સુરતના હીરાના વેપારી સાથે રૂા.1.49 કરોડની ઠગાઈ

અમારા પ્રતિનિધિ તરફથી સુરત તા. 4 ઓગષ્ટ, 
સુરતના વરાછાના મીનીબજારમાં હીરાનો વેપાર કરતા ચિરાગ અશોક સાથે દુબઇના હીરાના વેપારીએ રૂા. 1.49 કરોડની ઠગાઇ કરી હોવાની ફરિયાદ નોંધાઇ છે.  મોટા વરાછા તુલસી રેસિડેન્સીમાં રહેતા ચિરાગ 2018થી વરાછા મિની બજારમાં કેપ્ટન એન્ટરપ્રાઇઝ પ્રા.લિ.ના નામથી હીરાનો વેપાર કરે છે. એ અગાઉ તેઓ દુબઇમાં જાનવી ડાયમંડમાં નોકરી કરતા હતા. જયાં તેમની મુલાકાત અનુજ બોહરા નામના હીરાના વેપારી સાથે થઇ હતી. અનુજ દુબઇમાં શાઇન ડાયમંડના નામે હીરાનો વેપાર કરે છે.  
વર્ષ 2018માં ચિરાગ ભારત આવીને સુરતમાં જ હીરાનો વેપાર શરૂ કર્યો હતો. વર્ષ 2019ના જાન્યુઆરી માસમાં અનુજ દુબઇથી સુરત આવીને ચિરાગ પાસેથી રૂા. 32.49 લાખના હીરા ઉધારમાં ખરીદીને દુબઇ લઇ ગયો હતો. દુબઇ પહોંચીને અનુજે સુરતમાં હીરાનો વેપાર કરતા ચિરાગને ફોન કરીને કહ્યું હતું કે, ઇસ્તંબુલમાં હીરાનો મોટો ઓર્ડર મળે તેમ છે. ઉધારમાં માલ આપીએ તો ટૂંક સમયમાં પાર્ટી તેનું રોકડથી ચૂકવણી કરી આપશે.  ચિરાગે મુંબઇના યશ જ્વેલર્સના હિંમતભાઇ જસાણી પાસેથી હીરા મેળવીને કુરિયરથી અનુજને હીરા દુબઇ મોકલા હતા. આમ કૂલ રૂા. 1.49 કરોડના હીરા અનુજને પાંચ દિવસ પ્રદર્શનમાં મૂકવા માટે અને ઇસ્તંબુલમાં જ પછીના દિવસે પેમેન્ટ મળી જશે તે વચને આપ્યા હતા. ચિરાગે કુરિયર મારફત હીરા મોકલ્યા બાદ નિયત તારીખે ઇસ્તંબુલ પહોંચ્યો ત્યારે અનુજ ત્યાં આવ્યો ન હતો. ચિરાગે ભારત આવીને તેની તપાસ કરતા ક્યાંય મળ્યો ન હતો. અંતે ચિરાગે પહેલા અમદાવાદ અને ગત સપ્તાહે સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં અનુજ વિરુદ્ધ છેતરાપિંડીની ફરિયાદ નોંધાવી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer