લાલ મરચાંની નિકાસ નાણાંકીય વર્ષ 2019-20માં 8 ટકા વધી

વિશેષ પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 10 જુલાઈ  
દેશમાંથી નાણાંકીય વર્ષ 2019-20માં લાલ મરચાની નિકાસ નાણાંકીય વર્ષ 2018-19ની તુલનાએ 7.69 ટકા વધી છે. વિદેશ વેપાર મહાનિદેશાલય (ડીજીએફટી)ના મતે નાણાંકીય વર્ષ 2019-20 (એપ્રિલ-માર્ચ)માં ભારતની લાલ મરચાની નિકાસ 376855.80 ટને પહોંચી ગઇ. આખા લાલ મરચાંની નિકાસ વર્ષ 2018-19માં 349944.49 ટન હતી. આ નિકાસ નાણાંકીય વર્ષ 2017-18માં 353103.23 ટન, નાણાંકીય વર્ષ 2016-17માં 306362.62 ટન હતી.  
લાલ મરચાની નિકાસ નાણાંકીય વર્ષ 2019-20માં બાંગ્લાદેશને 39455.92 ટન થઇ જે નાણાંકીય વર્ષ 2018-19માં 15006.99 ટન હતી. આમ, તેમાં 162.92 ટકાની વૃદ્ધિ થઇ છે. ચીનને આ નિકાસ 88.87 ટકા વધી 73920.24 ટનની તુલનામાં 139616.73 ટને પહોંચી ગઇ છે. ઇન્ડોનેશિયાને આ નિકાસ સાધારણ ઘટીને 31965.86 ટનથી 31856.25 ટન નોંધાઈ છે. ભારતની લાલ મરચાની નિકાસ મલેશિયાને 25806.11 ટનની તુલનાએ 2.94 ટકા ઘટીને  25048.37 ટન, શ્રીલંકાને 52768.43 ટનની તુલનાએ 4.26 ટકા ઘટીને 50522.61 ટન નોંધાઈ છે. 
ભારતમાંથી લાલ મરચાની નિકાસ થાઇલેન્ડને 10.48 ટકા ઘટીને 65006.43 ટનના બદલે 58191.15 ટન અને અમેરિકાને 31.76 ટકા વધીને 7441.62 ટનની તુલનામાં 9805.08 ટને પહોંચી ગઇ. આ નિકાસ વિયેતનામને 31.76 ટકા વધીને 7441.62 ટનના બદલે 9805.08 ટન રહી છે. 
ચાલુ કેલેન્ડર વર્ષની વાત કરીયે તો જાન્યુઆરીથી માર્ચ 2020 દરમિયાન દેશમાંથી લાલ મરચાની નિકાસ 63653.30 ટન થઇ જે જાન્યુઆરીથી માર્ચ 2019 દરમિયાન 110563.81 ટન હતી. આવી રીતે ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ ત્રિમાસિકગાળામાં લાલ મરચાની નિકાસ વિતેલા કેલેન્ડર વર્ષના સમાન ક્વાર્ટરની તુલનામાં 42.43 ટકા ઘટી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer