આઈએમએફના અહેવાલને પગલે શૅરબજારો ઘટયાં

આઈએમએફના અહેવાલને પગલે શૅરબજારો ઘટયાં
વ્યાપાર ટીમ
મુંબઈ, તા. 21 જાન્યુ.
 ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે (આઈએમએફે) નાણાકીય વર્ષ 2020 માટે આર્થિક વિકાસદરનો અંદાજ એક ટકાથી પણ વધુ ઘટાડીને 4.8 ટકા કરતા અને કંપનીઓનાં ડિસેમ્બર ત્રિમાસિકમાં નાણાકીય પરિણામો નબળાં આવતાં મંગળવારે શૅરબજારો ઘટયાં હતાં. ઉપરાંત એશિયાનાં બજારોમાં મંદ વેપારની અસર પણ ભારતીય શૅરબજારો ઉપર પડી હતી. 
બૅન્કિંગ, અૉટોમોબાઈલ અને મેટલના શૅર્સમાં ભારે વેચવાલી જોવા મળી હતી. એચડીએફસી બૅન્ક, આઈસીઆઈસીઆઈ બૅન્ક, ઈન્ફોસિસ, મારુતિ સુઝુકી અને તાતા સ્ટીલ ઘટાડે રહ્યા હતા. એસઍન્ડપી બીએસઈ સેન્સેક્ષ 205.10 પોઈન્ટ્સ (0.49 ટકા) ઘટીને 41,323.81ના સ્તરે બંધ રહ્યો હતો. તાતા સ્ટીલ, એશિયન પેઈન્ટ્સ અને મારુતિ સુઝુકી સૌથી વધુ ઘટયા હતા. બીજા બાજુ અલ્ટ્રાટેક સિમેન્ટ, એચડીએફસી અને ઈન્ડસઈન્ડ બૅન્ક સૌથી વધુ વધ્યા હતા. ઈન્ટ્રાડે ટ્રેડમાં સેન્સેક્ષ 41,301.63ની નીચલી સપાટીને સ્પર્શયું હતું. બીએસઈમાં 1393 શૅર્સ ઘટયા હતા, જ્યારે 1107 શૅર્સ વધ્યા હતા. જ્યારે 174 શૅર્સ સ્થિર રહ્યા હતા. વોલાટિલિટી ઈન્ડેક્સ - ઇન્ડિયા વીઆઈએક્સ ત્રણ ટકા વધ્યો હતો. 
એનએસઈમાં નિફ્ટી50એ 12,200ની સપાટીને ગુમાવીને સત્રના અંતે 54.90 પોઈન્ટ્સ (0.45 ટકા) ઘટીને 12,169.65ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટી મીડિયા સૂચકાંકને બાદ કરતા દરેક ક્ષેત્રવાર સૂચકાંક ઘટાડે બંધ રહ્યા હતા. નિફ્ટી રિયલ્ટી ઈન્ડેક્સ (1.52 ટકા ઘટાડો) અને નિફ્ટી અૉટો અને મેટલ  ઈન્ડેક્સ (બંને 1.3 ટકા ઘટયા) સૌથી વધુ ઘટયા હતા. વ્યાપક બજારમાં અગ્રણી સૂચકાંકોની કામગીરી નબળી રહી હતી. એસઍન્ડપી બીએસઈ મિડ-કૅપ ઈન્ડેક્સ 0.25 ટકા ઘટીને 15,580.46ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે એસઍન્ડપી બીએસઈ સ્મોલ-કૅપ ઈન્ડેક્સ 14,651.78ના સ્તરે સ્થિર રહ્યો હતો. 
વૈશ્વિક બજારો
અઠવાડિયાની શરૂઆતમાં થયેલો વધારો મંગળવારે વૈશ્વિક શૅર્સમાં ધોવાયો હતો. એમએસસીઆઈનો ઓલ-કંટ્રી વર્લ્ડ ઈન્ડેક્સ 0.4 ટકા ઘટયો હતો, જ્યારે હોંગ કોંગનો હેન્ગ સેંગ 2.8 ટકા ઘટયો હતો. ઉપરાંત જપાનનો નિક્કી 0.9 ટકા અને શાંઘાઈનો બ્લુ ચીપ્સ 1.7 ટકા ઘટયો હતો. ઈ-મિનિ ફ્યૂચર્સમાં સાવચેતી વધતા એસઍન્ડપી 500 0.5 ટકા ઘટયો હતો. યુરોપમાં પાન-યુરોપિયન સ્ટોક્સ600 0.7 ટકા ઘટયો હતો.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer