હિંગનું વાવેતર ઘટતાં બજાર સુધરવાની આશા

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 4 અૉગસ્ટ  
હિંગના ઉત્પાદક મથકોએ કોરોનાને લીધે વાવેતર ઓછું થયું છે.  હિંગનો પાક લેતાં અફઘાનિસ્તાન, ઉઝબેકિસ્તાન અને ઈરાનમાં કોરોનાની મહામારીને લીધે ખેતમજૂરો કામે આવી શકતા ન હોવાથી વાવેતરને અસર થઈ છે.  સ્થાનિકમાં હિંગરસમાંથી હિંગ તૈયાર કરતાં કારખાનાઓમાં પણ કામદારોની ગેરહાજરી હોવાથી હિંગનું ઉત્પાદન 50 ટકા જેવું ઘટયું છે. હિંગની માગ તો છે પરંતુ માલ તૈયાર થઈ શકતો નથી, એમ હિંગના સ્થાનિક અગ્રણી આયાતકાર દેવેન્દ્ર વાહીનું કહેવું છે.  
લૉકડાઉનને લીધે ટ્રાન્સપોર્ટેશનની સુવિધાના અભાવે દેશાવરોના વેપારીઓ અહીં આવી શકતા નથી. તેમ જ માલ રવાના કરવામાં પણ મુશ્કેલી થઈ રહી છે. આથી હિંગની માગ લગભગ 25 ટકા ઘટી છે. મથકોએ પણ આપૂરતા કામદારોને લીધે માલ ઓછો આવી રહ્યો છે.  
મસાલાની મુખ્ય સિઝનમાં માલપૂરાંત હોવાથી હિંગની ખેંચ સર્જાઈ નહોતી અને બજાર ટકેલી રહી હતી. આ વર્ષે મથકોએ વાવેતર ઓછું થયું હોવાથી આગામી સમયમાં પુરવઠા ખેંચ સર્જાઈ શકે છે. પરિણામે બજાર 5-10 ટકા જેવી સુધરી શકે છે, એમ વાહીએ વધુમાં જણાવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer