ફેશન ડિઝાઈનર્સ પાસે માંડ 10 ટકા કામકાજ છે

ફેશન ડિઝાઈનર્સ પાસે માંડ 10 ટકા કામકાજ છે
ઉજવણી બંધ થતાં ફેબ્રિક ડિઝાઇન કરાવાની સંખ્યામાં મોટો ઘટાડો 
ખ્યાતિ જોશી 
સુરત, તા. 4 અૉગ. 
કોવિડ-19 મહામારીના કારણે દેશ-દુનિયામાં લગભગ તમામ વેપાર-ધંધાને માઠી અસર પહોંચી છે. સુરતમાં કાપડના ઉત્પાદનની લગોલગ ફેશન ડિઝાઇનિંગ ઉદ્યોગ પણ જબરો ફૂલ્યો-ફાલ્યો છે. હેવી તથા લાઇટ ડ્રેસ-સાડી-ગાઉનની ડીઝાઇન કરાવીને આઉટફીટ તૈયાર કરાવનાર વર્ગની સંખ્યા પાછલા વર્ષોમાં વધી છે. જેથી ઉભરતાં ફેશન ડીઝાઇનરો માટે શહેરમાં વ્યવસાયની નવી દિશા ઉઘડી છે. પરંતુ, કોરોના કાળમાં ફેશન ડીઝાઇનરોના ધંધાને મંદીનું ગ્રહણ નડયું છે. ફેશન ડિઝાઇનરો પાસે કામકાજ લગભગ ઘટીને પ થી 10 ટકા જેટલું બચ્યું છે.  
પાછલા વર્ષોમાં શહેરમાં મોટી સંખ્યામાં ફેશન ઇન્સ્ટીટ્યુટ શરૂ થયા છે જેમાંથી દર વર્ષે લગભગ હજારો વિદ્યાર્થીઓ તૈયાર થાય છે. જેઓ ફેશન ડીઝાઇનીંગ ક્ષેત્રમાં નાના-મોટા વ્યવસાય કે નોકરીમાં જોડાતા હોય છે. દેશભરમાં તહેવારો, લગ્નો સહિતનાં નાના-મોટા પ્રસંગોની ઉજવણીનું પ્રમાણ વધતાં ફેશન ડીઝાઇનરો માટે વિકાસનાં નવા દ્વાર ખુલ્યા છે. સુરતમાં સ્થાયી ઘણા ફેશન ડીઝાઇનરો ડીજીટલના માઘ્યમથી ટેલીવુડ, ઢોલીવુડ તેમજ બોલીવુડ માટે સાડી-ડ્રેસ-ગાઉન સહિતના આઉટફીટની ડીઝાઇન બનાવતા થયા છે.  
પરંતુ, કોરોના કાળમાં જે પ્રકારે બધા ધંધાને માઠી અસર પહોંચી તેમાંથી ફેશનની દુનિયા પણ બાકાત નથી. સાડી-ડ્રેસ સહિતના ફેબ્રીકમાં ડીઝાઇન કરાવનાર વર્ગ જાણે અદ્રશ્ય થયો હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. ડીઝાઇનરો પાસે કામકાજમાં મોટો ઘટાડો આવ્યો છે. સામાન્યત: રીતે અત્યારે દેશભરમાં વિવિધ તહેવારોની ઉજવણીનો માહોલ જામતો હોવાથી દિવાળી સુધી ડીઝાઇનરો પાસે તહેવારો અને ત્યારબાદ લગ્નસરાનું ચિક્કાર કામકાજ રહેતું હોય છે. ખાટલી વર્કથી લઇને દોરા-જરાદોશી સહિતના વર્કની ડીમાન્ડ હોવાથી કુશળ કારીગરોની સતત અછત ડીઝાઇનરોને વર્તાતી હોય છે. પરંતુ, તહેવારોની ઉજવણી હાલના સંજોગોમાં શક્ય નથી. 
શહેરમાં મોટાભાગનાં ફેશન ડીઝાઇનરો ખાટલી વર્ક માટે પશ્ચિમ બંગાળના કુશળ કારીગરો પાસે કામ કરાવતા થયા છે. હાલમાં કારીગરો વતન હોવાથી જે થોડું ઘણું કામ છે તે ફેશન ડીઝાઇનરો સ્વયં પોતે જ કરી નાખતા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. એક સમય એવો હતો કે લગ્નસરામાં લોકો રૂા. 80હજારથી રૂા. 2.5 લાખથી વધુ કિંમતના એક-એક આઉટફીટ બનાવતા હતા. જેમાં એકથી વધુ લોકોને રોજગારી મળતી હતી. હાલનાં સમયમાં આ પ્રકારના કામકાજ લગભગ બંધ થયું છે. જે લોકો મર્યાદિત સંખ્યામાં લગ્નની ઉજવણી કરે છે તેઓ તૈયાર સસ્તી કિંમતના આઉટફીટ પર પસંદગી ઉતારતા આ કામ પણ ફેશન ડીઝાઇનરોને મળતું નથી. ઘણા બુટીકમાં સ્થાનિક કારીગરોને છૂટા કરી દેવામાં આવ્યા હોવાનાં કિસ્સા બન્યા છે.  
લોકડાઉન બાદ અનલોક-1માં કામકાજ થોડું મળવાનું શરૂ થયું હતું. પરંતુ, હાલ તો સ્થિતિ વધુ બગડી હોવાથી કામકાજ ઘટીને 5થી 10 ટકા જેટલું બચ્યું છે. ઓનલાઇનના માઘ્યમથી થોડું ઘણું કામકાજ થાય છે તેમાં પણ લોકોને અત્યંત જરૂરી છે તેઓ જ ઓર્ડર આપી રહ્યા છે તેમ માધવી મહુવાગરા નામના ફેશન ડીઝાઇનર કહે છે. 
અમે હાથ વર્કના કારીગરોને મહિને મોટું કામ આપતા હતા. ખાટલી વર્ક, ધાગા-દોરા, જરદોશી, પેઈન્ટ સહિતના અનેક કામો અમે કારીગરોને આપતા હતા. આજે અમારી પાસે ઓર્ડર નહિવત્ત હોવાથી આ કારીગરોને કામ આપી શકતા નથી. ઉનાળાની લગ્નસરાની લગભગ 90 ટકા સીઝન નિષ્ફળ રહી અને તહેવારોની હાલની સીઝનમાં નોંધપાત્ર કહી શકાય તેવું કોઇ કામ નથી તેવું ફેશન ડિઝાઇનર અરૂશા પંચાલ કહે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer