સાવચેત તેજીવાળાઓ નફો બુક કરવા ઉતાવળા થયા

પ્રારંભિક સુધારા પછી સેન્સેક્સમાં 143, નિફટીમાં 45 પોઈન્ટ્સના  ગાબડા 
વ્યાપાર ટીમ 
મુંબઈ, તા. 10 જુલાઈ
શૅરબજારોમાં આજે સત્ર દરમિયાન તોફાની વધઘટ થયા બાદ અંતે નબળા વૈશ્વિક પરિબળોને લીધે ઘટાડે બંધ રહ્યો હતો. ભારત સહિત વિશ્વમાં કોવિડ-19ના કેસમાં સતત વધારો થતા સાવચેત તેજીવાળાએ નફો બુક કરવાનું મુનાસીબ માન્યું હતું. સેન્સેક્સ 143 પોઈન્ટ્સ (0.39 ટકા) ઘટીને 36,594 અને નિફ્ટી 45 પોઈન્ટ્સ (0.42 ટકા) ઘટીને 10,768 બંધ રહ્યો હતો. 
સેન્સેક્સમાં એચડીએફસી, એચડીએફસી બૅન્ક, આઈસીઆઈસીઆઈ બૅન્ક અને એક્સિસ બૅન્કના શૅર્સમાં વેચવાલીનું સૌથી વધુ દબાણ હતું  પરંતુ  રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શૅર સૌથી વધુ ત્રણ ટકા જેટલો વધ્યો હતો. બીએસઈમાં સત્ર દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.1,884.40ના લાઈફટાઈમ હાઈને સ્પર્શ્યા બાદ અંતે રૂ.1,878.50 બંધ રહ્યો હતો.સાપ્તાહિક ધોરણે સેન્સેક્સ 1.6 ટકા વધ્યો હતો, જ્યારે નિફ્ટી 1.5 ટકા વધ્યો હતો. 
ક્ષેત્રવાર સૂચકાંકોમાં એનએસઈમાં મિશ્ર વલણ હતું. ફાઈનાન્સિયલ, મેટલ અને ઓટો સૂચકાંકમાં ઘટાડો હતો. ફાર્મા, એફએમસીજી અને રિયલ્ટી સૂચકાંક વધ્યા હતા.નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 0.85 ટકા વધીને 10,072.25ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટી બૅન્ક ઈન્ડેક્સ બે ટકા જેટલો ઘટીને 22,398.45ના સ્તરે બંધ રહ્યો હતો. 
વ્યાપક બજારમાં એસએન્ડપી બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 0.72 ટકા ઘટ્યો હતો, જ્યારે એસએન્ડપી બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 0.35 ટકા ઘટ્યો હતો. 
વૈશ્વિક બજારો 
અમેરિકામાં કોરોનાના કેસમાં સતત વધારો થતા અર્થતંત્રમાં સુધારાનો આશાવાદ નબળો પડ્યો હતો. તેની અસરથી વૈશ્વિક  શૅરબજારોમાં પણ નબળાઈ આવી હતી.યુરોપિયન શૅર્સમાં 0.3 ટકાનો ઘટાડો થયો હતો. એશિયાના શૅરબજારોમાં પણ ઘટાડો થયો હતો. ચીનના શૅર્સ પાંચ વર્ષની ટોચને સ્પર્શ્યા બાદ 1.8 ટકા ઘટ્યા હતા. જપાન બહારનો એમએસસીઆઈનો બ્રોડેસ્ટ ઈન્ડેક્સ એશિયા-પેસિફિક શૅર્સ 1.3 ટકા ઘટ્યો હતો. લોન-ચૂકવણીમાં રાહતને લંબાવતા બૅન્કિગ ક્ષેત્રમાં ફટકો પડતા ઓસ્ટ્રેલિયાના શૅર્સ 0.6 ટકા ઘટ્યા હતા. જપાનના શૅર્સ પણ 1.1 ટકા ઘટ્યા હતા. 
એસએન્ડપી 500ના ઈ-મિનિ ફ્યૂચર્સ 0.6 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યા હતા. કોમોડિટીમાં ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો થયો હતો, જ્યારે કોરોનાના કહેરમાં સુરક્ષિત રોકાણ ગણાતુ સોનાનો ભાવ સતત પાંચમાં અઠવાડિયે વધારો જોવા મળ્યો હતો.     

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer