બિલ્ડર્સ અને ડેવલપર્સ ખુશ છે

બિલ્ડર્સ અને ડેવલપર્સ ખુશ છે
`સસ્તા ગૃહ નિર્માણને વધુ ફાયદો થશે' 
અમારા પ્રતિનિધિ તરફથી  
મુંબઈ, તા. 22 મે: કોવિદ-19ના સંકટ સમયે બિલ્ડરોને પ્રવાહિતા મળી રહે અને ગ્રાહકો ખરીદી માટે પ્રોત્સાહિત થાય એ માટે રિઝર્વ બેંકે રેપો રેટમાં 40 બેઝીઝ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો જેને રિયલ એસ્ટેટ ક્ષેત્રના નિષ્ણાતો અને ડેવેલપર્સે આવકાર્યો હતો.   
બાંધકામ ક્ષેત્રના નિષ્ણાતોએ કહ્યું હતું કે આ બહુ મોટું પગલું છે અને તેને કારણે ડેવેલપરોને માટે પ્રવાહિતા વધશે. બજારમાં સારા સંકેત જશે એટલું જ નહિ પણ બેંકો પણ હવે વધુ ધિરાણ કરી શકશે. રેટમાં ઘટાડો અને મોરેટોરિયમમાં વધારો, એ બે ઘટકો આવનારા દિવસોમાં રિયલ એસ્ટેટ માટે લાભદાયક પુરવાર થશે.   
ભારતના અર્થતંત્ર માટે કોવિદ-19ના સંદર્ભમાં મોટો ટેકો આ પગલાંઓથી મળશે એમ આનારોક પ્રોપર્ટી કન્સલ્ટન્ટના ચેરમેન અનુજ પુરીએ કહ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે ઘરખરીદનારાઓનું માનસ પણ તેને કારણે સુધરશે. ઘર માટેના ધિરાણ પર વ્યાજ દર એક વર્ષમાં ઘણો નીચે આવ્યો છે અને અત્યારે 7.15 ટકા થી 7.80 ટકાની સૌથી નીચી રેન્જમાં છે.     
હાઉસિંગ ડોટ કોમ ના સીઈઓ ધ્રુવ અગરવાલ કહ્યું હતું કે આ પગલાંથી ડેવેલપરો તેમ જ ગ્રાહકોને ફાયદો થશે. લાંબા લોક ડાઉન થી ગ્રાહકોની આવકને અસર થઇ છે અને આ પગલાંથી તેમને રાહત મળશે. બેન્કોએ હવે તરત આ લાભ ગ્રાહકોને આપવો જોઈએ. 
ડેવેલપરો માને છે કે હોમ લોનના વ્યાજ દર ઘટવાથી ખરીદનારાઓની પરિસ્થિતિ સુધરશે. હવે જો બેંકો તેમને આ લાભ આપે તો ખરીદનારાઓ ત્વરિત નિર્ણય લઇ શકશે. એફોર્ડેબલ હાઉસિંગ ક્ષેત્રને સૌથી મોટો ફાયદો થશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer