રોગપ્રતિકારકતા વધારતા ઓર્ગેનિક ગોળની માગ વધી

અમારા પ્રતિનિધિ તરફથી  
મુંબઈ, તા. 10 જુલાઈ 
કોરોના મહામારીને પગલે સૂંઠ અને તેજાના સાથે ગોળ નાંખીને આરોગ્યવર્ધક અને રોગપ્રતિકારક કાઢો પીવાનું ચલણ વધ્યું છે, જેને પગલે ઓર્ગેનિક ગોળની માગ વધી છે અને જથ્થાબંધ ભાવમાં કિલોએ રૂા. એક-બે જેવો નજીવો વધારો થયો છે.  
ગોળના ઉત્પાદક મથક કરાડ, સાંગલી અને કોલ્હાપુરથી જૂનના પ્રથમ સપ્તાહમાં બધુ મળીને બે ગાડી (પ્રત્યેક 10 ટનની) આવક હતી તે વધીને ચાર-પાંચ ગાડીની થઈ છે. મથકોએ ગોળનો પુરવઠો સંતોષજનક છે. અને દૈનિક માગ સંતોષાતી હોવાનું ધ બોમ્બે સુગર ઍન્ડ ગોળ મર્ચન્ટ્સ ઍસોસિએશનના પ્રમુખ અશોક જૈનનું કહેવું છે.  
લોકડાઉન હળવું થવાથી માથાડી, કામદારોની હાજરીમાં 10-20 ટકાનો સુધાર થયો છે. છતાં પણ વેપારીઓનો મોટા પાકિંગને બદલે ગોળના 250, 500 ગ્રામ અને એક કિલોના રવાના પાકિંગમાં વેપાર વધુ સરળ થતો હોવાથી તેનો વધુ આગ્રહ રહ્યો છે.  
સ્થાનિક એપીએમસી બજારમાં હલકી ક્વૉલિટીના પ્રતિ કિલો જથ્થાબંધ ભાવ રૂા. 41, મીડિયમના રૂા. 43-45 ઊંચામાં રૂા. 50 અને ઓર્ગેનિકના રૂા. 55ના ભાવે વેપાર થઈ રહ્યા છે. મથકોએ પુરવઠો જળવાઈ રહ્યો હોવાથી ભાવ નજીવા વધ્યાં છે. એવું વેપારીઓનું જણાવવું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer