રિઝર્વ બૅન્કે 7.5 ટન સોનું ખરીદ્યું

રિઝર્વ બૅન્કે 7.5 ટન સોનું ખરીદ્યું
મુંબઈ, તા. 21 જાન્યુ.
રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયાએ પાંચ મહિનાના અંતરાલ બાદ અૉક્ટોબરમાં 7.5 ટન સોનું ખરીદ્યું હતું, એમ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે જણાવ્યું હતું. હવે રિઝર્વ બૅન્ક પાસે 625.2 ટન સોનું છે. તે મૂલ્ય 28 અબજ ડૉલર છે, જે તેની વિદેશી મુદ્રાની અનામતોના 6.6 ટકા જેટલું છે. કાઉન્સિલે તાજેતરમાં વિવિધ દેશોની મધ્યસ્થ બૅન્કો પાસે રહેલા સોનાના જથ્થા વિશે એક અહેવાલ પ્રગટ કર્યો હતો, જે તેમણે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઈએમએફ)ને આપેલી માહિતી પર આધારિત હતો.
સોનું ખરીદનારી મધ્યસ્થ બૅન્કોમાં રિઝર્વ બૅન્ક પ્રમાણમાં નાનો ખેલાડી છે. 2019ના પ્રથમ દસ માસમાં 25.2 ટન સોનાની ખરીદી સાથે તે વિશ્વમાં છઠ્ઠા ક્રમે આવે છે. સોનાની ખરીદી કરનારા પ્રથમ પાંચ દેશોમાં ચીન, રશિયા, કઝાખસ્તાન, તુર્કી અને પૉલેન્ડનો સમાવેશ થાય છે. જાન્યુઆરીના નવેમ્બર દરમિયાન મધ્યસ્થ બૅન્કોએ 570 ટન સોનું ખરીદ્યું હતું.
ભારત સરકારના સોવરેન ગોલ્ડ બોન્ડ માટેના કવચ તરીકે રિઝર્વ બૅન્ક સોનું ખરીદે છે.
``નવેમ્બર મહિનામાં મધ્યસ્થ બૅન્કોએ 27.9 ટન સોનાની ખરીદી કરી હતી. આ સાથે વર્ષના 11 મહિનામાં તેમણે 570.2 ટન સોનું ખરીદ્યું હતું, જે વાર્ષિક ધોરણે 11 ટકાનો વધારો દર્શાવે છે'' એમ કાઉન્સિલે જણાવ્યું હતું. 2019માં ઉઝબેકિસ્તાને 16.6 ટન અને વેનેઝુએલાએ 30.3 ટન સોનું વેચ્યું હતું.
મધ્યસ્થ બૅન્કો ઉપરાંત એક્ષ્ચેન્જ ટ્રેડેડ ફંડનાં યુનિટો ખરીદનારા સંસ્થાકીય રોકાણકારો પણ સોનાના મોટા ખરીદદારો રહ્યા છે. 2019માં ઇટીએફની ખરીદી 400 ટન હતી.
વર્લ્ડ કાઉન્સિલે કહ્યું હતું કે મધ્યસ્થ બૅન્કો અને ઇટીએફની ખરીદીએ સોનાના ભાવમાં ગયા વર્ષે જોવાયેલા ઉછાળામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer