દશેરા બાદ ઈંટના ફક્ત 30 ટકા ભઠ્ઠા ચાલુ થશે

દશેરા બાદ ઈંટના ફક્ત 30 ટકા ભઠ્ઠા ચાલુ થશે
પરાશર દવે 
અમદાવાદ, તા. 4 અૉગ. 
કોરોના મહામારીથી અનેક ઉદ્યોગો હાડમારીનો સામનો કરી રહ્યા છે. રિયલ એસ્ટેટ, ડેવલપર્સ અને સરકારી આંતરમાળખાકીય કામો પણ લોકડાઉનને કારણે સદંતર ઠપ થઇ ગયા હતા. જેની ઇંટ ઉત્પાદકો પર માઠી અસર પડી છે. આમ તો આ ઉદ્યોગની સિઝન દશેરાથી શરૂ થઇને મે સુધીની કહેવાય છે અને સામાન્ય રીતે દર ચોમાસામાં કામકાજ બંધ જ હોય છે. પરંતુ માર્ચથી લોકડાઉન લાદી દેવામાં આવતા ઇંટોનો ઉપાડ અટકી ગયો હતો.હવે દશેરા બાદ ફરી ઉત્પાદન શરું થાય ત્યારે ફક્ત 30 ટકા ઇંટની ભઠ્ઠીઓ ચાલુ થવાની શક્યતા છે.  
ગુજરાત બ્રીક્સ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશનના ગુજરાતના મહામંત્રી, અમદાવાદના મંત્રી અને ઓલઇન્ડિયામાં સહમંત્રી મહેન્દ્રભાઇએ જણાવ્યું હતુ કે અમારા ઉદ્યોગમાં ઇંટો પકવવાનું કામ 31 મે સુધીમાં પૂરું થઇ જાય છે. આ ઉદ્યોગ શ્રમિક આધારિત ઉદ્યોગ છે. જેમા ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન વગેરે સ્થળોએથી મજૂરો આવે છે. કોવિડ-19ને કારણે હજુ રેલવેની સુવિધા શરૂ થઇ ન હોવાથી મજૂરો ક્યારે આવશે તે એક સવાલ છે. બીજી બાજુ દરેક ઉત્પાદકો પાસે અગાઉનો સ્ટોક પણ ઘણો પડ્યો છે. જે લોકડાઉનને કારણે મોકલી શકાયો ન હતો. દશેરા પછી પણ મજૂરો આવશે તો કામકાજ પાછા ચાલુ થશે. જોકે માર્ચમાં લોકડાઉન આવ્યું ત્યારે અમારી 70 ટકા સિઝન પૂરી થઇ ગઇ હતી અને અમે તમામ ભઠ્ઠીઓ બંધ કરવાની તૈયારીમાં હતા. 
આ ઉદ્યોગ સાથે ગુજરાતમાં આશરે દસેક લાખ મજૂરો સંકળાયેલા છે. ગુજરાતમાં ઇંટોની આશરે 1200 જેટલી ભઠ્ઠીઓ છે, એક ભઠ્ઠીમાં દોઢસોથી વધારે મજૂરો હોય છે. આ ભઠ્ઠીઓ ઉત્તરગુજરાત, મધ્યગુજરાત, ગોધરા, સૌરાષ્ટ્રમા આવેલી છે. જોકે ચીમની વિનાના નાના એકમો આશરે 25000 જેટલા મોટી સંખ્યામાં છે, હાલમાં આંતરમાળખાકીય કામ ઠપ હોવાથી આગામી વર્ષે બહુ વેપાર થવાની શક્યતા નથી. ઉપરાંત દરેક ઉત્પાદકો પાસે મોટી સંખ્યામાં ઇંટો પડેલી છે.  
બીજી બાજુ દરેક ઉત્પાદકો પોતાની પડતર કાઢીને ઇંટો વેચતા હોય છે. સામાન્ય રીતે દર હજારે રૂ. 3500થી 4000 વત્તા કાર્ટીંગનો ભાવ ચાલે છે. તેનો આધારે માટી ક્યા ભાવે ખરીદી છે તેના પર છે. હાલમાં પડતર ભાવે જ વેપાર થાય છે. હાલમાં નફો તો ઠીક પરંતુ મૂડી પાછી આવે તો પણ સારુ છે એવી સ્થિતિ છે. વધુમાં આખી પુરવઠા શ્રૃંખલા ખોરવાઇ ગઇ હોવાથી કોન્ટ્રાક્ટરોને આગળથી પેમેન્ટ આવતુ નથી તેના કારણે ઇંટની ભઠ્ઠીવાળાઓનો કરોડો રૂપિયાના પેમેન્ટ સલવાઇ ગયા છે. એક એકમદીઠ રૂ. 30થી 40 લાખની ઉઘરાણી બાકી છે. સામાન્ય રીતે વેચાણની સામે દોઢી ઉઘરાણી રહેશે.  
તેમણે જણાવ્યું હતુ કે દશેરા બાદ મર્યાદિત સંખ્યામાં ભઠ્ઠીઓ ચાલુ થવાની શક્યતા છે. તેમાં મોટી સમસ્યા એ છે કે ભઠ્ઠીઓ ચાલુ થાય અને કોઇ મજૂરને કોરોના થાય તો સરકારની માર્ગદર્શિકા પ્રમાણે સવલત આપવામાં ઘણો ખર્ચ થાય તે પોસાય તેમ નથ. તેનો ચેપ બીજાને લાગે તો આખી ભઠ્ઠીને ક્વોરન્ટાઇન કરવી પડે તેની દહેશત છે. અન્ય ઉદ્યોગની સામે અમારો ઉદ્યોગ અલગ એટલા માટે છે કે બીજા ઉદ્યોગમાં મજૂરો ઘરે રહેતા હોય છે જ્યારે અમારા ઉદ્યોગમાં ભઠ્ઠીની જગ્યાએ જ રાખવા પડે છે. તેથી કોરોનાના કિસ્સામાં અમારે જ બધી વ્યવસ્થા કરવી પડે અને અમે ફસાઇ જઇ તેવી સ્થિતિ ઊભી થાય. આમ લોકો વેપાર કરવામાં પણ રાજી નથી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer