બિનલોહ ધાતુ એકમો પુન : ધમધમતાં, જો કે બ્રેકઇવન હજી દૂર

બિનલોહ ધાતુ એકમો પુન : ધમધમતાં, જો કે બ્રેકઇવન હજી દૂર
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ તા. 10 જૂલાઇ 
દેશમાં લાંબા લોકડાઉન બાદ શરૂ થયેલ બિનલોહ ધાતુની ચીજોના ઉત્પાદનનાં 80 ટકા એકમો શરૂ થઇ ગયાં હોવાના અહેવાલ છે. જો કે, ઉત્પાદનક્ષમતાનો વપરાશ ઘણો ઓછો, 30-35 ટકા જેટલો જ રહે છે. કુશળ કામદારોની અછત અને બિનલોહ ધાતુ કામદારોના મોટા પાયે વતન તરફ પલાયનથી મુંબઇ આસપાસનાં એકમો પૂરજોશથી ચાલી શકતાં નથી. પરિણામે મોટા ભાગનાં એકમો બ્રેકઇવન પોઇનથી હજી દૂર છે. ઘણાં એકમોમાં સંખ્યાબંધ મશીનો  પૂરજાની અછતને લીધે બંધ પડયા છે, એમ સ્થાનિક ઉદ્યોજકો સાથેની વાતચીતમાં જાણવા મળ્યું છે. 
લોકડાઉન હળવો કરાયા પછી પણ હજુ મુંબઇના ધાતુ ઉદ્યોગનાં કેન્દ્રોમાં દુકાનો, ઓફિસો પૂરતા પ્રમાણમાં કાર્યરત થઇ નથી. તેથી અનેક ફિનિશ્ડ પ્રોડકટના વપરાશકારોએ હવે સીધા પાટા, રોડ, વાયર જેવી ચીજોના ઉત્પાદકોનો સીધો સંપર્ક શરૂ કર્યો હોવાના અધારભૂત અહેવાલ મળે છે. મુંબઇમાં અનેક પ્રકારના નિયમો અને કેટલાક વિસ્તારોમાં ફરી સંક્રમણ-લોકડાઉનને પગલે સ્ટાફની અછતને લીધે બિનલોહ ધાતુ બજારમાં રોનક આવતી નથી એમ બજારના અગ્રણીઓએ જણાવ્યું હતું. 
બિનલોહ ધાતુ ઉદ્યોગમાં અત્યારે ટ્રેડરો અને સપ્લાયરો પાસે પૂરતા કામનો અભાવ છે. બજારમાં અગાઉની બાકી ઉઘરાણી અને નવા માલના ધિરાણ બાબતે અતિશય ચિંતાની સ્થિતિ છે. બોમ્બે મેટલ એક્સચેંજના ભૂતપૂર્વ પ્રમુખ અને ઉદ્યોજક મહેન્દ્ર શાહ જણાવે છે કે બેંકો હજુ ધિરાણ માટે પૂરતો સહકાર આપતી નથી. બીજી તરફ બિહાર, યુપી, ઓરિસ્સા અને અન્ય રાજ્યોમાં ગયેલા કામદારો હવે પોતાની મોસમ પતાવીને જ કામ પર પાછા ફરશે. તેથી અમારા બિઝનેસમાં રોનકની આશા હવે દિવાળી પછી જ રાખી શકાય એમ અંગત રીતે મને જણાય છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer