સુપ્રીમ કોર્ટ ટેલિકૉમ કંપનીઓની અરજી આવતા સપ્તાહે સાંભળશે

સુપ્રીમ કોર્ટ ટેલિકૉમ કંપનીઓની અરજી આવતા સપ્તાહે સાંભળશે
એજીઆર પેટે રૂા. 1.47 લાખ કરોડની ચુકવણી
પીટીઆઈ
નવી દિલ્હી, તા. 21 જાન્યુ.
ભારતી એરટેલ, વોડાફોન - આઈડિયા અને તાતા ટેલિ સર્વિસીસ સહિત વિવિધ ટેલિકોમ કંપનીઓ દ્વારા ટેલિકોમ વિભાગને એડજસ્ટેડ ગ્રોસ રેવેન્યુ (એજીઆર) પેટે રૂા. 1.47 લાખ કરોડના પેમેન્ટનું સમયપત્રક નવેસરથી કરવાની વિનંતી કરતી રિટ અરજી વિશે આવતા સપ્તાહમાં સુનાવણી કરવા માટે સુપ્રીમ કોર્ટે તૈયારી દાખવી છે.
ચીફ જસ્ટીસ એસ. એ. બોબડેના વડપણ હેઠળની બેન્ચે એ. એમ. સિંઘવી અને સીએ સુંદરમ સહિત સંખ્યાબંધ વરિષ્ઠ ધારાશાત્રીઓની રજૂઆતને ધ્યાનમાં લીધા બાદ જણાવ્યું હતું કે નવી અરજીઓ વિશે આવતા સપ્તાહમાં કોઈ પણ દિવસે સુનાવણી આ જ બેન્ચ સમક્ષ હાથ ધરવામાં આવશે.
વડા ન્યાયમૂર્તિ બોબડે સાથે એસ. એ. નઝીર અને સંજીવ ખન્નાની બેન્ચને ધારાશાત્રી સુંદરમે જણાવ્યું હતું કે `અમને પેમેન્ટ કરવાનું જ છે, તેની ના નથી કહેતા, પરંતુ પેમેન્ટ માટે નવા સમયપત્રકની માગણી કરી રહ્યા છીએ.
એજીઆર ડયુસની ચુકવણી માટે સમયપત્રક તૈયાર કરવા વિશે કરાયેલી નવી અરજીની સુનાવણી ખુલ્લી અદાલતમાં કરવાની માગણી ટેલિકોમ કંપનીઓએ કરી હતી. ઓપન કોર્ટ અથવા બંધ બારણે સુનાવણી કરવા વિશે નિર્ણય સંબંધિત બેન્ચ કરશે, એમ મુખ્ય ન્યાયમૂર્તિએ જણાવ્યું હતું.
ગત 16મી જાન્યુઆરીએ ન્યાયમૂર્તિ અરુણ મિશ્રાના નેજા હેઠળની બેન્ચે ટેલિકોમ કંપનીઓ દ્વારા એજીઆર પેમેન્ટ વિશે કરેલી સમીક્ષા અરજીઓ ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે આ અરજીઓની સમીક્ષા કરવા માટે ગળે ઉતરે તેવું કોઈ કારણ તેમને જોવા મળ્યું નથી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer