એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડને કેન્દ્ર સરકારની લીલી ઝંડી

કૃષિ ક્ષેત્રે માળખાકીય સવલતોની સ્થાપનાને વેગ આપવા 
નવી દિલ્હી, તા. 10 જુલાઈ 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ મળેલી સંસદીય સમિતિની બેઠકે દેશ વ્યાપી સેન્ટ્રલ સેક્ટરની યોજના- એગ્રિકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડને મંજૂરી આપી છે. આ યોજનામાં પોસ્ટ- હાર્વેસ્ટ મેનેજમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કોમ્યુનિટિવ ફાર્મિંગ એસેટસ માટે વ્યાજમાં રાહત અને નાણાંકીય સહયોગ મારફતે ધિરાણની સુવિધા અપાશે. 
આ યોજના હેઠળ બેંકો અને નાણાંકીય સંસ્થાઓ મારફતે પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (પીએસીએસ), માર્કેટીંગ કો-ઓપરેટીવ સોસાયટીઓ, ફાર્મર પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઈઝેશન્સ (એફપીઓ), સ્વસહાય જૂથો (એસએસજી), ખેડૂતોના જોઈન્ટ લાયાબિલીટી ગ્રુપ (જેએલજી), મલ્ટી પર્પઝ કો-ઓપરેટીવ સોસાયટીઓ, કૃષિ ઉદ્યોગસાહસિકો, સ્ટાર્ટઅપ્સ, એગ્રીગેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડર્સ અને કેન્દ્ર/ રાજ્ય સરકારની એજન્સીઓ અથવા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા પ્રોત્સાહિત પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ યોજનાઓને રૂા. એક લાખ કરોડ પૂરા પાડવામાં આવશે. 
ચાલુ વર્ષે રૂા. 10 હજાર કરોડની મંજૂરીથી શરૂઆત કરીને ધિરાણોની ચૂકવણી 4 વર્ષના ગાળામાં કરવામાં આવશે અને આગામી 3 નાણાંકીય વર્ષમાં રૂા. 30 હજાર કરોડ આપવામાં આવશે. 
આ સુવિધા હેઠળના તમામ ધિરાણોમાં વાર્ષિક 3 ટકા વ્યાજ સહાય આપવામાં આવશે, જે રૂ.2 કરોડ સુધી મર્યાદિત રહેશે. આ સહાય મહત્તમ 7 વર્ષના ગાળા માટે ઉપલબ્ધ રહેશે. માન્ય ધિરાણ લેનારાઓને આ નાણાંકિય સુવિધામાં માઈક્રો અને સ્મોલ એન્ટરપ્રાઈઝ માટેના ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટ (સીજીટીએમએસઈ) સ્કીમ હેઠળ રૂ.2 કરોડ સુધીના ધિરાણ માટે ઉપલબ્ધ રહેશે. આ કવરેજ માટેની ફી સરકાર ચૂકવશે અને એફપીઓના કિસ્સામાં કૃષિ, સહકાર અને 
ખેડૂત કલ્યાણ વિભાગ (ડીએસીએફડબલ્યુ) ની એફપીઓ પ્રમોશન યોજના હેઠળ ગેરંટી ઉપલબ્ધ કરવામાં આવશે. 
ભારત સરકાર તરફથી અંદાજપત્રીય સહાયની કુલ રકમ રૂા.10,736 કરોડ થશે. આ નાણાંકિય સુવિધાની ચૂકવણી માટે મોરેટોરિયમમાં ઓછામાં ઓછા 6 માસ અને મહત્તમ બે વર્ષ સુધીનો તફાવત રહેશે. આ પ્રોજેક્ટ ખેતી અને ખેતી આધારિત પ્રોસેસીંગ પ્રવૃત્તિઓને ઔપચારિક ધિરાણની સુવિધા પૂરી પાડવા માટે છે અને અપેક્ષા છે કે તેનાથી ગ્રામ વિસ્તારોમાં વિવિધ રોજગારનું નિર્માણ થશે. 
એગ્રિ ઈન્ફ્રાફંડનું વ્યવસ્થાપન અને મોનીટરીંગ ઓનલાઈન મેનેજમેન્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ (એમઆઈએસ) પ્લેટફોર્મ મારફતે થશે. આ ફંડ હેઠળ તમામ માન્ય સંસ્થાઓ ધિરાણ માટે અરજી કરી શકશે. ઓનલાઈન પ્લેટફોર્મમાં વિવિધ બેંકો દ્વારા વ્યાજના દર અંગે પારદર્શકતા, વ્યાજ સહાય સહિત યોજનાની વિગતો અને ઓફર કરવામાં આવેલી ક્રેડિટ ગેરંટી, ઓછામાં ઓછુ દસ્તાવેજીકરણ, મંજૂરીની ઝડપી પ્રક્રિયા ઉપરાંત અન્ય યોજનાના લાભ સાથે સંકલનની સુવિધા રહેશે. 
રાષ્ટ્રીય, રાજ્ય અને જીલ્લા સ્તરની મોનીટરીંગ કમિટીઓની સ્થાપના કરવામાં આવશે, જેથી રિયલ ટાઈમ મોનીટરીંગ થઈ શકે અને અસરકારક ફીડબેક મળી શકે. આ યોજનાનો ગાળો નાણાંકીય વર્ષ 2020થી નાણાંકીય વર્ષ 2029 (10 વર્ષ) સુધીનો રહેશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer