ખેતમજૂરો નહીં મળતાં કપાસ ચૂંટવાનો ખર્ચ બમણો થયો

ખેતમજૂરો નહીં મળતાં કપાસ ચૂંટવાનો ખર્ચ બમણો થયો
મુંબઈ, તા. 21 જાન્યુ.
મહારાષ્ટ્રમાં કપાસની સિઝન પૂરી થવાને આરે છે, પરંતુ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હાથ વડે કપાસ ચૂંટવા માટે ખેતમજૂરો / શ્રમિકોની અછતને કારણે કપાસ ચૂંટવાનો ખર્ચ બમણા કરતાંય વધુ થઈ ગયો છે. ખેતરમાં કપાસના ઊભા પાકને ચૂંટવા ગામડાંમાં પૂરતી સંખ્યામાં ખેતમજૂરો મળતા નથી. ખેડૂતોએ આ શ્રમિકોને દૈનિક વેતન પેટે મોટી રકમ ચૂકવવી પડતી હોવાથી તેમના હાથમાં માંડ થોડો નફો રહે છે.
2019માં સારો વરસાદ થયો હોવાથી વરસાદ આધારિત જમીન ધરાવતા ખેડૂતોએ કપાસનું વધુ વાવેતર કર્યું છે. પરંતુ હવે ખેતમજૂરો મળતા નહીં હોવાથી તેમણે પોતાનાં ખેતર છોડી મૂકવાની ફરજ પડી છે. રાજ્ય સરકારના આંકડા મુજબ આ સિઝનમાં 44 લાખ હેક્ટર્સ જમીનમાં કપાસનું વાવેતર થયું હતું અને હજુ ચાર લાખ હેક્ટર પાકની લણણી બાકી છે.
ધૂળેથી ગઢચિરોલી વચ્ચે આવેલા વિસ્તારોમાં કપાસનો પાક લેવાય છે. આ વિસ્તારોમાં મોટા ભાગનાં ખેતર પાંચથી સાત એકરમાં છે અને તેની માલિકી નાના અને સીમાંત ખેડૂતો ધરાવે છે. એટલે, વાવેતરના ખર્ચમાં મોટો વધારો થાય તો ખેડૂતને તે પરવડે તેમ હોતું નથી.
બુલઢાણા જિલ્લાના કપાસના ખેડૂત રાજુ પાટીલ કહે છે કે ખેતમજૂર દ્વારા જેટલો કપાસ ચૂંટાયો હોય, તેના આધારે તેમને વેતન ચૂકવાય છે. આ સિઝનમાં કપાસ ચૂંટવાનો ખર્ચ પ્રતિ ક્વિન્ટલ રૂા. 600થી વધીને રૂા. 1500 થયો છે. એક તબક્કે ખેડૂત માટે શ્રમિક પાસે કપાસ ચૂંટાવાનું નુકસાનકારક બને છે. એટલે, વિશાળ ખેતરોને નધણિયાતાં છોડી દેવાયાં છે.
મહારાષ્ટ્ર સ્ટેટ કમિશન ફોર એગ્રિકલ્ચરલ કોસ્ટ્સ એન્ડ પ્રાઈસીસના ચેરમેન પશા પટેલે જણાવ્યું કે જાહેર વિતરણ વ્યવસ્થા દ્વારા અનાજ ઉપર ઊંચી સબસિડીને કારણે ખેતમજૂરો ખેતરમાં કઠોર પરિશ્રમ કરવા માગતા નથી. આને કારણે રાજ્યમાં શ્રમિકોનો ખર્ચ વધી રહ્યો છે. અત્યારે લણણીની સિઝન જોરમાં હોવા છતાં ખેતરમાં હોય તેના કરતાં વધુ લોકો ગામડાંમાં છે. અગાઉ આનાથી વિપરીત સ્થિતિ રહેતી.
કેન્દ્ર સરકારના મિનિમમ કોમ પ્રોગ્રામ હેઠળ રાજ્યના ગરીબ પરિવારોને જૂન, 1997થી સામાન્ય ભાવ કરતાં અડધા ભાવે 10 કિલોગ્રામ અનાજ અપાતું હતું. અનાજની માત્રા એપ્રિલ, 2000થી વધારીને બમણી એટલે કે 20 કિલોગ્રામ કરાઈ હતી. એપ્રિલ, 2002થી ગરીબી રેખાની નીચે અને ગરીબી રેખાની ઉપરના લાભાર્થીને અનાજની માત્રા વધારીને અનુક્રમે 35 કિલો અને 15 કિલો કરવામાં આવી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer