કોવિડ-19 રેગ્યુલેટરી પેકેજની મુદ્દત 2021 સુધી વધારો

એસએમઇ ચેમ્બર ઓફ ઇન્ડિયાની વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ રજૂઆત 
અમારા પ્રતિનિધિ તરફથી  
રાજકોટ, તા. 22 મે 
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ  27 માર્ચ 2020ના રોજ ટર્મલોન, કાર્યશીલ મૂડીની સગવડ, કાર્યશીલ મૂડીના ફાયનાન્સ મેળવવામાં સરળતા થતા સ્પેશિયલ મોશન એકાઉન્ટ અને એનપીએ સંબંધિત પરિપત્ર જાહેર કરીને લઘુ ઉદ્યોગોને રાહત આપવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતમાં સુધારો કરવા માટે એસએમઇ ચેમ્બર ઓફ ઇન્ડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત કરી છે. 
ચેમ્બરના ફાઉન્ડર ચેરમેન ચંદ્રકાન્ત સાલૂંકેએ કહ્યું કે, હવે લોકડાઉન-4 ચાલી રહ્યું છે. 31મી મે સુધી મોટાભાગની બિઝનેસની પ્રવૃત્તિ બંધ કે સાવ ધીમી રહેશે.
હજુ પાંચમો તબક્કો પણ આવે એમ છે. આવા સંજોગમાં કેટલાક યુનિટોને હજુ ઉત્પાદન શરૂ કરવાની પણ સમસ્યા થઇ રહી છે.
ક્યાંક મજૂરોની અછત છે, ક્યાંક સપ્લાય ચેઇન તૂટેલી છે, ક્યાંક મૂડી નથી તો ક્યાંક ઇન્વેન્ટરીની સાઇકલ નબળી છે. બધાને માગની તો ચિંતા છે જ. 
આ સંજોગોમાં રિઝર્વ બેન્કે કોવિડ -2019 રેગ્યુલેટરી પેકેજને 31 માર્ચ 2021 સુધી લંબાવી દેવું જોઇએ તેવી માગણી સાથે નીચેના મુદ્દે રજૂ કરવામાં આવ્યા છે.   
ઉત્પાદકીય તથા સેવા ક્ષેત્રે કામકાજ કરતા લઘુઉદ્યોગો માટે નાણાકિય સંસ્થાઓની તમામ પ્રકારની લોન અને તેના વ્યાજ ચૂકવણીની મુદ્દતમાં 31 માર્ચ 2021 સુધીનો વધારો કરી આપવો જોઇએ.
આવા ઉદ્યોગોને સરળતાથી રોકડ કે મૂડી મળે તે માટે પેકેજમાં ચોક્કસ રોડમેપ દર્શાવવો આવશ્યક છે. 2021 માર્ચ સુધીમાં કોઇ એકમની મૂડીમાં ફેરફાર થાય તો તેના ખાતા ડાઉનગ્રેડ ન કરવા અને તમામ પ્રકારના ક્રેડિટ કાર્ડ કે જે કર્મચારીઓ અને તેમના માલિક વાપરે છે તેના પેમેન્ટના વ્યાજ માફ કરવા જોઇએ.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer