લઘુ ઉદ્યોગોની અનેક માગ નાણાપ્રધાનના પેકેજમાં નથી

ફેડરેશન ઓફ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ ધંકેશ પટેલનું મંતવ્ય 
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 22 મે 
નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા જાહેર કરવામાં ઉદ્યોગો માટે ઉદ્દીપક પેકેજમાં નાણાની જંગી જોગવાઇ કરી હોવા છતાં ઉદ્યોગોની અમુક માગ વણસંતોષાયેલી રહી ગઇ છે. નાના ઉદ્યોગો માટે રૂા. 3 લાખ કરોડની જોગવાઇ સામે ઉદ્યોગોનું કહેવું છે એક જ વખત વ્યાજ મુક્ત રૂા. 20 લાખ સુધીની લોન પર 3-6 મહિના વ્યાજ મુક્તિ આપવી જોઇતી હતી.  
જો એફોર્ડેબલ હાઉસિંગ પર વ્યાજ સબસિડી આપી શકાતી હોય તો ઉદ્યોગો પણ આ વ્યાજમુક્તિ માટે હકદાર છે. ઉદ્યોગોનું પુન?ગઠન પણ વ્યાજ મુક્તિ આપીને પણ કરાય છે. ફેડરેશન ઓફ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ ધંકેશ પટેલે જણાવ્યું હતુ કે જોકે સરકાર દ્વારા વિજ વિતરણ કંપનીને રૂા. 9000 કરોડની લિક્વીડિટીની જાહેરાત, તેમજ રૂ. 30,000 કરોડની એનબીએફસી, એચએફસીને આપવાની જાહેરાત તરલતા વધારવાની દિશામાં સારુ પગલું હોવાથી આવકાર્ય છે. છતાં ઉદ્યોગો દ્વારા એવી માગ કરવામાં આવી છે કે રૂા. 200 કરોડથી નીચેના ટેન્ડરમાં વૈશ્વિક ટેન્ડર સ્વીકારવા જોઇએ નહી. તેમાં સ્થાનિક સહયોગની શરત લાગુ પાડી હોત તો સ્થાનિક ઉદ્યોગ સાહસિકોને વૈશ્વિક સ્તરે ઉભરી આવવાની તક મળી હોત. વધુમાં ઇપીએફ માટે સરકારના ટેકામાં રૂા. 15000થી નીચેના વેતનદારો સમાવવાની જરૂર હતી. તેમજ જ્યારે ઉદ્યોગો સંપૂર્ણ વેતન ચૂકવી આપવા સક્ષમ નથી ત્યારે ઇપીએફને 3 મહિના સુધી રોકી રાખવાની જરૂર હતી.  
વધુમાં તેમણે ટીડીએસની મર્યાદામાં વધારો કરવાની પણ માગ કરી છે. તેમજ પડતર આવકવેરા રિફંડ મળવામાં વિલંબ થવાથી વ્યાજનો દર 6 ટકાથી વધારીને નવ ટકા કરવો જોઇએ.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer