કઠોળના ભાવ સાથે ચેડાં : ઈડી એડલવાઇસની ઊલટતપાસ કરશે

કઠોળના ભાવ સાથે ચેડાં : ઈડી એડલવાઇસની ઊલટતપાસ કરશે
એજન્સીસ
મુંબઈ, તા. 21 જાન્યુ.
2015માં કઠોળના ભાવમાં ચેડાં કરવાની તપાસમાં હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પ્રવે કર્યો છે.
એજન્સીએ સંડોવાયેલી કંપનીઓના અધિકારીઓને પૂછપરછ માટે બોલાવવાનું શરૂ કર્યું છે. કઠોળના ભાવમાં ચેડાં કરનારા ગ્રુપમાં ગ્લેનકોર ગ્રુપ, એડલવાઇસ ગ્રુપ અને ઈટીજી ગ્રુપ મુખ્ય ખેલાડીઓ હતા.
પ્રથમ તબક્કે એડલવાઇસના સિનિયર અધિકારીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે અને ત્યારબાદ અન્ય કંપનીઓના અધિકારીઓને બોલાવાશે. આઈટી દ્વારા તૈયાર કરાયેલા અપ્રેઇઝલ અહેવાલનું એજન્સી રિવ્યુ કરી રહી છે. આ અહેવાલમાં જણાવાયું છે કે એડલવાઇસ ગ્રુપની અૉફ્ફશોર એન્ટિટી કદાચ મની લોન્ડરિંગમાં સંડોવાયેલી હોઈ શકે. જોકે, એડલવાઇઝે 2016માં તેની આંતરરાષ્ટ્રીય કૉમોડિટી કામગીરી બંધ કરી દીધી હતી.
કૉમોડિટી માર્કેટમાં ચણા કૉન્ટ્રાક્ટમાં ચેડાં થયા હોવાનો આ કેસ છે. સર્ચ કામગીરીના ભાગરૂપ આઈટી સૂત્રો જણાવે છે કે આ સેબી માટે પણ તપાસનો વિષય છે.
આઈટી અહેવાલના આધારે એક અંગ્રેજી સાપ્તાહિકે 2017માં પલ્સીસ રિંગિંગ સ્ટોરી પ્રસિદ્ધ કરી હતી. તેમાં જણાવાયું હતું કે કેટલીક ટ્રેડિંગ અને ફાઇનાન્સિયલ કંપનીઓના જોડાણના પરિણામે કઠોળના ભાવ કૃત્રિમ રીતે ચગાવવામાં આવ્યા હતા. દેશવિદેશની બજારોમાં કઠોળના સ્ટોકનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. એક્સચેન્જો પર વાયદામાં નોંધપાત્ર લાંબી પોઝિશન લેવાઈ હતી કે જેથી જથ્થાબંધ અને રિટેલ સ્તરે કૃત્રિમ અછત પેદા થાય.
આવકવેરાના અહેવાલમાં અન્ય જે કંપનીઓના નામ છે તેમાં જિંદાલ ગ્રુપ, વિકાસ ગુપ્તા, સુપિરિયર ગ્રુપ, મનોજ અગ્રવાલ, એસવી એગ્રીટ્રેડ, શાર્પ મિન્ટ ગ્રુપ, રીદ્ધી સિદ્ધી ઇમ્પેક્સ, પાર્થ ઇન્ટરનેશનલ, ગાયત્રી મા, ગન એન્ટરપ્રાઇસ, ચાર્લ્સ ઇન્ડિયા પ્રા.લિ. વગેરેનો સમાવેશ થાય છે.
ગયા સપ્તાહે ઈડીએ એડલવાઇઝના ચૅરમૅન રશેષ શાહને સમન્સ પાઠવ્યા હતા. કરન્સી એક્સચેન્જ ફર્મ કેપસ્ટોન ફોરેક્સ પ્રા.લિ. દ્વારા કહેવાતી મની લોન્ડરિંગ પ્રવૃત્તિમાં તેમની સંડોવણી અંગે એજન્સી તપાસ કરી રહી છે. જોકે, કેપસ્ટોન જોડે કોઈ સંબંધ ન હોવાની સ્પષ્ટતા એડલવાઇઝે કરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer