પ્રવાસન ઉદ્યોગની ગાડી પાટે ચડી રહી છે

પ્રવાસન ઉદ્યોગની ગાડી પાટે ચડી રહી છે
રક્ષાબંધનની રજા મળતા આબુ, કુંભલગઢમાં પ્રવાસીઓ 
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 4 અૉગસ્ટ
કોરોનાના કારણે લોકોનું જીવનચક્ર સમૂળગું બદલાઈ ગયું છે. કોરોનાની અસરમાંથી કોઇ ક્ષેત્ર બાકી રહ્યું નથી.ટુરિઝમને પણ મોટો ફટકો પડ્યો છે અને પ્રવાસન ક્ષેત્ર ક્યારે બેઠું થશે તેના વિષે કશું કહી શકાય તેમ નથી. છતાં લોકો ધીરે ધીરે ઘરમાંથી બહાર જઇને ફરવા નીકળવા લાગતા રક્ષાબંધનના તહેવારમાં ત્રણ દિવસ સુધી રજા મળતા લોકો રાજસ્થાનના ઉદયપુર, આબુ અને કુંબલગઢ તરફ ગયા હતા. એ જોતા ટુરિઝમમાં ધીરે ધીરે સુધારાનો સંચાર થશે તેવી આશા જાગી છે. જન્માષ્ટમીની રજાઓ નજીક આવી  રહી છે ત્યારે લોકો નજીકના સ્થળોએ ફરવાની શરુઆત કરશે. 
ધ ટ્રાવેલ એજન્ટસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ગુજરાતના પ્રમુખ જીગર દુદકીયા જણાવે છે કે 'આમ તો લોકો હજુ પણ કોરોનાના ભયમાંથી સંપૂર્ણ બહાર આવ્યા નથી પરંતુ ધીરે ધીરે ઘરની બહાર નીકળતા થયા છે. રક્ષાબંધન પૂર્વે બે દિવસની રજા હતી એમ ત્રણ દિવસનો મેળ થઇ જતા ગુજરાતમાથી ઘણા લોકો રાજસ્થાન ગયા હતા. મંદીને લીધે કોઇ સસ્તાં પેકેજો નથી પણ સારી હોટેલ હવે કિફાયતી ભાવમાં મળે છે. રાજસ્થાનની અમુક હોટેલ દ્વારા તો અમદાવાદથી પીકઅપની વ્યવસ્થા કરી દેવામાં આવી છે.'  
રક્ષાબંધન અને 15 ઓગસ્ટ આસપાસ ગુજરાતીઓ કમ સે કમ બે કે ત્રણ દિવસની રજા લઈને ફરવા જતા હોય છે. વર્ષો બાદ એવી સ્થિતિ આવી કે સ્થાનિક ટુરિઝમ સુધ્ધા ઠપ્પ થઇ ગયું છે. ટ્રાવેલ એજન્ટ સંજીવ છાજેડ કહે છે કે 'ટુરિઝમ માટે અત્યારનો સમય ખુબ જ કપરો છે અને આવા સમયમાં ઉદ્યોગ ક્યારે ઉભો થશે તે કહી શકાય એમ નથી. છતાં સમય ઘણો લાગી શકે છે. પરંતુ આસપાસના ડેસ્ટિનેશન કે જ્યાં કોરોના સામે લડવા માટે કોઈ નક્કર પગલાં લેવાશે તેવી જગ્યાએ લોકો જશે અને આ રીતે ધીરે ધીરે ટુરિઝમ શરુ થશે'  
હાલ રાજસ્થાનના ઉદયપુર, કુંભલગઢ, અને આબુ જવું હોય અને સારી જગ્યામાં રોકાણ કરવું હોય તો એક રાત્રીના 2500 રૂપિયા જરુર ચૂકવવા પડી રહ્યા છે. જોકે આ ભાવમાં સામાન્ય વર્ષોમાં બેસ્ટ હોટેલ ન મળે પણ અત્યારે મળી રહી છે. ઘણા કિસ્સામાં પીકઅપ અને ડ્રોપની પણ સુવિધા હોટેલવાળા પણ આપી રહ્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer