કામદાર કાયદા સુધારા, વટહુકમને બ્રેક લાગશે?

લાખ્ખો - શ્રમિકોની ઘરવાપસી માટે રેલવે-બસની વ્યવસ્થા અને ભાડાંની ચૂકવણી બાબત રાજકીય વિવાદ નિષ્ફળ ગયા પછી હવે મુખ્ય વિપક્ષ કૉંગ્રેસ શ્રમિક વર્ગના અધિકાર માટે ભાજપ સરકાર સામે લડવાની તૈયારી કરે છે. ઉત્તર પ્રદેશ - ગુજરાત માટે કામદાર કાયદાઓમાં સુધારા કરવા માગે છે- તેનો દેશવ્યાપી વિરોધ શરૂ કરવા માટે કૉંગ્રેસપ્રમુખ સોનિયાજીએ તમામ વિપક્ષી નેતાઓ સાથે વિચારવિનિમય કર્યો છે- અલબત્ત વિરોધ આંદોલન કેટલું સફળ થાય તે જોવાનું છે- કારણકે રાજ્યોને આવા સુધારા કરવા માટે કેન્દ્રની મજૂરી નહીં મળે. રાજ્ય સરકારોએ વટહુકમો રાષ્ટ્રપતિજીને લગતા ઠરાવ સંસદ સમક્ષ હોવાથી - અને વિરોધ પક્ષો ``રાજકીય અવસર'' ઝડપે નહીં તે માટે હાલ તુરંત કેન્દ્રની મંજૂરી મળવાની શક્યતા નથી. રાષ્ટ્રપતિ વટહુકમો તરત પાછા મોકલશે કે અભેરાઈ ઉપર રાખશે તે જોવાનું છે. અત્યારે તો ઉત્તર પ્રદેશ સરકારે વચલો રસ્તો કાઢીને આવતા છ મહિના સુધી હડતાલ કરવા ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે, જેથી કોઈ ઔદ્યોગિક સમસ્યા ઉભી ન થાય.  
છેલ્લા વીસ-પચ્ચીસ દિવસમાં લાખ્ખો શ્રમિકો મોટેભાગે બિહાર - ઉત્તર પ્રદેશ પહોંચ્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાનને શ્રમિકોને રોજી-રોટીનો પ્રબંધ કરવા - અને રાજ્યમાં કાયમી વસવાટ કરી શકે તે માટે નાના-મધ્યમ ઉદ્યોગો શરૂ કરવાની તૈયારી કરી છે. આ સાથે જૂના-પુરાના  કામદાર કાયદા રદ કરીને - અથવા તેમાં સુધારા કરીને ઉદ્યોગપતિઓને મૂડીરોકાણ માટે આહ્વાનનાં પગલાં લીધાં છે- આપત્તિના આ સમયમાં વિપક્ષ - કૉંગ્રેસને અવસર મળ્યો છે! શ્રમિકોની નોંધણી - ડેટાબેઝ તૈયાર કરાવે છે અને કામદારવિરોધી કાનૂની પગલાં સામે આંદોલન શરૂ કરવા માગે છે.  
દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને કેરળમાં શ્રમિકોની માગ વધતી રહી છે.  
લાખ્ખોની સંખ્યામાં શ્રમિકો પાછા ફરે ત્યારે એમની રોજી-રોટીની સમસ્યા ઊભી થાય. પણ યોગી સરકારે પૂર્વ આયોજન કર્યું છે. રાજ્યના દરેક જિલ્લાના નાના-મધ્યમ ઉદ્યોગ સ્થાપવા માટે વિશેષ સમિતિ નીમીને તાત્કાલિક મંજૂરી અપાય છે. ખાદી, ફૂડ પ્રોસાસિંગ જેવા નાના ઉદ્યોગ માટે માર્ગદર્શન આપવામાં આવે છે- આ ક્ષેત્રમાં વીસ લાખ રોજગાર સર્જનનો લક્ષ્યાંક છે. આ ઉપરાંત મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર યોજના હેઠળ 25 લાખને રોજી મળવાનો લક્ષ્યાંક હવે વધારીને પચાસ લાખ કરવામાં આવ્યો છે.  
ઓડિસામાં પાછા આવનારાઓમાં કામદારો કરતાં કારીગરો વિશેષ છે એમનો જાહેર ક્ષેત્રના સ્ટીલ પ્લાન્ટમાં સમાવેશ થાશે.  
શ્રમિકોની ઘરવાપસી રોકવા માટે કર્ણાટકે પંદર લાખ મજૂરોને માથાદીઠ બે હજાર રૂપિયા આપ્યા પછી વધુ ત્રણ ત્રણ હજાર આપવામાં આવ્યા જેથી બાંધકામ ઉદ્યોગનો વિકાસ જળવાઈ રહે.  
શ્રમિકોની ઘરવાપસી - પદયાત્રીઓના અકસ્માત અને ``સરકારી ગેરવ્યવસ્થા''ની ટીકા કરવી આસાન છે પણ આ ભગીરથ સમસ્યાનો અંદાજ - કલ્પના પણ છે ખરી? છેલ્લા ઓગણીસ દિવસમાં રેલવેએ 21.5 લાખ શ્રમિકોનાં સ્થળાંતર - એમના મૂળ રાજ્યોમાં પહોંચાડયા છે- આ ઉપરાંત બસ રોડ માર્ગે મળીને ઉત્તર પ્રદેશમાં 18 લાખ અને બિહારમાં 20 લાખ મજૂરો પહોંચ્યા હોવાની અંદાજ છે.  
ભારતમાં - વર્ષ 2011ની વસતિ ગણતરીના અહેવાલ મુજબ 14 કરોડ શ્રમિક વર્ગના હતા. છેલ્લા નવ વર્ષમાં ગણનાપાત્ર વધારો પણ થયો જ હશે. વર્ષ 2011થી 2016માં 90 લાખનો વધારો થયાનો અંદાજ છે. મુખ્યત્વે બિહાર અને ઉત્તર પગદેશે દેશભરમાં શ્રમિકો પૂરા પાડયા છે. ઓડિસા, ઝારખંડનું પ્રમાણ ઓછું છે. મોટાભાગના શ્રમિકો બાંધકામ ક્ષેત્રમાં છે.  
મહારાષ્ટ્રના ભૂમિપુત્રોની ભરતી માટે બ્યુરો  
મહારાષ્ટ્રમાંથી લાખ્ખો શ્રમિકો પોતાના વતન ઉત્તર પ્રદેશ - બિહાર, બંગાળ, ઓડિસા વગેરે રાજ્યોભણી હિજરત કરી ગયા છે- હજુ પણ કરી રહ્યા છે ત્યારે ઔદ્યોગિક રાજ્યોમાં કામદારોની સંભવત્ - નક્કી જ - અછતને પહોંચી વળવા મહારાષ્ટ્ર સરકારે તાત્કાલિક તૈયારી શરૂ કરી દીધી છે. ગુજરાતે પણ આ દિશામાં સાચિંત અને સક્રિય હશે જ. જોકે મહારાષ્ટ્રના સંજોગો અને માનસ અલગ છે. રાજ્યમાં દાયકાઓથી ભૂમિપુત્રોને રોજી-રોટી આપવાની માગ અને હિંસક આંદોલન થતાં રહ્યાં છે. ભૂમિપુત્રો માટે સ્વ. બાળાસાહેબ ઠાકરેએ સૌ પ્રથમ અવાજ ઊઠાવ્યો હતો. હવે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ તક ઝડપી લીધી છે. આપત્તિને અવસર બનાવી શકાય છે. અલબત્ત એમણે રાજ્યમાંથી જવા માગતા શ્રમિકોને સહાય અને આશ્વાસન આપ્યું છે જે જઈ રહ્યા છે તે સૌ મહામારી અને બેકારીને કારણે જાય છે- ભાષા - રાજ્યના ભેદભાવથી નહીં.  
મુખ્યપ્રધાને ``ગ્રીન ઝોન'' - હવે ``નોન-રેડ'' ઝોનમાં શરૂ થનારા નવા ઉદ્યોગોમાં જોડાવા ભૂમિપુત્રોને સલાહ - આહ્વાન આપ્યું છે. વડાપ્રધાન મોદીને ટાંકીને આત્મનિર્ભર બનવા જણાવ્યું છે. નવા ઉદ્યોગો માટે ચાળીસ હજાર એકર જમીન ફાળવાઈ રહી છે. ચીનથી દેશાંતર કરીને ભારત આવવા માગતા ઉદ્યોગોની પ્રથમ પસંદગી મહારાષ્ટ્ર બને તે માટે રાજ્યના ઉદ્યોગપ્રધાન સુભાષ દેસાઈએ તડામાર તૈયારી શરૂ કરી છે.  
મહારાષ્ટ્ર સરકાર હવે ઈન્ડસ્ટ્રીયલ એમ્પ્લોયમેન્ટ બ્યુરો શરૂ કરનાર છે. રાજ્યમાં કોઈપણ ઉદ્યોગમાં કામદારોની અછત નડે નહીં તે માટે વર્કફોર્સ ઊભો કરાશે. આ બ્યુરોની ડિઝાઈન તથા કામગીરીની રૂપરેખા તૈયાર થઈ રહી છે. ઈન્ફોર્મેશન ટેક્નોલૉજી વિભાગ સદ્વારા - કામદારોની નોંધણી - સ્ટીલ, અનસ્કીલ્ડ અથવા સેમી-સ્કીલ્ડ કામદારોને વિવિધ ક્ષેત્રની તાલીમ અને અભ્યાસક્રમ શરૂ થાશે.  
અત્યારે ઉદ્યોગોમાં 80 ટકા જગા ભૂમિપુત્રો માટે અનામત રાખવાની કાનૂની જોગવાઈ છે. પણ હવે યોગ્ય કામગીરી માટે યોગ્ય કામદારો મળી રહે તેવી વ્યવસ્થા થાશે. આ બ્યુરોની રચના શરૂ કરવા મટે ઉદ્યોગપતિઓ, ટ્રેડ યુનિયનના પ્રતિનિધિઓ તથા નિષ્માંતોના સલાહ-સૂચનો પણ આવકારીને સ્વીકારાઈ રહ્યાં છે.  
મહારાષ્ટ્રમાં અત્યારે નાના-મધ્યમ અને માઈક્રો ઉદ્યોગોની સંખ્યા 120 લાખથી વધુ છે અને 35 ટકા જેટલા પરપ્રાંતી કામદારો બાંધકામ - સ્ટીલ વગેરે ઉપરાંત વ્યાપાર-ધંધા - બજારોમાં રોજી-રોટી રળે છે. જે લાખ્ખો શ્રમિકો ગયા છે તેમાંથી ઘણાં તે એમના રાજ્યમાં રોજી મળી રહે તો પણ ચોમાસા - ખેતીકામ પછી ઘણાં પાછા આવશે એમ મનાય છે. ઉત્તર પ્રદેશમાં નવા ઉદ્યોગો આકર્ષવા માટે કાનૂની સુધારા થઈ રહ્યા છે તેવા સુધારાની જાહેરાત મહારાષ્ટ્ર સરકારે કરી નથી પણ દેશી-વિદેશી ઉદ્યોગપતિઓને તાત્કાલિક-એક જ `વિન્ડો'માં મંજૂરી મળે તેવી ખાતરી અપાશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer