નિકલમાં વધઘટે નબળાઈના સંકેત

નિકલમાં વધઘટે નબળાઈના સંકેત
સૈફી રંગવાલા
મુંબઈ, તા. 21 જાન્યુ.
અમેરિકા-ચીનના પ્રથમ તબક્કાના વેપાર કરાર પછી વૈશ્વિક બજારોમાં મંદીનાં વાદળ થોડાં વિખેરાયાં હોવાનું જણાય છે. જોકે, ઈરાનના કમાન્ડરની હત્યા પછી મધ્યપૂર્વના ખાડી દેશોમાં અમેરિકા સામેનો વિરોધ વધુ પ્રબળ બન્યાના સંકેત છે. આમ છતાં આંતરરાષ્ટ્રીય કોમોડિટી બજારોમાં ક્રૂડતેલ તેમ જ તમામ ધાતુઓના વપરાશ અને માગમાં સમગ્ર રીતે વધારો થવાની આશા બંધાઈ છે. એલએમઈ ખાતે નિકલનો અગાઉ ઘટેલો ભાવ હવે ટનદીઠ 13,500-14,500 ડૉલર વચ્ચે ફરવા લાગ્યો છે.
નવી આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિમાં 16 જાન્યુઆરીએ ચીનના વૃદ્ધિદરમાં સુધારાના અહેવાલે વૈશ્વિક કોમોડિટી-શૅરબજારોમાં સુધારો આવ્યો હતો. બીજી તરફ બહુલંબીત અમેરિકા-ચીન વચ્ચેનો પ્રથમ વેપાર કરાર સાકાર થયો છે, પરંતુ ઈરાનમાં પ્રજામાં ઉભરાતા રોષને લીધે નવાં પરિમાણો પુન: આંતરરાષ્ટ્રીય તણાવ ઊભો કરી શકે છે. આ તમામ સ્થિતિ છતાં સમગ્ર વિશ્વને રંજાડનાર ચીન-અમેરિકા વેપારયુદ્ધના શાંત પડવાના સ્પષ્ટ સંકેતથી નિકલના આંતરરાષ્ટ્રીય ભાવમાં કડાકાની શક્યતા ઘટી ગઈ છે. કેટલાક અનુભવીઓના મતાનુસાર નિકલના ભાવમાં સૌથી વધુ અફરાતફરી થવાની શક્યતા પ્રબળ બની છે. નિકલનો ભાવ 13,000 ડૉલરની સપાટીથી 14,500 ડૉલરની વચ્ચે છેલ્લા ચાર અઠવાડિયાથી ફરતો રહ્યો છે. નિકલમાં વપરાશ વધારા કરતાં સટ્ટાકીય અને પુરવઠા ખેંચની ભાવ પર વધુ મોટી અસર થાય છે, જે સૂચક ગણાય. હવે ચીનના વપરાશ વધારા સામે વૈશ્વિક ફંડોની સટ્ટાકીય લે-વેચ પર ધ્યાન કેન્દ્રિત કરીને ધાતુમાં ટ્રેડિંગ કરવું જરૂરી બનશે. આ સાથે યુઆન-ડૉલરના ભાવની અસર પણ ભાવની વધઘટ પર અસર પાડશે. છેલ્લા એક મહિનાની ભાવની વધઘટને તપાસતાં જણાય છે કે નિકલમાં મધ્યમ ગાળા માટે નીચામાં 12,800-13,200 ડૉલરનો ટેકાનો ઝોન મહત્ત્વપૂર્ણ બને છે, જ્યારે ઉપરમાં 14,500 અને 15,200 ડૉલરને પ્રતિકાર ઝોન ગણીને ટ્રેડિંગ કરવું હિતાવહ રહેશે.
સ્થાનિકમાં બજાર વર્તુળો નિકલની ખરીદીમાં થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી હોવાનું જણાવે છે. બીએમઈના ભૂતપૂર્વ પ્રમુખ હેમંત પારેખના જણાવ્યા પ્રમાણે નિકલના ભાવમાં વધારા સામે એક મોટા પ્રત્યાઘાતી ઘટાડાની સંભાવના વધુ છે. તેમણે કહ્યું કે `ચીન અગાઉના વ્યૂહાત્મક સ્ટોકને વાપર્યા પછી નવી આયાત કરશે. તેથી નિકલમાં નબળાઈ આવી શકે છે.'

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer