રેપો રેટમાં 0.40 ટકાનો કાપ, લોન મોરેટોરિયમ વધુ ત્રણ મહિના લંબાવ્યું

રેપો રેટમાં 0.40 ટકાનો કાપ, લોન મોરેટોરિયમ વધુ ત્રણ મહિના લંબાવ્યું
આરબીઆઇએ વધુ તીર  છોડ્યા 
અમારા પ્રતિનિધિ તરફથી  
મુંબઈ તા. 22 મે
કોરોના વાઇરસ અને લોકડાઉનના કારણે આ વર્ષે દેશની રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થશે એવો વર્તારો કરીને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આજે આર્થિક પ્રવૃત્તિને વેગ આપવા માટે રેપો રેટ ઘટાડવાની અને કરજદારોને રાહત આપવા માટે લોનની વસૂલાત વધુ મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી. પૂરતી માહિતીના અભાવે ફુગાવા વિશેની આગાહી કરવી અશક્ય બની હોવાનું  મધ્યસ્થ બેંકે કહ્યું હતું.  
રિઝર્વ બેન્કની જાહેરાત બાદ શેરબજારનો સેન્સેક્સ 300 પોઇન્ટ તૂટી ગયો હતો, જયારે દસ વર્ષીય સરકારી બોન્ડ પરનું વળતર 18 બેઝીઝ પોઇન્ટ (0.18 ટકા) ઘટીને 5.85 ટકા થઇ ગયું હતું.   
રિઝર્વ બેન્ક ગવર્નર શક્તિકાંત દાસે એક વિડીયો કોન્ફરન્સમાં કહ્યું હતું કે કોરોના વાઇરસ અને લોકડાઉનને પગલે આર્થિક પ્રવૃત્તિઓ ખોરવાઈ જવાથી આ વર્ષે (2020-21માં) રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થશે. દેશમાં ચીજવસ્તુઓની અને સેવાઓની ખપત પડી ભાંગી છે. માર્ચમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 17 ટકાનો ઘટાડો થયો હતો, જયારે ફેક્ટરીઓમાં ઉત્પાદન 21 ટકા ઘટી ગયું હતું. આઠ હાર્દરૂપ ઉદ્યોગોના ઉત્પાદનમાં 6.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. કોરોના વાઇરસને કારણે ખાનગી વપરાશને સખત ફટકો પડ્યો છે અને રોકાણ થંભી ગયું છે. આર્થિક મંદીને કારણે સરકારની કરવેરાની આવક ઉપર પણ પ્રતિકૂળ અસર થઇ છે. માગમાં ઘટાડો થવાથી અને પુરવઠા સાંકળો તૂટી જવાથી વર્ષના પ્રથમાર્ધમાં (એપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાન) આર્થિક પ્રવૃત્તિઓ મંદ પડી જશે, પરંતુ સરકારે લીધેલા પગલાં અને સાનુકૂળ બેઝ ઇફેક્ટ (પાછલા વર્ષની તુલનાત્મક કામગીરી)ને કારણે વર્ષના ઉત્તરાર્ધમાં (ઓકોટોબર-માર્ચમાં) થોડોઘણો સુધારો જોવાશે.  કોરોનાની આર્થિક અસર ખાળવાના પ્રયાસ રૂપે રિઝર્વ બેંકે આજે રેપો રેટ તેમ જ રિવર્સ રેપો રેટમાં 0.4 ટકાનો ઘટાડો કર્યો કર્યો હતો. રેપો રેટ 4.4 ટકાથી ઘટાડીને 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.75 ટકાથી ઘટાડીને 3.35 ટકા કરાયો છે. નાણાનીતિ સમિતિએ નાણાકીય નીતિનો ઝોક સાનુકૂળ (એકોમોડેટિવ) રાખવા માટે સર્વાનુમતે  અને દર ઘટાડાના પ્રમાણ વિષે 5 વિરુદ્ધ 1 ની બહુમતીથી નિર્ણય લીધો હતો એમ દાસે જણાવ્યું હતું.    
 કપરી પરિસ્થિતિનો સામનો કરી રહેલા કરજદારોને રાહત આપવા માટે તમામ ટર્મ લોનની વસૂલાત વધુ ત્રણ મહિના (31 ઓગષ્ટ સુધી) મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ હતી. આ અગાઉ ટર્મ લોનોની વસૂલાત 1 માર્ચથી 31 મે સુધી મોકૂફ રખાઈ હતી. પરિણામે બધી ટર્મ લોનોની પુન:ચૂકવણીનું સમયપત્રક અને હપ્તા ભરવાની તારીખો એ પ્રમાણે લંબાવવામાં આવી હતી. આ મોરેટોરિયમને પગલે બેન્કોએ વ્યક્તિગત કરજદારોના ખાતામાંથી ઈએમઆઈની રકમ કાપી નહોતી. હવે 31 ઓગષ્ટે આ મોરેટોરિયમનો સમય પૂરો થાય પછી જ ઈએમઆઈ કાપવાનું શરૂ થશે.         
  એ જ રીતે કાર્યકારી મૂડી માટેની લોનના વ્યાજની વસૂલાત પણ બીજા ત્રણ મહિના સુધી મોકૂફ રખાઈ છે. આ રીતે છ મહિના સુધી જમા થયેલું ભરવાપાત્ર વ્યાજ ટર્મ લોનમાં ફેરવી શકાશે એમ દાસે કહ્યું હતું. હવે બેંકો કંપનીઓને તેમના ગ્રુપની નેટવર્થના 30 ટકા જેટલી લોન આપી શકશે. અત્યારે આ મર્યાદા 25 ટકા નેટવર્થની છે. બેંકો કંપનીઓને વધુ લોન આપી શકે એ હેતુથી આ ફેરફાર કરાયો છે.  
દાસે કહ્યું હતું કે કોરોના વાઇરસને કારણે ફુગાવાના સંયોગો અત્યંત અનિશ્ચિત બની ગયા છે. તેમના અંદાજ મુજબ વર્ષના પ્રથમાર્ધમાં ફુગાવો મક્કમ રહેશે, પરંતુ ત્રીજા અને ચોથા ત્રિમાસિકમાં તે ચાર ટકાથી નીચે જવાની શક્યતા છે. તેમણે કઠોળના ભાવમાં થયેલા વધારા વિષે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે ભાવો કાબૂમાં લાવવા આયાત જકાતો ઘટાડવી જરૂરી છે.  
રિઝર્વ બેંકે જાહેર કરેલાં અન્ય પગલાં આ મુજબ છે: સીડબીને અપાયેલી રૂ. 15,000 કરોડની રિફાઇનાન્સ સવલત બીજા ત્રણ મહિના ચાલુ રહેશે; નિકાસ ધિરાણની મુદ્દત એક વર્ષથી વધારીને 15 મહિના કરાઈ છે; એક્ઝિમ બેન્કને રિઝર્વ બેન્ક તરફથી 15,000 કરોડનું ધિરાણ મળશે.    

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer