ખેડૂતો અત્યારે પણ માલ વેચાણ માટે સ્વતંત્ર છે

રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન ડી.કે. સખિયાનું મંતવ્ય 
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 22 મે 
નાણાપ્રધાને કોરોના સામે લડવા માટે સંખ્યાબંધ જાહેરાતો કરી છે. એમાં ખેડૂતોને માર્કેટ યાર્ડ સિવાય ખૂલ્લા બજારમાં અને આંતરરાજ્ય વેચાણ કરી શકે તે માટે પણ ઇ ટ્રાડિંગની રૂપરેખા તૈયાર કરવાની છે. આ અંગે રાજકોટ માર્કટ યાર્ડના ચેરમેન ડી.કે. સખિયા કહે છે, કેન્દ્ર સરકારનો વિચાર ખૂબ સારો છે પરંતુ ખેડૂતો અત્યારે પણ દેશમાં અને રાજ્યમાં ગમે ત્યાં પોતાની જણસી વેંચી જ શકે છે.  
પ્રવર્તમાન સમયે ગામડેથી સીધા જ વેપારો થઇ રહ્યા છે. અત્યારે કપાસનો 70 ટકા જેટલો વેપાર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગામડેથી સીધો જીનોમાં થાય છે. એ જ રીતે અન્ય જણસીઓમાં પણ થોડો ઝાઝો વેપાર ચાલુ જ છે. તેમણે કહ્યું કે, માર્કેટ યાર્ડમાં ઇન્સ્પેક્ટરની હાજરી વચ્ચે હરાજી થાય છે એટલે ખેડૂત સાથે ભાવ પ્રશ્ને છેતરપીંડી થઇ શકતી નથી. 
બીજી તરફ યાર્ડમાં કમિશન એજન્ટોની ભૂમિકા પણ ઉત્તમ છે. કારણકે એજન્ટો ખેડૂતને પેમેન્ટની પૂરી ખાતરી આપે છે. માલ વેચાય કે ન વેચાય જેતે જણસીની 80 ટકા જેટલી રકમ ખેડૂતને પહેલા જ પોતાના જોખમે આપી દે છે. ખેડૂત એનાથી સલામત રહે છે. સરકારે આવશ્યક ચીજ વસ્તુધારો કાઢી નાંખવાની પહેલ કરી છે પણ અત્યારે ય ભાગ્યે જ કોઇ ચીજ ઉપર આ ધારો લાગુ પડે છે.  
ગુજરાત સરકારે પણ એપીએમસી એક્ટમાં ફેરફારો કર્યા છે. હવે ખેત નિયામક કમિશન એજન્ટને લાયસન્સ આપવાના છે. એક જ લાયસન્સથી વેપાર ચાલશે. તેના પરિણામે કમિશન એજન્ટો ખરાં છે કે ખોટાં તેની ઓળખ મુશ્કેલ બની જશે. ગુજરાત સરકારે ફેરફારો કર્યા છે તેમાં સેસ અંગે વિવાદો થયા છે સ્પષ્ટતા નથી એટલે વેપારો અસ્તવ્યસ્ત બન્યા છે. સરકારે વહેલી તકે તેની સ્પષ્ટતા કરવી જોઇએ. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer