રિલાયન્સનો ફ્લિપકાર્ટ-એમેઝોનને સીધો પડકાર

રિલાયન્સનો ફ્લિપકાર્ટ-એમેઝોનને સીધો પડકાર
500થી 1500 ચો. ફૂટની હજારો દુકાનોમાં વેચશે કરિયાણું અને ખાદ્યસામગ્રી
એજન્સીસ
નવી દિલ્હી, તા. 21 જાન્યુ.
મુકેશ અંબાણી હસ્તક રિલાયન્સ રિટેલ કંપની તેની મહત્ત્વાકાંક્ષી ઓમ્નીચેનલ સાહસના ભાગરૂપે છેવાડાના ગ્રાહક સુધી ફૂડ અને ગ્રોસરીની ડિલિવરી કરી શકાય એ માટે `િરલાયન્સ સ્માર્ટ પૉઈન્ટસ' નામના હજારો નાના સ્ટોર્સ શરૂ કરશે. આ દરેક સ્ટોર 500 ચો. ફૂટથી 1500 ચો. ફૂટના હશે. સુપરમાર્કેટ ચેઈનના નાના અવતાર જેવા આ સ્માર્ટ પૉઈન્ટસ સ્ટોર હશે. આ રીતે રિલાયન્સ અમેરિકન જાયન્ટ એમેઝોનને સીધો પડકાર આપશે.
આ માટે વિવિધ શહેરોમાં જગ્યા શોધવાનું રીયલ એસ્ટેટ એજન્ટોને કહી દેવાયું છે. નોર્થ ઇન્ડિયામાં આગામી 3થી 4 મહિનાઓમાં 500થી વધુ આવા નાના સ્ટોરો શરૂ કરવાની યોજના છે. દિલ્હીમાં આવા 100 સ્ટોર્સ અને મુંબઈમાં પણ 100 સ્ટોર્સ તૈયાર થશે.
આ માટે મોંઘી પ્રોપર્ટી નહીં લેવાય પણ નીચા ભાડાંના સ્ટોર્સ લેવામાં આવશે. આ ગ્રોસરી કન્સેપ્ટ છે, જે હાઈપર-લોકલ ડિલિવરી માટે વપરાશે. ગ્રાહકો ઓનલાઈન પણ ઓર્ડર આપી આ સ્ટોર્સમાંથી ડિલિવરી મેળવી શકશે.
રિલાયન્સે જણાવ્યું છે કે તેણે નવી મુંબઈ, થાણા, કલ્યાણમાં આ પ્રકારના 18 આઉટલેટો શરૂ કરી દીધા છે. રહેઠાણ વિસ્તારોમાં આ સ્ટોર્સ હશે અને એમાં ભાવ પણ આકર્ષક હશે. આ સ્ટોર્સમાં કરિયાણું અને દવાઓનું વેચાણ થઈ ચૂક્યું છે.
એક વખત નક્કી થયા બાદ ફોર્મેટને જલદી ઓપ આપવામાં આવે છે અને 45 દિવસમાં તે લોન્ચ થઈ જાય છે.
રિલાયન્સ દેશમાં 11,000થી વધુ ફિઝિકલ આઉટલેટોના નેટવર્ક દ્વારા ચાલુ વર્ષના અંત સુધીમાં તેનું ઓમ્નીચેનલ સાહસ શરૂ કરે તેવી ધારણા છે. આથી તે એમઝોન અને ફ્લિપકાર્ટ સાથે સ્પર્ધામાં ઉતરશે. આ ઉપરાંત રિલાયન્સ તેની `ન્યૂ કોમર્સ' મલ્ટિચેનલ રિટેલ યોજનાના ભાગરૂપે દેશનાં હજારો કરિયાણાં સ્ટોર્સ સાથે પણ ભાગીદારી કરવા માગે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer