રિલાયન્સ, એચડીએફસી બૅન્કમાં ધૂમ લેવાલીના ટેકે સેન્સેક્ષ, નિફટીમાં પ્રિંગનો ઉછાળો

વ્યાપાર ટીમ 
મુંબઈ, તા.4 અૉગ. 
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને એચડીએફસી બૅન્કમાં નોંધપાત્ર લેવાલીના ટેકે સ્થાનિક શૅરબજારો ચાર સત્રના ઘટાડા બાદ મંગળવારે વધ્યા હતા. સેન્સેક્સ 748 પોઈન્ટ્સ (2 ટકા) વધીને 37,688ના સ્તરે બંધ રહ્યો હતો. સેન્સેક્સમાં સૌથી વધુ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શૅર સાત ટકા વધ્યો હતો અને ટેક મહિન્દ્ર સૌથી વધુ ત્રણ ટકા જેટલો ઘટ્યો હતો. નિફ્ટી 204 પોઈન્ટ્સ (1.87 ટકા) વધીને 11,095ના સ્તરે બંધ રહ્યો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વીઆઈએક્સ છ ટકા ઘટીને 23.67ના લેવલે બંધ થયો હતો. 
એચડીએફસી બૅન્કના ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર આદિત્ય પુરી ઓક્ટોબરમાં નિવૃત્ત થશે તે પછી તેમનુ સ્થાન શશીધર જગદિશન સંભાળશે એવા સમાચાર આવતા બૅન્કનો શૅર ચાર ટકાથી પણ વધારે ઉછળ્યો હતો. વોકહાર્ટ કોવિડ-19 વેક્સિનના લાખો ડોઝની સપ્લાય કરશે એવી જાહેરાત કરતા કંપનીનો શૅર બીએસઈમાં 10 ટકા વધ્યો હતો. બીજી બાજુ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી કામગારો માટે કડક વલણ અપનાવતા અમેરિકામાં એચ-1બી વિઝા ધરાવતા ભારતીય આઈટી નિષ્ણાતોની મુશ્કેલી થશે, જેથી આઈટી શૅર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. 
વ્યાપક બજારમાં એસએન્ડપી બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 1 ટકા વધીને 13,856ના સ્તરે બંધ રહ્યો હતો અને એસએન્ડપી બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 1.23 ટકા વધીને 13,317 બંધ રહ્યો હતો. 
ક્ષેત્રવાર સૂચકાંકોમાં નિફ્ટી આઈટી ઈન્ડેક્સને બાદ કરતા દરેક સૂચકાંક વધારે બંધ રહ્યો હતો. નિફ્ટી બૅન્ક ઈન્ડેક્સ 400 પોઈન્ટ્સ (બે ટકા) વધીને 21,487ના સ્તરે બંધ રહ્યો હતો. 
વૈશ્વિક બજારો 
ડિયેગો અને બેયરની આવકના આંકડા નિરાશાજનક આવતા યુરોપિયન શૅર્સમાં ગાબડા પડ્યા હતા. એશિયાની વાત કરીએ તો ચીનના શૅર્સમાં વધારો નોંધાયો હતો. બાજિંગે દેશની નાણાકીય સંસ્થાઓ ઉપર દબાણ ઓછુ કરવા માટેના પગલા લેતા બૅન્કો અને રોકાણકારો માટે સકારાત્મકતા સર્જાઈ હતી. બ્લુ-ચીપ સીએસઆઈ300 ઈન્ડેક્સ 0.1 વધ્યો હતો અને શાંઘાઈ કોમ્પોસિટ ઈન્ડેક્સ પણ 0.1 ટકા વધારે ટ્રેડ થઈ રહ્યો હતો. વૈશ્વિક ધોરણે કોવિડ-19ના કેસમાં સતત વધારો થવાથી ક્રૂડની માગ વધવાનો આશાવાદ ધોવાતા ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer