આવકારની સાથે અપેક્ષા પણ વધી

આવકારની સાથે અપેક્ષા પણ વધી
વ્યાજદર ઘટાડાને વ્યાપાર -ઉદ્યોગ અગ્રણીઓ, સંગઠનો દ્વારા 
અમારા પ્રતિનિધિ તરફથી  
મુંબઈ, તા. 22 મે
કોરોના વાઇરસ અને દેશવ્યાપી તાળાબંધીને કારણે ઉભી થયેલી આર્થિક સમસ્યાઓનો સામનો કરવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ  શુક્રવારે જાહેર કરેલા પગલાંઓને અગ્રણી ઔદ્યોગિક સંગઠનો અને વ્યાપાર-ઉદ્યોગના અગ્રણીઓએ  વિવિધ સંસ્થાઓ અને ક્ષેત્રીય અગ્રણીઓએ આવકાર આપ્યો છે. તે સાથે વધુ  પગલાં લેવામાં આવશે તેવી અપેક્ષા પણ વ્યક્ત કરી છે.   
રેપો (આરબીઆઇ જે દરે બેન્કોને ધિરાણ આપે તેના વ્યાજ0 દરમાં 0.40 ટકાના ઘટાડાની અને અન્ય જાહેરાતોને આવકારતા  અગ્રણી ઉદ્યોગ સંગઠન કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ (સીઆઈઆઈ)એ કહ્યું હતું કે આ વર્ષે વિકાસ દર નેગેટિવ રહેવાની અપેક્ષા છે એ સંદર્ભમાં આરબીઆઇએ રેપો રેટમાં 40 બેઝીઝ પોઈન્ટનો ઘટાડો કરીને જરૂરી રાહત પુરી પાડવાની કોશિશ કરી છે એ ઉત્સાહજનક છે. હવે બેંકો આ લાભ ગ્રાહકોને પહોંચાડે તે પુરવાર કરવાનું રહેશે, એમ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે. નાણા બજાર, વિદેશી વ્યાપાર અને રાજ્ય સરકારો પર જે તાણ છે તેમાં રાહત આપવા આરબીઆઇએ વિવિધ પગલાં લીધા છે અને આરબીઆઇએ ફરી એક વાર શાણપણ ભરેલા પગલાં લઈને સક્રિયતા દેખાડી છે, એમ સીઆઈઆઈના ડિરેક્ટર જનરલ ચંદ્રજીત બેનર્જીએ કહ્યું હતું. 
ધિરાણ મોકુફીને ત્રણ મહિના લંબાવવા માટે આરબીઆઇ અભિનંદનને પાત્ર છે. એનબીએફસીએ બેન્કોને આપવાના પૈસા માટે પણ આવી મોકૂફી મેળવી જોઈએ કેમ કે તેના અભાવમાં આ ક્ષેત્ર મોટી તાણ ભોગવી રહ્યું છે. ધિરાણના એક સમયના પુનર્ગઠન વિષે પણ આરબીઆઇએ વિચાર કરવો જોઈએ. ગ્રુપ એક્સપોઝર મર્યાદા 25 ટકાથી વધારીને 30 ટકા કરાઈ એ પણ આવકાર્ય છે. તેને કારણે ખાનગી ક્ષેત્રની જરૂરિયાત બેંકો પુરી કરી કરવા સક્ષમ બનશે. એક્સપોર્ટ ક્રેડિટનો સમયગાળો એક વર્ષથી 
વધારીને 15 મહિનાનો કરાયો તેથી નિકાસકારોની નાણાકીય જરૂરિયાત પુરી થવામાં રાહત મળશે.     
ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (ફિક્કી)ના પ્રમુખ ડો. સંગીત રેડ્ડીએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આરબીઆઇએ જાહેર કરેલા પગલાં આવકાર્ય છે. આવા કપરા સમયે આરબીઆઇએ આવા પગલાં લેવા જ જોઈએ. રેપો રેટમાં કપાતને કારણે બેંકો ધિરાણ દર ઘટાડી શકાશે. અમે આશા રાખીએ છીએ કે બેંકો આ કામ ઝડપથી અને પુરી માત્રામાં કરશે. ધિરાણની મોકૂફી લંબાવવાનું પગલું પણ યોગ્ય દિશાનું છે. અમે અગાઉ આ જ માગણી કરી હતી કારણ કે અત્યારે આર્થિક વ્યવહારોમાં જે વિક્ષેપ પડ્યો છે એ જોતા અગાઉનો ત્રણ મહિનાનો સમય ગાળો કંપનીઓને રાહત આપવા પૂરતો નહોતો. આગળ જતા જરૂર પડે તો આરબીઆઇ વધુ સમય માટે તેને લંબાવી આપશે એવી આશા રાખીએ. એરલાઇન્સ, એરપોર્ટ ડેવેલપર્સ, હોસ્પિટાલિટી, ટુરિઝમ, હેલ્થકેર જેવા ક્ષેત્રો બહુ નાજુક હાલતમાં છે અને તેમને માટે ખાસ પેકેજ જાહેર થાય એવી અમારી ઈચ્છા છે.   
રિઝર્વ બેન્કના પગલા સમયસરના છે એમ જણાવીને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ચેરમેન અને આઈબીએના અધ્યક્ષ રજનીશ કુમારે કહ્યું હતું કે રેપો રેટમાં ઘટાડાને લીધે આર્થિક વિકાસને ટેકો મળશે. અત્યારે જે અનિશ્ચિતતા છે તેના સંદર્ભમાં ગણતરીપૂર્વકના અને ઝડપી પગલાં જરૂરી હતા. એ જોતા આજની જાહેરાતો આવકાર્ય છે. બૃહદ રીતે જોઈએ તો રિઝર્વ બેન્ક અને સરકારે લીધેલા પગલાં બતાવે છે કે અર્થતંત્રને ટેકો આપવા એ મક્કમ છે. 
મોતીલાલ ઓસ્વાલ પ્રાઇવેટ વેલ્થ મેનેજમેન્ટના એમડી અને સીઈઓ વીરેન્દ્ર સોમવંશીએ કહ્યું હતું કે આમ તો આરબીઆઇની જાહેરાતો સારી છે પણ મોરેટોરિયમ ટૂંકાગાળાનું પગલું છે. બેંકો હજુ પણ જોખમ લેતા અચકાય છે. બજારને અપેક્ષા હતી કે એક સમયની ધિરાણ પુનર્ગઠનની જાહેરાત થાય. જીડીપીના વિકાસનો નક્કર આંકડો આપવો જોઈતો હતો.   
યસ સિક્યોરિટીઝના હેડ ઓફ રિસર્ચ અમર અંબાણીએ કહ્યું હતું કે માંગ ઘટી ગઈ છે એ જોતા રેપો રેટમાં 40 બેઝીઝ પોઈન્ટનો ઘટાડો જરૂરી હતો. જો કે બજારને વધુ જાહેરાતોની આતુરતા હતી. તેમ છતાં ઘણી પોઝિટિવ વાતો પણ તેમાં છે. મોરેટોરિયમ આવકાર્ય છે પણ અસ્ક્યામતોની ગુણવત્તા વિષે જે ચિત્ર સપ્ટેમ્બરમાં મળવાનું હતું એ હવે માર્ચ 2021માં મળશે. આગળ જતા અમે વધુ રેટ કટ, ઓએમઓ અને સરકારી ખાધનાં મુદ્રીકરણની અપેક્ષા રાખીએ છીએ. 
પ્રિન્સિપાલ મ્યુચ્યુઅલ ફંડના સીઆઇઓ રજત જૈને જણાવ્યું હતું કે વિકાસની ચિંતા અગ્રણી હોવાથી મોનિટરી પોલીસીના નિર્ણયો વહેલા લેવા પડ્યા છે. આ વર્ષે સરકારી બોન્ડનો પુરવઠો બહુ મોટો છે એ જોતા બજારમાં ઓપન માર્કેટ ઓપરેશનની અપેક્ષા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer