ભારત ચીન- હોંગકોંગના પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સને ચાર ગળણે ગાળશે

ભારત ચીન- હોંગકોંગના પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સને ચાર ગળણે ગાળશે
નવી દિલ્હી, તા. 22 મે
ભારતે ચીન અને હોંગ કોંગથી આવતા નવા પોર્ટફોલિયો રોકાણકારોનું વધુ કડક પરીક્ષણ કરવાનો નિર્ણય લીધો છે. થોડા સપ્તાહ અગાઉ ભારતે જાહેર કર્યું હતું કે તેની સાથે ભૂમિ સરહદ ધરાવતા દેશોમાંથી આવતા સીધા વિદેશી મૂડીરોકાણ (ફોરીન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ--એફડીઆઈ)નું પરીક્ષણ થશે જેથી કોરોના વાઇરસ અને લોક ડાઉનને કારણે ભારતીય કંપનીઓનું બજારમૂલ્ય ઘટી ગયું છે ત્યારે વિદેશીઓ તેમના પર કબજો ન જમાવી દે. આ નિર્ણય ચીનને ધ્યાનમાં રાખીને લેવાયો હોવાનું મનાતું હતું. ચીને તેને ભેદભાવભર્યો ગણાવ્યો હતો.   
એફડીઆઈ લાંબા ગાળાનું રોકાણ હોય છે જેમાં રોકાણકાર સામાન્ય રીતે કંપનીના સંચાલન પર અંકુશ ધરાવતો હોય છે. પરંતુ સરકારમાં એવી ચિંતા જાગી હતી કે હવે ચીની કંપનીઓ પોર્ટફોલિયો ઇન્વેસ્ટર તરીકે ભારતમાં કામકાજ વધારી દેશે અને શેરબજારમાંથી કંપનીઓના શેરો ખરીદીને તેના પર કબજો જમાવવાનો પ્રયાસ કરશે, એક સરકારી અધિકારીઓએ કહ્યું હતું. 
બે સિનિયર અધિકારીઓએ કહ્યું હતું કે ભારત ચીન જેવા દેશોના પોર્ટફોલિયો રોકાણકારોની ચકાસણી કરવા માટે નવી સંસ્થાની રચના કરશે. તેમને માટે ગૃહ મંત્રાલયમાંથી સુરક્ષા સંબંધી મંજૂરી મળેવવાનું ફરજીયાત બનાવવાનું પણ વિચારાઈ રહ્યું છે. પ્રસ્તુત સંસ્થાના નિયમો હોંગ કોંગને પણ લાગુ પડશે, કારણ કે ચીનનું ઘણું રોકાણ ત્યાં થઈને આવે છે. વાણિજ્ય મંત્રાલય અને સેબી સાથે મળીને આ બાબતને લગતો એક પ્રસ્તાવ ઘડી કાઢવામાં આવ્યો છે. 
ચીન અને હોંગ કોંગમાંથી રોકાણ આવતું અટકાવી દેવાશે એવું અમે કહેતા નથી. અમે માત્ર અમારી કંપનીઓના મૂલ્યની રક્ષા માટે સુરક્ષાનું એક નવું સ્તર ઉમેરવા માગીએ છીએ, એમ તે અધિકારીઓએ કહ્યું હતું. 
નાણાં મંત્રાલય અને વાણિજ્ય મંત્રાલયે આ અહેવાલ વિષે કઈ કહેવાનો ઇન્કાર કર્યો હતો, જયારે સિક્યોરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) તરફથી તાત્કાલિક કોઈ પ્રતિભાવ મળ્યો ન હતો. 
અન્ય એક અધિકારીએકહ્યું કે ચીનની સરકારી માલિકીની કંપનીઓ ભારતીય કંપનીઓના શેરો ખરીદે તેવી શક્યતાથી ભારત સરકાર ચિંતિત છે. ફોરીન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટને લગતા નિયમો તાજેતરમાં જાહેર કરાયેલા એફડીઆઈના નિયમો જેવા હશે. તેમાં ચીનનો નામોલ્લેખ નહિ હોય પરંતુ તે ભારત સાથે ભૂમિ સરહદ ધરાવતા બધા દેશોને તે લાગુ પડશે.   
ફોરીન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર ભારતનાં બજારોમાં સૌથી વધુ પ્રભાવ ધરાવે છે. નેશલ સિક્યોરિટી ડીપોઝીટરીના આંકડા અનુસાર 2019માં તેમણે ભારતમાં 18 અબજ ડોલરનું રોકાણ કર્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer