નાના વેપારીઓને સહકારી બેંકોની લોન મળવી કઠિન

નાના વેપારીઓને સહકારી બેંકોની લોન મળવી કઠિન
જામીન, આધારકાર્ડ, રહેઠાણના પૂરાવાની શરતમાં બાંધછોડની શક્યતા નથી 
પરાશર દવે 
અમદાવાદ, તા. 22 મે 
સરકારે વેપારીઓ, ફેરિયાઓ, પ્લમ્બર, સુથાર વગેરેને બે ટકા વ્યાજે રૂા. એક લાખની લોન આપવાની જાહેરાત કરી છે. ફોર્મ આપવાનો આરંભ કરાતાં રાજકોટ અને અમદાવાદ સહિતના શહેરોની જિલ્લા બેંકોમાં લાંબી કતારો લાગી હતી. જોકે હવે કેટલીક બેંકોએ ઓનલાઇન ફોર્મ ભરી આપવાની સગવડ કરી આપી છે.  
સરકારે જાહેરાતો કરી દીધી છે પણ સહકારી બેન્કોની દ્રષ્ટિએ તેમાં જે નિયમો સરકારે મંજૂર કર્યા છે તે પેટાનિયમો જ નડતરરૂપ છે. જોકે આ અંગે બેન્કોએ સરકારનું ધ્યાન દોર્યું છે અને આ બાબતે રિઝર્વ બેન્ક સાથે સરકારની વાટાઘાટ ચાલુ થઇ ગઇ છે.  
ગુજરાત અર્બન કો-ઓપરેટિવ ફેડરેશનના ચેરમેન જ્યોતિન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે સરકારી બેન્કો ફક્ત સભ્યને લોન આપી શકે છે.
સભ્યપદ માટેની એક શરત એ છે કે રેગ્યુલરના સભ્યપદના 10 ટકાથી વધુ નોમિનલ સભ્ય ન હોઇ શકે. નોમિનલ સભ્યપદ એટલે તમને ફક્ત લોન લેવા પૂરતા સભ્ય બનાવે છે. પરંતુ બેન્કિગના નિયમોની સત્તા રિઝર્વ બેન્કની છે, તે રાજ્ય સરકારનો વિષય છે નહી. પરંતુ આ બાબતે રાજ્ય સરકારે રિઝર્વ બેન્કને આ બાબતે મંજૂરી આપવા લખ્યું છે અને તેનો ઉકેલ ટૂંક સમયમાં આવી જશે. 
બેન્કોને વધુ મુશ્કેલી એ પડી છે કે લોકડાઉનમાં એકેય પ્રિન્ટીંગ પ્રેસ ખુલ્લા નહી હોવાથી ફોર્મ પણ છપાયા નથી.
જામીન બાબતે તેમણે જણાવ્યું હતું કે બેન્કોએ લોન આપવાની છે તેથી જામીન, આધારકાર્ડ, રહેઠાણનો પૂરાવો જોઇશે જ, તેમાં કોઇ બાંધછોડ થવાની શક્યતા નથી.
217 જિલ્લા સહકારી બેન્કો, 6,000 જેટલી ક્રેડિટ સોસાયટી છે. વધુમાં જિલ્લા સહકારી બેન્કો નાબાર્ડ હેઠળ, અર્બન બેન્ક રિઝર્વ બેન્ક અને ક્રેડિટ સોસાયટી રજિસ્ટ્રાર હેઠળ છે, ત્યારે તેમાંથી લોન ડિસ્બર્સમેન્ટ સરકારનો ટાર્ગેટ તો ઊંચો હશે પરંતુ હાલમાં ચોક્કસ આંકડો મળે તેમ નથી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer