સોયાબીન કોમ્પ્લેક્સમાં ટૂંકાગાળામાં કોઈ તેજી બનતી નથી

સોયાબીન કોમ્પ્લેક્સમાં ટૂંકાગાળામાં કોઈ તેજી બનતી નથી
ચીન-અમેરિકા વચ્ચેની ટ્રેડ વોર હળવી થાય તો પણ કૃષિબજારમાં સંખ્યાબંધ રિએકશન જોવા મળશે
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. 21 જાન્યુ.
સોયાબીન કોમ્પ્લેક્સમાં મજબૂત લેવાલી નીકળે તેવા સંયોગો નથી, તેથી ભાવમાં ઉછાળો પણ સંભવિત નથી. લાંબા સમયથી જેની રાહ જોવાથી હતી તે અમેરિકા સાથે પ્રથમ તબક્કાના વેપાર કરાર થયા પછી, વાસ્તવમાં સોયાબીનના ભાવ ઘટ્યા હતા. ચીન તેની આવશ્યકતા હશે અને ભાવ વાજબી લાગે તેવા હશે, ત્યારે જ સોયાબીન ખરીદશે, આ જોતા આંતરપ્રવાહમાં કોઈ પરિવર્તન નથી આવ્યું. શિકાગો સોયાબીન માર્ચ વાયદો 8 જાન્યુઆરીએ એક વર્ષની ઊંચાઈએ 9.54 ડૉલર પ્રતિ બુશેલ (27.218 કિલો) બોલાયા પછી, આ સાપ્તાહાંતે ઘટીને 9.29 ડૉલર બંધ થયો હતો. 
ગત બુધવારે થયેલા 86 પાનાના પ્રથમ તબક્કાના ટ્રેડ વોર સમાધાનના કરાર પછી અમેરિકન સોયાબીન અને મકાઈ, જે ચીન તેના પશુઆહાર અને માનવઆહાર માટે ખરીદવાની શક્યતા છે, તેને ધ્યાનમાં રાખીને ટ્રેડરોએ વાસ્તવિક સોદા કઈ રીતે કરવા તે સમજવું મુશ્કેલ થઇ ગયું છે. આટલું જ નહિ ટ્રેડરોએ પણ સોદા કરતી વખતે ખૂબ સાવધાની રાખવી જરૂરી થઇ પડી છે કારણ કે છેલ્લાં 18 મહિનાથી અમેરિકાએ ચીનના કોઈ સામાન પર આયાત જકાત લાગુ નથી પાડી, હવે કરાર થઇ ગયા છે, ત્યારે આ જકાત રદ્દ થશે કે નહિ તેની કોઈ ચોખવટ નથી થઈ. આવી આયાત જકાતનો આંકડો 360 અબજ ડૉલરનો છે.  
9 જાન્યુઆરી સુધી અમેરિકન સોયાબીનની સાપ્તાહિક નિકાસ બાકિંગ 7,11,462 ટન થઇ હતી. જેમાંથી ચીન માટે 2,16,609 ટન રવાના થશે. એક વર્ષ અગાઉ અમેરિકન સોયાબીનનું 2019-20 માટે નિકાસ બાકિંગ 304.83 લાખ ટન થયું હતું. તેમાંથી 63 ટકા નિકાસ આખા વર્ષમાં થવાની આગાહી અમેરિકાએ કરી હતી, પણ તે અત્યાર સુધીમાં 78 ટકા નોંધાઈ છે.  
વર્લ્ડ એગ્રીકલ્ચર સપ્લાય એન્ડ ડીમાંડ એસ્ટિમેટ (વાસ્ડે) હજુ ચીનમાં કેટલી નિકાસ થશે, તેના અનુમાનો મૂકી શકી નથી, તેઓ માને છે કે 2020માં જે કઈ પૂરાંત સોયાબીન રહેશે તે એક્સપોર્ટ શિપિંગ પ્રોગ્રામ હેઠળ થઇ જશે. ચીન તેમાં ખાધતેલ અને પશુઆહાર માટે અમેરિકન કૃષિ પેદાશોનો ઐતિહાસિક રીતે પણ સૌથી મોટો આયાતકાર દેશ છે.  
અમેરિકન વ્યાપાર પ્રતિનિધિએ બુધવારે કરારો પર સહી થયા પછી કહ્યું હતું કે ચીન આગામી બે વર્ષ સુધીમાં વાર્ષિક સરેરાશ 40 લાખ ડૉલરના ધોરણે અમેરિકન કૃષિ ચીજો ખરીદશે. નવા કરાર, ચીનને તેના વ્યાપારી હેતુઓ પૂરા કરવા જેતે સમયે બજારની સ્થિતિ ચકાસીને, અનુકૂળ ભાવે ખરીદી કરવાની પરવાનગી આપે છે. વર્તમાન અને 2021 વચ્ચે ચીન કરારની કલમો પ્રમાણે વર્તશે કે નહિ તેની સામે શંકાઓ ઉઠાવવામાં આવી છે.  
નેશનલ અૉસ્ટ્રેલિયન બૅન્ક કહે છે કે અમેરિકન નિકાસ પર ચાઈનીસ જકાત કેટલી લાગશે, તે બાબતે બધુજ અદ્ધરતાલ હોવાથી, ખેડૂતો અને ટ્રેડિંગ કોમ્યુનિટી પણ અસમંજસમાં મુકાઈ ગઈ છે. આફ્રિકન સ્વાઈન ફ્લુ પછી પશુઆહાર માટે ચીનની સોયાબીન બજાર સકારાત્મક રહેશે કે નહિ તે પણ નક્કી નથી. ઐતિહાસિક રીતે ચીન અમેરિકન સોયાબીનની જંગી ખરીદી અૉક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન કરતું હોય છે ત્યાં સુધીમાં દક્ષિણ અમેરિકન દેશોની સપ્લાય પ્રવાહ સાવ ઘટી ગયો હોય છે.  
એ સમયગાળો આવે ત્યાં સુધી ચીનના ખરીદારો સોયાબીન માટે મોટાપાયે નાણાં બચાવીને રાખતા હોય છે. જો આવું જ વલણ તેઓ આ વખતે પણ અપનાવશે તો ટૂંકાગાળામાં સોયાબીન કોમ્પ્લેક્સમાં કોઈ તેજી બનતી નથી. ચીન અને અમેરિકા વચ્ચેની ટ્રેડ વોર હળવી થાય તો પણ જાગતિક બજારમાં સંખ્યાબંધ રિએકશન જોવા મળશે. બાજિંગ અને વાશિંગ્ટન વેપાર વચ્ચેના ટેન્શનનો સૌથી મોટો લાભ જો કોઈ કૃષિ ક્ષેત્રને મળ્યો હોય તો તેમાનો એક દેશ બ્રાઝિલ છે, પણ હવે ચીન અમેરિકાથી વધુ સોયાબીન ખરીદશે, એવા અનુમાન પર બ્રાઝિલની કૃષિ સમસ્યામાં વધારો પણ થવાનો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer