વ્યાજદર ઘટાડવાના નિર્ણયથી સેન્સેક્સ, નિફટી ઘટ્યા

બેન્ક અને ફાઇનાન્સિયલ શેર્સમાં ધોવાણ 
વ્યાપાર ટીમ 
મુંબઈ, તા. 22 મે
રિઝર્વ બૅન્ક ઓફ ઇન્ડિયા ઇઆરબીઆઈ)એ આજે અચાનક રેપો દરમાં 0.40 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી તેના  પગલે બજારમાં વેચવાલી ઉમટી હતી. 
સતત ત્રણ દિવસ સુધારો બતાવ્યા બાદ બજારે આજે તેની ઘટાડાની મૂળ ચાલને પકડી હતી. બજાર બંધ રહ્યું ત્યારે સેન્સેક્સ 260 પોઇન્ટ્સ ઘટી 30,673 અને નિફટી 67 પોઇન્ટ્સ ઘટી 9,039ના સ્તરે બંધ આવ્યા હતા. 
સોમવારે રમજાન ઈદની બજારોમાં રજા છે. તેથી નવા સપ્તાહમાં એક્સપાઈરી માટે માત્ર 3 દિવસ મળશે, પરિણામે રોકાણકારોએ આજે તેમની પોઝિશન હળવી કરવાનો નિર્ણય લીધો હતો. 
વૈશ્વિક બજારોમાં ભારે વેચવાલીનો માહોલ હતો પણ ભારતીય શેર બજારોમાં વેચવાલી સીમિત રહી હતી. બેન્ક નિફટી 2.57 ટકા ઘટ્યો હતો, તે સાથે ફાઇનાન્સિયલ કંપનીઓના શેર્સ, પીએસયુ બેન્ક શેર્સ  અને મિડ કેપ શેર્સમાં ભારે ધોવાણ જોવા મળ્યું હતું. 
બીજી તરફ નિફટીમાં આઇટી, ઓટો અને ફાર્મા ઇન્ડેક્સ વધીને બંધ થયા હતા. કોરોમંડલનો શેર આજે ઓલ ટાઈમ હાઈ બંધ આવ્યો હતો જ્યારે મહિન્દ્ર-મહિન્દ્રનો શેર ક્યુઆઈપીની જાહેરાતના પગલે વધ્યો હતો. 
નિફટીમાં આજે વધેલા શેર્સમાં ઝી લિ., સીપ્લા, એમ એન્ડ એમ, શ્રી સિમેન્ટ, ઇન્ફોસીસ, એશિયન પેઇન્ટ્સ, અલ્ટ્રાટેક, ટેક મહિન્દ્રા, બ્રિટાનિયા અને મારુતિ સામેલ હતા. 
નિફટીમાં વેચવાલીના દબાણ હેઠળ એક્સીસ બેન્ક, એચડીએફસી, બજાજ ફાઇનાન્સ, આઇસીઆઇસીઆઇ બેન્ક, હિન્દઆલ્કો, બજાજ ઓટો, ઇન્ડ્સઇન્ડ બેન્ક, એચડીએફસી બેન્ક અને તાતા સ્ટીલ જોવા મળ્યા હતા. એનએસઈમાં 842 શેર વધવા સામે 1302 શેર્સ ઘટ્યા હતા જ્યારે બીએસઇમાં 1081 શેર્સ વધવા સામે 1392 શેર્સ ઘટ્યા હતા. આમ, એકંદરે 2 શેર વધવા સામે 3 શેર્સ ઘટ્યા હતા. 
એશિયન બજારો ભારે નરમાઇ સાથે બંધ આવ્યા હતા. હોંગકોંગનો હેંગ સેંગ 5.57 ટકા ઘટ્યો હતો જયતે ચીનનો સાંધાઈ કોમ્પોઝિટ ઇન્ડેક્સ 1.89 ટકા અને નિકકી 0.80 ટકા ઘટીને બંધ થયા હતા. 
યુરોપના બજારો પણ વેચવાલીના દબાણ હેઠળ શરૂ થયા હતા. લંડન શેર બજાર 1.28 ટકા, જર્મન ડેક્સ 0.59 ટકા અને ફ્રાન્સનો સીએસી 0.32 ટકાના ઘટાડે ટ્રેડમાં હતા.   
અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો 34 પૈસા ઘટી 75.95ના સ્તરે બંધ આવ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ ઓઇલ  પ્રતિ બેરલ 1.60 ડોલર ઘટી 34.43 ડોલર હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer