઉત્પાદકોને નિરુત્સાહ કરનારી છે : આઈઈએ
નવી દિલ્હી, તા. 21 જાન્યુ.
ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (આઈઈએ)એ ભારત સરકારના ગૅસના ભાવ સંબંધી નીતિની ટીકા કરતાં જણાવ્યું છે કે સ્થાનિક ઉત્પાદનને નીચા આંતરરાષ્ટ્રીય ભાવ સાથે જોડવાથી ઉત્પાદકોને ઉત્પાદન વધારવાનો ઉત્સાહ રહેતો નથી. ભારતની ઊર્જાનીતિની પ્રથમવાર સઘન સમીક્ષા કરતાં આઈઈએએ કહ્યું છે કે બળતણના વપરાશમાં આ પર્યાવરણને અનુકૂળ બળતણનું પ્રમાણ વધારવું હોય તો કરવેરા બાબતે ગૅસને અન્ય બળતણોની સમકક્ષ મૂકવો જોઇએ અને તેને જીએસટી હેઠળ આવરી લેવો જોઈએ.
ઊર્જાના વપરાશમાં નેચરલ ગૅસનો હિસ્સો હાલના છ ટકાથી વધારીને 2030 સુધીમાં 15 ટકા સુધી લઈ જવો હોય તો હાલની ભાવનીતિ તેમાં અવરોધ રૂપ છે એમ એજન્સીએ કહ્યું છે. `ગૅસના સ્થાનિક ભાવને ખૂબ નીચા આંતરરાષ્ટ્રીય સંદર્ભભાવ સાથે જોડી દેવાથી સ્થાનિક ઉત્પાદકોને ઉત્પાદન વધારવાનો ઉત્સાહ રહેતો નથી.'
મોદી સરકારે 2014માં સત્તાનાં સૂત્રો સંભાળ્યા પછી ગૅસના સ્થાનિક ભાવને અમેરિકા, બ્રિટન, કૅનેડા અને રશિયા જેવા નિકાસકાર દેશોમાં પ્રવર્તતા ભાવ સાથે સાંકળતી ફોર્મ્યુલા તૈયાર કરીને અમલમાં મૂકી હતી.
આ ફોર્મ્યુલા અનુસાર નેચરલ ગૅસનો હાલનો ભાવ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ દીઠ 3.23 ડૉલર છે, જે એલએનજીના આયાતના ભાવથી અડધો છે.
સ્થાનિક ઉત્પાદન સ્થગિત થઈ ગયું હોવાથી ભારતે તેની ગૅસની અડધી જરૂરિયાત આયાત વડે પૂરી કરવી પડે છે. ``ભારતની 2014ની ગૅસના ભાવની ફોર્મ્યુલા સ્થાનિક માગ અને પુરવઠાને પ્રતિબિંબિત કરે એવી બજાર આધારિત વ્યવસ્થા ઊભી કરવાને બદલે ગૅસના ભાવ નીચા રાખવા પર વધુ ભાર આપે છે,'' એમ એજન્સીએ કહ્યું છે.
આઈઈએ નોંધે છે કે ભારતમાં હજી ગૅસના ખરીદવેચાણ માટે કોઈ મથક નથી. જોકે, આવું મથક 2019માં સ્થપાવાનું હતું. ``જો ગૅસની લેવેચ માટે કોઇ કેન્દ્ર સ્થપાય તો ત્યાં ગ્રાહકો અને વિક્રેતાઓ ખુલ્લા બજારમાં સોદા કરીને પારદર્શક રીતે ભાવ શોધી શકે અને સંભવત: દેશમાં હાલ પ્રવર્તતી વિવિધ ભાવસપાટીઓનો અંત આણી શકે.''
સરકારે આગળ વધીને ગૅસની લેવેચ માટે એક કેન્દ્ર ઊભું કરવું જોઈએ એવી ભલામણ કરતાં એજન્સી જણાવે છે કે ટ્રાન્સમિશન ક્ષમતાના આધારે જેમાં આવજા કરી શકાય તેવું ઓનલાઈન ટ્રેડિંગ કેન્દ્ર ભારત જેવા ઓછું સ્થાનિક ઉત્પાદન ધરાવતા દેશ માટે વધુ અનુકૂળ છે એવું આંતરરાષ્ટ્રીય અનુભવ પરથી જણાય છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer