જિયો પ્લેટફોર્મમાં કેકેઆરનું રૂ.11,367 કરોડનું રોકાણ

જિયો પ્લેટફોર્મમાં કેકેઆરનું રૂ.11,367 કરોડનું રોકાણ
આ રોકાણથી દેશ માટે ડિજિટલ સમાજનું નિર્માણ કરવાના જિયોના  વિઝનને વેગ મળશે 
મુંબઈ, તા. 22 મે 
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ. અને તેની ડિજિટલ સર્વિસીસ કંપની જિયો પ્લેટફોર્મ્સ લિ. (જિયો પ્લેટફોર્મ્સ) ટેકનોલોજી ક્ષેત્રમાં રોકાણ કરવા માટે જાણીતી વિશ્વની અગ્રણી કંપની કેકેઆર રૂ. 11,367 કરોડના રોકાણ દ્વારા જિયો પ્લેટફોર્મમાં 2.32 ટકો હિસ્સો મેળવશે.  કેકેઆરનું એશિયામાં આ સૌથી મોટું રોકાણ છે. આ રોકાણથી જિયો પ્લેટફોર્મ્સનું ઇક્વિટી મૂલ્ય રૂ. 4.91 કરોડનું થયું છે અને એન્ટરપ્રાઇઝ મૂલ્ય રૂ. 5.16 લાખ કરોડ થયું છે. ગયા મહિનામાં અગ્રણી ટેકનોલોજી રોકાણકારો ફેસબુક, સિલ્વર લેક, વિસ્ટા, જનરલ એટલાન્ટિક અને કેકેઆરએ જિયો પ્લેટફોર્મ્સમાં કુલ રૂ. 78,562 કરોડનું રોકાણ કર્યું છે. 
જિયો પ્લેટફોર્મ્સ તેના અદ્યતન ટેકનોલોજી પ્લેટફોર્મ દ્વારા દેશભરમાં 38.8 કરોડ સબક્રાઇબરને ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને વાજબી ડિજિટલ સેવાઓ પ્રદાન કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. જિયો પ્લેટફોર્મ્સે બ્રોડબેન્ડ કનેક્ટિવિટી, સ્માર્ટ ઉપકરણો, ક્લાઉડ અને એજ કમ્પ્યાટિંગ, બિગ ડેટા એનાલીટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, ઓગમેન્ટેડ અને મિક્સ્ડ રિયાલિટી અને બ્લોકચેઇન દ્વારા એની સંપૂર્ણ ડિજિટલ ઇકોસિસ્ટમમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે. જિયોનું વિઝન 1.3 અબજ લોકો અને દેશના તમામ વ્યવસાયોને ડિજિટલ માધ્યમો દ્વારા વ્યવહાર કરવાની સુવિધા આપવાનો છે, જેમાં નાનાં વેપારીઓ, નાનાં વ્યવસાયો અને ખેડૂતો સામેલ છે, જેથી આ તમામ વર્ગો સર્વસમાવેશક વૃદ્ધિનો લાભ મેળવી શકે. 
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનાજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું કે, `કંપનીએ તમામ ભારતીયોના લાભ માટે ભારતીય ડિજિટલ ઇકોસિસ્ટમને વિકસાવવા અને પરિવર્તિત કરવાનું આરંભ્યું  છે. આમાં વૈશ્વિક સ્તરે નાણાકીય રોકાણકારો પૈકીની એક કંપની કેકેઆરનો વેલ્યુ પાર્ટનર તરીકે સહયોગ કરાયો છે. ભારતમાં પ્રીમિયર ડિજિટલ સોસાયટીનું નિર્માણ કરવાના કંપનીના મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક જેવું જ વિઝન કેકેઆરનું છે. કંપની જિયોના વિકાસ માટે કેકેઆરના ગ્લોબલ પ્લેટફોર્મ, ઉદ્યોગની જાણકારી અને કાર્યકારી કુશળતાનો ઉપયોગ કરશે.' 
કેકેઆરના સહ-સ્થાપક અને કો-સીઇઓ હેનરી ક્રેવિસે કહ્યું કે, `દેશની ડિજિટલ ઇકોસિસ્ટમને પરિવર્તિત કરવામાં કેટલીક કંપનીઓ આગળ આવી છે અને જીયો તેમાંની એક છે.  જિયો ભારતમાં ખરાં અર્થમાં સ્વદેશી અદ્યતન ટેકનોલોજી લીડર કંપની છે, જે દેશમાં ટેકનોલોજી સોલ્યુશન્સ અને સેવાઓ પ્રદાન કરવાની વિશિષ્ટ ક્ષમતા ધરાવે છે. જિયોએ ભારતમાં ડિજિટલ ક્રાંતિનું નેતૃત્વ લીધું છે.
અમે જિયો પ્લેટફોર્મ્સની પ્રભાવશાળી કામગીરી, આંતરરાષ્ટ્રીય સ્તરનાં ઇનોવેશન અને મજબૂત લીડરશિપ ટીમમાં રોકાણ કર્યું છે. અમે આ રોકાણના સીમાચિહ્ન અને મહત્ત્વપૂર્ણ રોકાણ ગણીએ છીએ, જે કેકેઆરની ભારત અને એશિયા પેસિફિકમાં અગ્રણી ટેકનોલોજી કંપનીઓને પીઠબળ પૂરું પાડવાની પ્રતિબદ્ધતાનો સંકેત છે.' 
કેકેઆરએ તેના એશિયા પ્રાઇવેટ ઇક્વિટી અને ગ્રોથ ટેકનોલોજી ફંડ્સમાંથી રોકાણ કર્યું છે. કેકેઆર માટે ભારત વ્યૂહાત્મક બજાર છે અને વર્ષ 2006થી કંપની દેશમાં રોકાણ કરી રહી છે.  વર્ષ 1976માં શરૂ થયેલી કેકેઆરએ બીએમસી સોફ્ટવેર, બાઇટડાન્સ અને ગોજેકમાં પ્રાઇવેટ ઇક્વિટી અને ટેકનોલોજી ગ્રોથ ફંડ દ્વારા રોકાણ કર્યું છે. કંપનીએ શરૂઆતથી અત્યાર સુધી ટેક કંપનીઓમાં 30 અબજ ડોલર (કુલ એન્ટરપ્રાઇઝ વેલ્યુ)નું રોકાણ કર્યું છે અને અત્યારે કંપનીનાં ટેકનોલોજી પોર્ટફોલિયોમાં ટેકનોલોજી, મીડિયા અને ટેલીકોમ ક્ષેત્રની 20થી વધારે કંપનીઓ છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer