અર્થતંત્રની ગાડી પાટા ઉપર ચડે છે...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ `ઇન્ડિયા ગ્લોબલ વીક-2020' સંમેલનનું ઉદ્ઘાટન કરતા વિશ્વના ઉદ્યોગ-મૂડીપતિઓને ભારતમાં મૂડીરોકાણ કરવાનું આહ્વાન કર્યું છે અને કહ્યું છે કે ભારત હવે પરિવર્તન અને પરિણામનાં લક્ષ્ય સાધવા ભણી આગળ વધે છે. મૂળભૂત સુધારા કરીને અર્થતંત્રને મૂડીરોકાણ માટે વધુ આકર્ષિત બનાવાય છે. અર્થતંત્રમાં નવી કુંપળો - અંકુર સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.
અર્થતંત્રના આશાવાદ માટે કારણો છે. માત્ર મહારાષ્ટ્રના અર્થતંત્રમાં જૂન મહિનામાં જ નોંધપાત્ર સુધારો થયો છે. સરકારની આવક - રેવન્યૂ મે મહિનામાં રૂા. 10,000 કરોડ અને એપ્રિલમાં રૂા. 11,500 કરોડ હતી તે વધીને જૂનમાં રૂા. 19,200 કરોડ થઈ છે. આમાંથી રૂા. 10,400 કરોડ (54 ટકા) માત્ર જીએસટી આવક છે.
રેવન્યૂમાં વધારો - અર્થતંત્રના સુધારાનો પુરાવો છે. ત્રણ મહિનાના લોકડાઉન પછી જે તબક્કાવાર છૂટ અપાઈ રહી છે તેના કારણે હવે જુલાઈમાં પણ નોંધપાત્ર વધારો થવાનો વિશ્વાસ છે. આબકારી જકાત પણ - મે મહિનામાં રૂા. 460 કરોડ હતી તે જૂનમાં વધીને રૂા. 737 કરોડ થઈ છે.
મહારાષ્ટ્ર રાષ્ટ્રીય અર્થતંત્રના એન્જિન સમાન છે. અન્ય રાજ્યોમાં પણ લોકડાઉન હળવાં થતાં આર્થિક પ્રવૃત્તિ વેગ પકડી રહી છે. અતિથિ કામદારો - કારીગરો પણ પાછા ફરી રહ્યા છે. એમને પાછા લાવવા માટે વિમાન અને ટ્રેન પ્રવાસની વ્યવસ્થા થઈ રહી છે તે સૂચક છે.
એકંદરે અર્થતંત્રની ગાડી પાટા ઉપર ચડી રહી છે. જોકે, ગતિ પકડતાં હજુ ત્રણ મહિના લાગશે એમ મનાય છે. વડા પ્રધાને ગરીબ કલ્યાણ યોજના હેઠળ અનાજ-રેશન નવેમ્બર સુધી પૂરા પાડવાની જાહેરાત કરી છે. તેની પાછળ દિવાળી-છઠ્ઠની પૂજા અને બિહારની ચૂંટણી ઉપરાંત અર્થતંત્ર ગતિમાન બને તે ગણતરી પણ છે.
કોરોના વાઈરસના સમાચાર હવે પાછલી - બીજી હરોળમાં આવ્યા છે. મહામારી હવે અંકુશમાં આવી રહી છે અને મહાનગર મુંબઈમાં લોકલ ટ્રેનો અૉગસ્ટ પંદરમી પછી શરૂ થાય ત્યારે લોકો શિસ્ત જાળવે તો અર્થતંત્રની ગાડી પણ વેગ પકડશે.
દરમિયાન - રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીન પાસેથી મોટી રકમનું દાન - 2005 - યુપીએની સરકાર વખતે મળ્યું હતું - તેનો ઉપયોગ ભારત-ચીન વચ્ચે મુક્ત વ્યાપારનું વાતાવરણ ઊભું કરવા માટે થયો હોવાનું મનાય છે અને ચીનને ભારતમાં પૂરતો લાભ મળ્યો. આ પછી એનડીએ સરકાર અને મોદીએ `મેઈક ઇન ઇન્ડિયા'નું સૂત્ર અને નીતિ જાહેર કર્યા પછી રાજીવ ફાઉન્ડેશને ચીન ખાતે ભારતની નિકાસ વધારવા માટે અભ્યાસ હાથ ધરવા વર્ષ 2018-19માં રૂા. 34 લાખ ફાળવાયા - પણ માત્ર રૂા. 13 લાખ વપરાયા - સત્તા પરિવર્તન થયા પછી કૉંગ્રેસે પાણી પહેલા પાળ બાંધવાનો - અને સરકારની આંખે પાટા બાંધવાનો આ પ્રયાસ કર્યો.
પણ હવે રાજીવ ગાંધી ફાઉન્ડેશન ઉપરાંત રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ અને ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટના ભંડોળની પણ તપાસ થઈ રહી છે. કાળાં નાણાં - મની લોન્ડરિંગની તપાસ કરવા માટે નિમાયેલી સમિતિના અધ્યક્ષ વિવેક વાડેકર - ઇન્ડિયન રેવન્યૂ સર્વિસના અનુભવી અધિકારી છે. યુપીએ શાસનમાં રૂા. 3600 કરોડના ઓગસ્તા વેસ્ટ લેન્ડ હૅલિકોપ્ટરના સોદા સહિત અન્ય શકમંદ સોદાઓની તપાસ પણ વાડેકર કરી રહ્યા છે.
સરકાર સામે વળતો પ્રહાર કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ છે કે એનડીએ સરકારે `પ્રાઈમ મિનિસ્ટર કેરસ' અલગ ભંડોળ શા માટે શરૂ કર્યું છે?
સંરક્ષણ સોદા, પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઈક, લદ્દાખની સરહદ અંગે નિષ્ફળ વિવાદ જગાવ્યા પછી સરકારને પડકારવા નવા મુદ્દા આવે છે!

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer