એન-95 માસ્કનું વેચાણ ઘટયું, હેન્ડ સેનિટાઇઝરની માગ વધી

એન-95 માસ્કનું વેચાણ ઘટયું, હેન્ડ સેનિટાઇઝરની માગ વધી
અમારા પ્રતિનિધિ તરફથી  
મુંબઈ, તા. 10 જુલાઈ 
કોરોના મહામારીનો ફેલાવો વધી રહ્યો હોવા છતાં માસ્કના ભાવ તૂટી ગયા છે અને એન-95 માસ્કનું વેચાણ ઘટયું છે. લોકો ઊંચા ભાવ ધરાવતાં એન-95 માસ્કનો રિ-યુઝ કરી રહ્યા છે અને ચોમાસાના ભેજવાળા વાતાવરણમાં કોટનના માસ્કનો વપરાશ વધ્યો છે. કેટલીક સેવાભાવી સંસ્થાઓ તેમજ ઘરે-ઘરે પણ લોકો કોટનના માસ્ક બનાવે છે, જે પ્રમાણમાં વધુ કિફાયતી દરે તૈયાર થતાં હોવાથી માસ્કનું બજાર તૂટ્યું હોવાનું બજારનાં સૂત્રોનું કહેવું છે.  
ડિસઇન્ફેક્ટન્ટ કેમિકલ અને હેન્ડ સેનિટાઇઝરની માગ વધી છે. વધુ અસરકારક આઇસો પ્રોપાઇલ હેન્ડ સેનિટાઇઝરની માગ ઇથનોલ બેઇઝ હેન્ડ સેનિટાઇઝર કરતાં વધુ રહી છે. બે મહિના અગાઉ રૂા. 1500-2000ના ભાવે વેચાતા હેન્ડ સેનિટાઇઝરના ભાવ ઘટીને હાલમાં પાંચ લિટરના રૂા. 600-650 થયા છે. તેમાં પાંચ લિટર અને 500 મી. લિ.ની માંગ વધુ છે. એમ પ્રિન્સેસ સ્ટ્રીટ સ્થિત યુનિયન ડ્રગ કેમિકલના વેપારી જનક શાહનું કહેવું છે.  
હૉસ્પિટલ, અૉફિસ, સોસાયટીઓ તથા દવાખાનાં વગેરેને સેનિટાઇઝ કરવા વપરાતાં સોડિયમ હાઇપો ક્લોરાઇટની માગ ખૂબ વધી છે અને તેના ભાવ બમણા થઈ ગયા હોવાનું જનક શાહે જણાવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer