કૃષિ ક્ષેત્રે સુધારા બાદ ખેડૂતો માટે અવરોધ-મુક્ત વેપાર અને વળતરપ્રદ ભાવ સુનિશ્ચિત બન્યા છે : નરેન્દ્ર સિંઘ તોમર

દિલ્હી, તા. 10 જુલાઈ 
કેન્દ્રિય કૃષિ અને ખેડૂત કલ્યાણ, ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ પ્રધાન નરેન્દ્ર સિંઘ તોમરે જણાવ્યું છે કે ખેડૂતોને તેમનાં ઉત્પાદન માટે વળતરપ્રદ ભાવ મળી રહે તે માટે સરકાર શક્ય તમામ પગલાં લઈ રહી છે. વિડિયો કોન્ફરન્સ મારફતે ઉત્તર પ્રદેશના બદૌનમાં દતાગંજ ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (કેવીકે)ની વહીવટી ઈમારતની આધારશિલા મૂકતાં તોમરે જણાવ્યું હતું કે બે નવા વટહુકમ અને કૃષિ ક્ષેત્રમાં અન્ય કાયદાકીય સુધારાના અમલને પગલે ખેડૂતો હવે તેમનાં ઉત્પાદન દેશભરમાં ગમે ત્યાં વળતરપ્રદ ભાવે વેચી શકશે અને તેમની ઉપરનાં તમામ નિયંત્રણો હટાવી લેવાયાં છે. ફાર્મર્સ (એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન) એગ્રીમેન્ટ ઓન પ્રાઈસ એસ્યોરન્સ અને ફાર્મ સર્વિસીઝ ઓર્ડિનન્સ 2020 હેઠળ કૃષિ પેદાશની ખરીદી ઉપર વેપારી સાથે સમજૂતીની સાથે સાથે ખેડૂતોને હવે તેમના ઉત્પાદન ખર્ચના વળતરની ખાતરી પણ મળી છે. આને પગલે કૃષિ તેમજ અન્ય ક્ષેત્રો વચ્ચેનો તફાવત પૂરવાનો પ્રયાસ કરાયો છે. દેશ હવે અનાજ ઉત્પાદનની બાબતમાં સ્વ-નિર્ભર જ નહીં પરંતુ સરપ્લસ થયો છે. દેશમાં 86 ટકા નાના અને સીમાંત ખેડૂતો છે. આ તમામ ખેડૂતોએ સરકારની યોજનાઓ અને સવલતોનો લાભ લેવો જોઈએ. આ બાબત સુનિશ્ચિત કરવામાં કેવીકે અને વૈજ્ઞાનિકો મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.  
તોમરે ભારપૂર્વક જણાવ્યું કે ખેડૂતો જમીનની તંદુરસ્તીની તપાસ ઉપર ધ્યાન આપે, વધુ પડતા જંતુનાશકો વાપરવાનું ટાળે, સિંચાઈમાં પાણી બચાવે અને તેમનું પાક ઉત્પાદન વધે તે સુનિશ્ચિત કરવા માટે કેવીકેની ભૂમિકા અગત્યની છે. ઉત્તર પ્રદેશમાં 86 કેવીકે છે, નવાં 20 કેવીકે ખોલવાની મંજૂરી મળી હતી, જેમાંથી 17 કાર્યરત થઈ ચૂક્યાં છે અને બાકીનાં ત્રણ - પ્રયાગરાજ, રાય બરેલી અને આઝમગઢમાં ટૂંક સમયમાં કાર્યરત થશે. મુરાદાબાદમાં પણ કેવીકે ખોલવાની દરખાસ્ત મળી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer