પશુચારા માટે ફરજિયાત બીઆઈએસ સર્ટિફિકેશન માટે અમેરિકાની આનાકાની

પશુચારા માટે ફરજિયાત બીઆઈએસ સર્ટિફિકેશન માટે અમેરિકાની આનાકાની
નવી દિલ્હી, તા. 10 જુલાઈ 
ભારતે આયાત સહિતના તમામ કોમર્શિયલ ફીડ્સ - બજારમાં વેચાતા ચારા માટે નવાં નિયમો લાગુ કર્યા છે, જે બાબતે અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી છે. ભારતે પશુ માટે તૈયાર કરાતા ખોરાક માટે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડસ (બીઆઈએસ)ના નિયમોનું અનુપાલન અને પ્રમાણપત્ર ફરજિયાત બનાવ્યું છે. પરંતુ અમેરિકાએ ખાસ કરીને કોવિડ-19એ સર્જેલા વિક્ષેપને કારણે તેનો અમલ પાછો ઠેલવા વિનંતી કરી છે. 
તાજેતરમાં અમેરિકાએ વિશ્વ વેપાર સંગઠનને જણાવ્યું છે કે 27મી જુલાઈના રોજથી અમલમાં મૂકવાના નવા નિર્દેશોને પગલે ખોરાકના ઘટકો ઉપર નોંધપાત્ર અસર થશે અને તેનાથી અન્ય દેશમાં આ પ્રકારના ઘટકો ચારા તરીકે અપાતા હોય તેવા પશુધનમાંથી મેળવેલા ડેરી ઉત્પાદનોના વેપાર ઉપર અસર થવાની સંભાવના છે અને આ સંદર્ભે વિસ્તૃત ચર્ચા આવશ્યક છે. 
ડબલ્યુટીઓની કમિટી ઓન સેનિટરી એન્ડ સાયટોસેનિટરી મેઝર્સને રજૂઆત કરતાં અમેરિકાએ જણાવ્યું છે કે અમેરિકા આ બાબતે પ્રક્રિયાગત તેમજ ઠોસ ચિંતા સેવી રહ્યું છે. પહેલું તો, ભારતે આ પગલાં યોગ્ય નોટિફિકેશન કે ટિપ્પણીનો અવકાશ ન રહે એ રીતે આખરી સ્વરૂપમાં લાગુ કરી દીધાં છે. ઉપરાંત, નિકાસકારોને સપ્લાય ચેઇન એડજસ્ટ કરવા માટે નવા નિયમો અમલમાં આવે તે પહેલાં અપાયેલો છ મહિનાનો ટ્રાન્ઝિશન પિરિયડ, ખાસ કરીને કોવિડ-19 મહામારીને કારણે અપૂરતો છે. 
અમેરિકા, ભારતને ખાસ મોટા જથ્થામાં પશુચારો નિકાસ કરતું નથી, છતાં બાય-પ્રોડક્ટ - આડ પેદાશ તરીકે માંસ ધરાવતો ચારો ખાતાં પશુનાં ડેરી ઉત્પાદનોને મંજૂરી નહીં આપવાનો વિચાર યોગ્ય નથી, કેમકે અમારા દેશમાં આ પ્રકારના કાયદા નથી. આને લીધે ભારતને દૂધ અને ડેરી ઉત્પાદનો સહિતની એનિમલ પ્રોડક્ટ્સ (પશુ ઉત્પાદનો) નિકાસ કરવાની અમારી ક્ષમતા મર્યાદિત બની જાય છે. 
27મી જાન્યુઆરીના રોજ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ (ફૂડ પ્રોડક્ટ્સ સ્ટાન્ડર્ડસ એન્ડ ફૂડ એડિટિવ્ઝ) એમેન્ડમેન્ટ રેગ્યુલેશન 2020 ઈસ્યુ કરાયો હતો, જેમાં જણાવાયું હતું કે `મરઘા બતકાં અને માછલી સિવાયનાં દૂધ અને માંસ ઉત્પાદન કરતાં પશુઓને દૂધ અને દૂધ ઉત્પાદનો સિવાય, આંતરિક અવયવો સહિતનાં માંસ કે હાડકાં, લોહીનો ખોરાક કે ગાય કે બળદ અથવા પોર્સિન મૂળનાં ટિશ્યુનું મટિરિયલ ધરાવતો ખોરાક અપાતો હોવો જોઈએ નહીં.' કોમર્શિયલ ફીડ્સ બીઆઈએસનાં ધોરણો અનુસાર હોવાં જોઈએ, જે સમય-સમયે ફૂડ ઓથોરિટી દ્વારા નિશ્ચિત કરવામાં આવે છે અને પ્રોડક્ટના લેબલ ઉપર બીઆઈએસ સર્ટિફિકેશનનું ચિહ્ન દર્શાવેલું હોવું જોઈએ, એમ પણ જણાવાયું છે. 
એફએસએસએઆઈએ જણાવ્યું છે કે પશુ મૂળ ધરાવતો ખોરાક કેટલીક વાર સંબંધિત ખોરાકની ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, 2006માં જણાવાયેલી ગુણવત્તા અને સલામતિનાં ધોરણો મુજબનો નથી હોતો. નમૂના તરીકે લીધેલાં દૂધ સહિતનાં આવાં ઉત્પાદનોમાં મોટા પ્રમાણમાં જંતુનાશકો, ભારે ધાતુઓ તેમજ એફ્લેટોક્સિન એમવન મળી આવ્યાં છે. 
અમેરિકાએ ડબ્લુટીઓમાં રજૂઆત કરીને પોતાને ટિપ્પણી કરવા માટે ન જણાવાય તેમજ ઓપરેટર્સને અનિચ્છિત વિક્ષેપ વિના સપ્લાય ચેઇન એડજસ્ટ કરવા પૂરતો સમય મળે ત્યાં સુધી ભારતને આ પગલાંનો અમલ પાઠો ઠેલવા વિનંતી કરી છે. તેણે ભારતને એમ પણ જણાવ્યું છે કે તેણે આયાતી ઉત્પાદનોને અસર કરે તેવા એફએસએસએઆઈ ફૂડ એડિટિવની જરૂરિયાતોમાં કોઈ પણ ફેરફારો અંગે ડબલ્યુટીઓને પ્રારંભિક અને યોગ્ય તબક્કામાં જાણકારી આપવી જોઈએ.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer