ટેક્સ્ટાઇલ કમિશનરની વધારાની જવાબદારી જ્યુટ કમિશનર સંભાળે છે!

ટેક્સ્ટાઇલ કમિશનરની વધારાની જવાબદારી જ્યુટ કમિશનર સંભાળે છે!
ડૉ. કવિતા ગુપ્તાની બદલી પછી બે કમિશનર આવ્યા અને ગયા
નરેન્દ્ર જોશી
મુંબઈ, તા. 21 જાન્યુ.
108 અબજ ડૉલરનું બજાર કદ ધરાવતા ભારતના ટેક્સ્ટાઇલ ઉદ્યોગ પાસે પોતાના કહી શકાય એવા પૂર્ણ સમયના કોઈ ટેક્સ્ટાઇલ કમિશનર નથી!
અત્યારે જયૂટ કમિશનર મોલોયચંદન ચક્રવર્તી કેટલાક મહિનાથી ટેક્સ્ટાઇલ કમિશનરની વધારાની જવાબદારી સંભાળી રહ્યા છે.
આઈએએસ અધિકારી ડૉ. કવિતા ગુપ્તાની બદલી થયા બાદ ટેક્સ્ટાઇલ કમિશનરના હોદ્દા ઉપર પાછલા દોઢ વર્ષમાં ત્રણ અધિકારીઓની થોડા સમય પૂરતી વરણી થઈ હોવાથી ઉદ્યોગને સરકાર સમક્ષ પોતાની સમસ્યાની રજૂઆત કરવામાં મુશ્કેલીઓ નડી રહી છે, એવું સૂત્રોએ વ્યાપારને કહ્યું હતું.
થોડા મહિના પહેલાં ડૉ. કવિતા ગુપ્તાની બદલી મહારાષ્ટ્ર સરકારમાં થઈ તે પછી ત્રણ આઈએએસ અધિકારીઓની આ પદે નિમણૂક કરવામાં આવી હતી. ડૉ. ગુપ્તાના અનુગામી સંજય ચહાંદેને બનાવવામાં આવ્યા, પરંતુ તેમને પણ વધારાનો કાર્યભાર (એડિશનલ ચાર્જ) સોંપવામાં આવ્યો હતો. સરન મોટા ભાગે દિલ્હીથી મુંબઈમાં આવેલા કમિશનરેટનું સુકાન સંભાળતા હતા. તેઓ હજી આ ઉદ્યોગની સમસ્યા સમજી તેને દિશાદોર આપવાનું શરૂ કરે તે પહેલાં તેમની બદલી કરવામાં આવી હતી.
સરનના સ્થાને મહારાષ્ટ્ર આઈએએસ કાડરના સિનિયર અધિકારી સંજય ચહાંદેની વરણી કરવામાં આવી હતી. તેમનો કાર્યકાળ અલ્પ સમયનો હતો.
ટેક્સ્ટાઇલ કમિશનરની અૉફિસના સૂત્રોના જણાવ્યા મુજબ ચક્રવર્તીની મુંબઈની મુલાકાત અનિશ્ચિત હોય છે. કોઈ અગત્યની સમસ્યા વિષે ચર્ચા કરવાની હોય તો કોલકાતાથી વીડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરવાનું તેમને વધુ પસંદ છે. જોકે, મોટા ભાગે ઇમેઇલ દ્વારા સમસ્યાનું નિરાકરણ થતું હોય છે.
કૃષિ પછી સૌથી વધુ રોજગાર પૂરો પાડતો ટેક્સ્ટાઇલ ઉદ્યોગ અત્યારે નોટબંધી અને જીએસટીના અવરોધોને પાર કરી વિકાસમાં ગતિ લાવવા મથી રહ્યો છે ત્યારે પૂર્ણ સ્વરૂપે ટેક્સ્ટાઇલ કમિશનરની ગેરહાજરી સમસ્યામાં વધારો કરી રહી છે, એમ આ ઉદ્યોગના સૂત્રોએ કહ્યું હતું.
ટેક્સ્ટાઇલની માર્કેટ સાઇઝ વર્ષ 2021 સુધીમાં 223 અબજ ડૉલર થવાની ધારણા છે, જેમાં 4.5 કરોડ સીધા અને છ કરોડ પરોક્ષ રોજગાર ઉપલબ્ધ થાય છે. જીડીપીમાં આ ઉદ્યોગનો હિસ્સો પાંચ ટકા અને ઔદ્યોગિક ઉત્પાદનના ઇન્ડેક્સ (આઈઆઈપી)માં 14 ટકા હિસ્સો છે.
જોકે, યુરોપિયન યુનિયન (ઈયુ) અને અમેરિકા સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) ધરાવતાં ભારતનાં પડોશી રાષ્ટ્રો બાંગ્લાદેશ, તાઈવાન અને શ્રીલંકા જેવાં રાષ્ટ્રોની તીવ્ર સ્પર્ધાનો સામનો ટેક્સ્ટાઇલ ઉદ્યોગ કરી રહ્યો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer