કેરીની આવકમાં તાલાલાને ઓવરટેક કરતું ગોંડલ યાર્ડ

સિઝનમાં ગોંડલમાં અઢી લાખ બોક્સ આવી ગયા, તાલાલાનો આંક દોઢ લાખે પહોંચ્યો 
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 22 મે 
કેસર કેરીના ઉત્પાદનમાં રાજ્યભરમાં મોખરે રહેતા સોરઠ વિસ્તારની કેરી, એ વિસ્તારના અગ્રિમ તાલાલા યાર્ડ કરતાં ગોંડલ યાર્ડમાં વધારે પ્રમાણમાં આવી રહી છે. પરિણામે ગોંડલ યાર્ડ કેરીના પીઠાં તરીકે ઉભરી રહ્યું છે. 
તાલાલા યાર્ડ 10મીમેના દિવસે શરૂ થયું હતું. આજ સુધીમાં તેમાં 1.46 લાખ બોક્સની આવક થઇ ચૂકી છે. બીજી તરફ ગોંડલ યાર્ડ 16મી એપ્રિલથી ધમધમી રહ્યું છે જ્યાં આશરે અઢી લાખ બોક્સ કેસર કેરીની આવક થઇ ચૂકી છે. તાલાલા યાર્ડમાં આવકો એક લાખ બોક્સ જેટલી ઓછી દેખાય છે. 
આ અંગે ફળના એક વેપારી કહે છે, તાલાલા યાર્ડમાં માત્ર કેસર કેરીની આવક થાય છે. બીજી તરફ ગોંડલમાં કેસર ઉપરાંત મહારાષ્ટ્ર અને બેંગલોરની કેરી પણ આવે છે. તાલાલા મોડું શરું થયું છે એ કારણે પણ ત્યાં આવક ઓછી છે. 
તાલાલા યાર્ડના સૂત્રો કહે છે, 10મી મે એ હરાજી આરંભાઇ ત્યારે પાંચેક હજાર બોક્સ આવ્યા હતા. અત્રે રોજ 22-23 હજાર બોક્સની આવક થવા લાગી છે. આવક વધીને 300-35 હજાર બોક્સ સુધી પણ આવનારા દિવસોમાં પહોંચી શકે છે.
તાલાલા યાર્ડમાં કેસર કેરીનો ભાવ પણ સારો મળતા ખેડૂતોને રાજીપો છે. તાલાલામાં કેસર કેરીનો ભાવ સરેરાશ રુ. 220થી 780 સુધી મળી રહ્યો છે. 
ગોંડલ યાર્ડના સૂત્રો કહે છે, પાછલા વર્ષે અમારે ત્યાં 27 માર્ચથી કેરીની આવક થઇ હતી. આ વખતે સિઝન મોડી થતાં 16મી એપ્રિલથી કેરીની આવક આરંભાઇ છે. અત્યાર સુધીમાં ગોંડલમાં 2.50 લાખ બોક્સ કરતા વધારે આવક થઇ હતી.
ગોંડલ યાર્ડમાં પ્રવર્તમાન સમયે પણ રોજ 25 હજાર બોક્સ જેટલી આવક રહે છે. કેસર કેરીનો ભાવ 10 કિલોએ રૂા. 250-900 રહ્યો હતો. 
કેરીના વેપારીઓ કહે છે, ચાલુ વર્ષે પાકનો અંદાજ ગયા વર્ષ જેટલો મંડાતો હતો. જોકે પાક ઓછો દેખાઇ રહ્યો છે. વાતાવરણની માઠી અસરને લીધે ગુણવત્તાયુક્ત કેરી ખૂબ ઓછી આવે છે.
તાલાલા હોય કે ગોંડલ બન્ને સેન્ટરોમાં 25 ટકા આવકો જ સારી હોય છે. મોટાંભાગના માલ કાચા આવતા હોવાથી ખરીદનારા પસ્તાઈ રહ્યા છે. 
તાલાલાના એક વેપારી કહે છે, સસ્તાંમાં મળતી કાચી કેરી સ્વાદરસિકો ઘેર લઇ જાય તો અર્ધી પાકે છે અને અર્ધી ચાંદી પડીને સડી જાય છે. આવી ફરિયાદો વ્યાપક બનવા લાગી છે. એ કારણે અનુભવી વેપારીઓ સારી કેરી ખાવા માટે હજુ દસેક દિવસ રાહ જોવાની સલાહ આપી રહ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer