સુરતમાં હીરા-કાપડમાર્કેટો ખુલતાં વેપાર પાટે ચઢવાનો આશાવાદ

સુરતમાં હીરા-કાપડમાર્કેટો ખુલતાં વેપાર પાટે ચઢવાનો આશાવાદ
વધતા સંક્રમણ વચ્ચે કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવું અત્યંત જરૂરી 
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત તા. 4 અૉગષ્ટ
લાંબા વેકેશન બાદ આજથી શહેરની હીરાબજાર અને કા5ડમાર્કેટો ખુલતાં વેપારની ગાડી પાટે ચઢશે તેવો આશાવાદ બંધાયો છે. પાછલા કેટલાક દિવસોમાં શહેરમાં કોરોના સંક્રમણના વધતાં ગ્રાફમાં નજીવો ઘટાડો નોંધાતા સંક્રમણની ચેઇન આગામી દિવસોમાં તૂટશે તેવી આશા જાગી છે.  
કોરાનાકાળમાં વેપારી પ્રવૃત્તિઓને સંપૂર્ણ બંધ રાખવી હવે પોષાય તેમ નથી. આ સંજોગોમાં ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરીને કામકાજ ચાલુ રાખવું પડકાર સાબિત થઇ રહયો છે. અનલોક 1.0માં લોકોએ બેદરકારી દાખવતાં શહેરમાં સંક્રમણ વધ્યું હતું. અનલોક 2.0માં સ્વયંભૂ લોકડાઉન લાગુ કરાયું હતું. આજે હવે જયારે અનલોક 3.0 ચાલી રહ્યું છે ત્યારે ફરીથી વેપારની ગાડીને પાટે ચઢાવવાની કાવાયત હાથ ધરાઇ છે.  
તંત્રએ પણ કેટલીક છૂટછાટો વધારી છે. નોન કન્ટેઇન્મેન્ટ ઝોનમાં તમામ કાપડમાર્કેટો અને હીરાબજારને ખોલવાની છૂટ આપી છે.  હીરાબજારનો સમય પણ બે કલાક વધારી દેવાયો છે. અગાઉ હીરાબજારને બપોરે બે થી છ કલાક સુધી ખોલવાની છૂટ અપાઇ હતી. તંત્રએ તેમાં બે કલાકનો વધારો કરીને બપોરે બાર થી સાંજે છ કલાક સુધી કામકાજની છૂટ આપી છે. શંકાસ્પદ લક્ષણો વગરના બે કારીગરોને એક ઘંટી 5ર બેસવાની છૂટ અપાઇ છે.  
આ તરફ કાપડમાર્કેટમાં તહેવારોની સીઝનની ઘરાકી શરૂ થતાં તેજીનો કરંટ જોવા મળ્યો છે. જો કે, એક સાથે તમામ માર્કેટો અને દૂકાનોને ખોલવાની મંજૂરી આપતા કાપડમાર્કેટ માટે આગામી દિવસોમાં કોરોના સંક્રમણનો ખતરો યથાવત છે. અગાઉ કાપડ માર્કેટને ઓડ-ઇવન ફોર્મ્યૂલાથી ખોલવાની મંજૂરી અપાઇ હતી. જેને બદલે હવેથી તમામ માર્કેટોની બધી જ દૂકાનો શરૂ કરાઇ છે. વેપારી સંગઠન ફોસ્ટાનું માનવું છે કે, તમામ દુકાનો ખોલવાનો નિર્ણય કાપડમાર્કેટ માટે લીટમસ ટેસ્ટ સાબિત થશે. માર્કેટો ખોલી વેપાર કરવાની આશા બધાને છે. પરંતુ આ સાથે કોરોના મહામારીથી બચવા માટે તંત્ર દ્વારા નક્કી કરાયેલી ગાઇડલાઇનનું પાલન કરવું અત્યંત આવશ્યક છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer