સૌરાષ્ટ્રની ડુંગળી ધોરાજીથી બાંગ્લાદેશ જશે

સૌરાષ્ટ્રની ડુંગળી ધોરાજીથી બાંગ્લાદેશ જશે
રેલવે દ્વારા ધોરાજીથી રેક મૂકાઇ - ચાલુ મહિને ત્રણથી ચાર રેલરેક જશે
અમારા પ્રતિનિધિ તરફથી
ધોરાજી, તા. 4 અૉગસ્ટ
કોરોના સંક્રમણ અને લોકડાઉનને કારણે ડુંગળીની માગ ઘટી જતા ખેડૂતોની હાલત કફોડી બની ગઇ હતી પરંતુ ડુંગળીની નિકાસ માટેની માગમાં વધારો થતા હવે રાહત થઇ છે. ધોરાજીથી બાંગ્લાદેશ નિકાસ થનાર રેલવેની ગુડઝ ટ્રેનના ફોટોગ્રાફ સાથેની ટ્વીટ રેલવે પ્રધાન પિયુષ ગોયલે કરી છે. એનાથી રાહત થઇ છે. ધોરાજીમાં ગઇકાલે રેલ રેક ભરવાનો આરંભ કરવામાં આવ્યો છે. આ રેક બાંગ્લાદેશ ખાતે મોકલવામાં આવશે. એમાં ધોરાજી, ઉપલેટા ઉપરાંત ગોંડલ સહિતના વેપારીઓની ડુંગળી મોકલવામાં આવશે.ગુડઝ ટ્રેન ધોરાજીથી બાંગ્લાદેશના દર્શના સ્ટેશન સુધી જશે. આ રીતે પહેલી વખત લોડીંગ થઇ રહ્યું હોવાથી રેલમંત્રીએ ઉત્સાહ દર્શાવ્યો હતો.  
સ્થાનિક બજારમાં ડુંગળીના ભાવ તળિયે બેસી રહ્યા છે એવામાં બાંગ્લાદેશ ખાતે રવાનગી થવાને લીધે ખેડૂતોને રાહત થઇ છે. હાલમાં પીળી પત્તીની ડુંગળી મણે રૂા. 100-125માં વેચાય છે તેના ભાવ ખરેખર રૂા. 300-400 હોય તો જ ખેડૂતોને પોસાય તેમ છે. જોકે લોકડાઉન અને નબળી માગને લીધે મુશ્કેલી સર્જાઇ છે. આ વર્ષે આસામ અને બાંગ્લાદેશમાં ગુજરાતમાંથી માલ જવાનો આરંભ થયો છે એ કારણે ખેડૂતોમાં આશા બંધાઇ છે. વેપારીઓએ કહ્યા પરમાણે ડુંગળીનો મોટાંપાયે સંહ્રક રૂા. 9-10ના ભાવથમાં કરાયો હતો હવે તેનો ભાવ રૂા. 3-4 આવી રહ્યો છે એટલે ખેડૂતો કે સંગ્રહ કરનારને ભારે નુક્સાન જઇ રહ્યું છે. 
બાંગ્લાદેશનું દર્શના ધોરાજીથી 2437 કિલોમીટર દૂર છે. ઓછાં સમયમાં લાડિંગ કરીને રેક રવાના કરવામાં આવી છે. રેલવેના ભાવનગર ડિવિઝન માટે આ સંપુર્ણપણે નવો ટ્રાફિક છે. આશરે રૂા. 46 લાખની આવક તેનાથી થશે. આ રીતે ચાલુ મહિનામાં 3થી 4 રેક લોડ થવાની સંભાવના રેલવે વિભાગે દર્શાવી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer