તળિયેથી માગ વધે તેવા ઉપાય કરવા ઉદ્યોજકો, વેપારીઓનો અનુરોધ

અમારા પ્રતિનિધિ દ્વારા 
મુંબઈ,તા.4 ઓગષ્ટ 
દેશમાં લોકડાઉન પછી શરૂ થયેલ ઉદ્યોગ પ્રવૃતિમાં ગતિ આવવા છતાં ક્ષમતાનો વપરાશ સરેરાશ 30-40 ટકાથી વધતો નથી. અત્રે મુંબઈમાં બિનલોહ ધાતુ ઉદ્યોગમાં 35 થી 40 ટકા જ્યારે લોખંડ પ્રોડકટમાં 30 ટકાથી ઓછી પ્રવૃત્તિ ચાલી રહી છે. ગુજરાતમાં લોખંડ ઉદ્યોગની પ્રવૃતિ સરેરાશ 25થી 30 ટકા સુધી સિમીત રહી હોવાનું આંતરિક વર્તુળો સ્વીકારે છે. 
મુંબઈ આસપાસનાં બિનલોહ ધાતુની તૈયાર ચીજો --ફિનિશ્ડ પ્રોડક્ટ્સ-- બનાવનાર મોટાભાગનાં એકમો અને એકસ્ટ્રુઝન યુનિટો અત્યારે બ્રેકઈવન પોઇન્ટ સુધી પણ પહોંચતાં નથી. જો કે થોડી ખોટ થાય તો પણ હવે ઉદ્યોજકો પુન: કામ રોકવાના મૂડમાં નથી એ બાબત સકારાત્મક છે. બોમ્બે મેટલ એક્ષચેન્જના પ્રમુખ રીખવભાઈ મહેતાએ કહ્યું કે સરકારે પેકેજ જાહેર કરવા છતાં ઉદ્યોગ-વેપારની માગ પૂરતા પ્રમાણમાં વધતી નથી. અમારા વપરાશકાર એકમો અને સપ્લાયરોની એકસરખી ફરિયાદ છે કે અમારી પાસે આખરી વપરાશકારોના 20 ટકા પણ ઓર્ડર્સ પણ રીપીટ થયા નથી. તો વધુ ઉત્પાદન કરીને વેચીશું ક્યાં? અમારા સંગઠનની અપીલ છે કે `સરકારે નાના, છૂટક વપરાશકારની સીધી માગ વધે તેવા નિર્ણયો અને પ્રોત્સાહનો તુરંત જાહેર કરવા જોઈએ. 
બીમાના ભૂતપૂર્વ પ્રમુખ અનીશ વળીયાએ કહ્યું કે સ્થાનિકમાં અનેક જિલ્લામાં લોકડાઉનને લીધે લોખંડની માગ ઓછી છે. પરંતુ ગુજરાતમાં વાપી, ઉમરગામ અને અન્યત્ર પ્રોજેક્ટો અને ખાનગી ઉદ્યોજકોની ધીમી માગ શરૂ થઇ છે. જો કે અગાઉની સરખામણીએ ધંધો 20થી 30 ટકા સુધી જ રહે છે. કેન્દ્ર સરકારે લોખંડનું ઉત્પાદન અને વપરાશ વધારવા ત્વરિત નિર્ણયો લેવા પડશે. 
દરમિયાન દિલ્હીથી મળતા અહેવાલો અનુસાર કેન્દ્ર સરકારે લોકડાઉન પછીની સ્થિતિની તાજેતરમાં કરેલ સમીક્ષામાં જણાયું હતું કે અર્થવ્યવસ્થામાં ઇચ્છિત ગતિ હજી આવી નથી. તેથી સંબંધિત મંત્રાલયોના અધિકારીઓને પુન:ગઠિત પ્રોત્સાહન યોજનાના મુસદ્દા તૈયાર કરવાની સૂચના અપાઈ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer