સૌરાષ્ટ્ર પહોંચેલા કારીગરોને સુરતથી હીરા કાટિંગ-પોલિશનું કામ મળશે

સૌરાષ્ટ્ર પહોંચેલા કારીગરોને સુરતથી હીરા કાટિંગ-પોલિશનું કામ મળશે
હીરા ઉદ્યોગના અગ્રણી દિનેશ નાવડિયા સાથે ખાસ વાતચીત 
ખ્યાતિ જોશી 
સુરત, તા. 22 મે 
કોરોનાના કારણે દેશભરના ઉદ્યોગ-ધંધા લગભગ 50 દિવસ કરતાં વધુ સમયથી ઠપ્પ થયા છે. સૌરાષ્ટ્રના રત્ન કલાકારો વતન જતા રહ્યા છે. તેમને રોજગારી મળે એ માટે સુરતની કેટલીક કંપનીઓ સૌરાષ્ટ્ર પહોંચેલાં રત્નકલાકારોને વતન સૌરાષ્ટ્રમાં જ કામ આપશે.  
હીરા ઉદ્યોગના અગ્રણી અને જીજેઇપીસીનાં ગુજરાત રિજનના ચેરમેન દિનેશભાઇ નાવડિયાએ જણાવ્યું હતું કે, 2008ની મંદી માનવસર્જીત હતી અત્યારે કોરોનાના કારણે મંદી આવી છે. હીરાઉદ્યોગ પણ તેનાંથી બાકાત રહ્યો નથી.  
લોકડાઉન 4.0માં છૂટછાટ સાથે સુરતમાં એકાદ સપ્તાહમાં કારખાનાઓ ફરીથી ધમધમતા થશે. પરંતુ આ માટે સરકારની ગાઇડલાઇનનું સખ્ત પાલન કરવું પડશે. 50 ટકા સ્ટાફ સાથે કામ કરવાનું હોવાથી કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે. અત્યાર સુધી હીરાની એક ઘંટી પર ચાર કારીગરો કામ કરતાં હોય તો એક ઘંટી પર એક કારીગર અને એમાં પણ સોશ્યલ ડીસ્ટન્સ જાળવવાનું હોવાથી કારખાનેદારોને જગ્યાનો અભાવ અને વીજળીનો ખર્ચ સાથે બીજા ખર્ચાઓ વધી શકે છે.  
સુરતમાં તમામ રત્નકલાકારોને એક તબક્કે કામ ન મળે તો સૌરાષ્ટ્ર પહોંચેલાં રત્નકલાકારોને સુરતથી કામ આપવાનું કેટલીક કંપનીઓ વિચારી રહી છે. સૌરાષ્ટ્રનાં નાના તાલુકા-ગામડાંઓમાં જગ્યાનો અભાવ નથી. સામાજીક અંતર જાળવી શકાય તેમ છે. ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ તૈયાર હોવાથી કામ 
શરૂ કરવામાં ખાસ કોઇ સમસ્યા ઉભી નહિ થાય. સુરતથી ઘણી કંપનીઓ આ દિશામાં વિચારવાનું શરૂ કરી રહી હોવાથી અમારું માનવું છે કે 
એકાદ-દોઢ માસમાં હીરાઉદ્યોગમાં ઉત્પાદન તબક્કાવાર વેગ પકડશે.  
સ્થાનિક સ્તરે સ્ટાર્ટ અપ એકમોને ફાયદો થાય તેમ છે. જેમ કે કોઇને જ્વેલરી ડીઝાઇન અને મેન્યુફેક્ચરીંગમાં આગળ વધવું હોય તો અમેરિકા-ચાઇના ટ્રેડ વોરનો ફાયદો ઉઠાવી આ દિશામાં સ્ટાર્ટ અપ શરૂ કરી શકે છે. સુરત અને મુંબઇનાં યુવાઓ આ દિશામાં આગળ વધી રહ્યા છે.  
રત્નકલાકારોને પગાર ન મળ્યાની ફરિયાદ વિશે તેઓ જણાવે છે કે હીરાઉદ્યોગમાં કોર્પોરેટ નહિ પરંતુ પારિવારિક કલ્ચર છે. અમારી સામે દાખલા છે કે કેટલીક કંપનીઓએ પોતાના કારીગરોને સાચાવવા માટે દાગીના વેચી દીધાનાં દાખલા બન્યા છે. લોકડાઉન જેવી સ્થિતિનું નિમાર્ણ થયું તે સામે ટકી રહેવા માટે કારીગરોને તેમનાં માલિકોએ સાચવ્યા છે. કારખાનેદારો ભીંસમાં હોવા છતાં ઘરની મહિલાઓનાં દાગીનાં વેચીને પણ પગાર ચૂકવ્યા છે.  
 હાલમાં રત્નકલાકારોએ 5રિવાર સાથે વતન દોટ મૂકી છે તો અહિનાં ઉદ્યોગકારોને સૌરાષ્ટ્રમાં જ કામ આપવાનું મન બનાવ્યું છે. જે દર્શાવે છે હીરાઉદ્યોગમાં વેપાર-ધંધા માટેનું હકારાત્મક વાતાવરણ છે અને અમને આશા છે કે કોરોના સામેની લડાઇમાં મજબૂતીથી બહાર આવીશું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer