પામતેલની આયાત ઘટશે, સોયાતેલ અને સૂર્યમુખીની વધશે

પામતેલની આયાત ઘટશે, સોયાતેલ અને સૂર્યમુખીની વધશે
મુંબઈ, તા. 21 જાન્યુ.
પામતેલની આયાતમાં વર્તમાન પાક વર્ષમાં ઘટાડો થવાની શક્યતા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચા ભાવ અને મલયેશિયા સાથેના રાજદ્વારી વિવાદને પગલે પામતેલની આયાત આ વર્ષે 11 ટકા ઘટશે, એમ ઉદ્યોગનાં વર્તુળોએ કહ્યું હતું.
ગત સપ્તાહે ભારતે રિફાઈન્ડ પામતેલની આયાત પર પ્રતિબંધ મૂક્યા અને વેપારીઓને અવિધિસર રીતે મલયેશિયાથી દૂર રહેવાની સૂચના આપી હતી. વિશ્વમાં ભારત ખાદ્યતેલોનો સૌથી મોટો આયાતકાર દેશ છે, જ્યારે મલયેશિયા પામતેલનો બીજા ક્રમનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે.
મુસ્લિમ-બહુમતીવાળા મલયેશિયાના વડા પ્રધાન મહાથિર મહંમદે કેટલીક બાબતોમાં ભારતની ટીકા કરતાં ભારતે વાંધો ઉઠાવ્યો હતો.
વેપારી સૂત્રોએ કહ્યું હતું કે હવે તેઓ પામતેલના સૌથી મોટા ઉત્પાદક દેશ ઇન્ડોનેશિયા તરફ વળ્યા છે અને થોડો માલ થાઈલૅન્ડથી પણ મગાવે છે.
``પામતેલના ઊંચા ભાવ અને ઇન્ડોનેશિયાથી આવતા મર્યાદિત જથ્થાને કારણે આ વર્ષે આયાતમાં ઘટાડો થશે'' એમ મુંબઈના ખાદ્યતેલના અગ્રણી આયાતકાર સંદીપ બાજોરિયાએ જણાવ્યું હતું. મલયેશિયાના પામતેલના ભાવ છેલ્લા છ મહિનામાં 45 ટકા જેટલા વધી ગયા હતા, પરંતુ ભારતની ખરીદી બંધ થતાં હવે એ તેજીમાં ખાંચરો પડવાની શક્યતા છે.
અૉક્ટોબર, 2020માં પૂરા થનાર પાક વર્ષમાં ભારતની પામતેલની આયાત ગયા વર્ષના 94 લાખ ટનથી ઘટીને 84થી 90 લાખ ટન થવાનો અંદાજ ઉદ્યોગના જાણકારો મૂકી રહ્યા છે.
ઇન્ડોનેશિયાને બે-એક મહિના સુધી ભારતની માગ પૂરી કરવામાં તકલીફ પડશે, પરંતુ મલયેશિયા દ્વારા ઓફર કરાતાં ડિસ્કાઉન્ટથી આકર્ષાઈને અન્ય ગ્રાહકો મલયેશિયા તરફ વળશે એટલે ઇન્ડોનેશિયા ભારતને વધુ તેલ પૂરું પાડશે, એમ અન્ય આયાતકાર ગોવિંદભાઈ પટેલે જણાવ્યું હતું.
ભારત તેની ખાદ્યતેલની બે તૃતીયાંશ જરૂરિયાત આયાતથી પૂરી કરે છે, અને તેમાં પામતેલનો હિસ્સો ઘણો મોટો છે. પરંતુ પામતેલના ભાવ ઊંચા જવાથી સોયાબીન અને સૂર્યમુખીનાં તેલની આયાત વધી રહી છે.
પામતેલ અને સોયાબીન તેલના ભાવ વચ્ચેનો તફાવત જુલાઈમાં ટનદીઠ 205 ડૉલર હતો તે હવે ઘટીને 60 ડૉલર જેટલો જ રહ્યો છે.
વર્તમાન પાક મોસમમાં સોયાતેલની આયાત 20 ટકા વધીને 36 લાખ ટન અને સૂર્યમુખી તેલની આયાત 28 ટકા વધીને 30 લાખ ટન થવાની ધારણા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer