ડેરી ખેડૂતો ખાંડ ઉદ્યોગની માફક આવક વહેંચણીનું મોડેલ વિચારી રહ્યા છે

ડેરી ખેડૂતો ખાંડ ઉદ્યોગની માફક આવક વહેંચણીનું મોડેલ વિચારી રહ્યા છે
પ્રાપ્તિ ભાવ ઘટવાને પગલે સંકટનો સામનો કરવા 
મુંબઈ, તા. 4 અૉગ. 
કોવિડ-19ને કારણે લાદવામાં આવેલા લોકડાઉનથી દૂધની માગ 35થી 40 ટકા ઘટી હોવાને પગલે દૂધ ઉત્પાદકોની સમસ્યાઓ વધી છે. દૂધના પ્રાપ્તિ ભાવ (પશુપાલકો પાસેથી ખરીદીના ભાવ) ઘટી રહ્યા હોવાને કારણે ડેરી ખેડૂતો હવે સી રંગરાજન સમિતિએ સૂચવેલા રેવન્યુ શારિંગ ફોર્મ્યુલા (આરએસએફ) વિશે વિચારી રહ્યા છે. રંગરાજન સમિતિએ આ ફોર્મ્યુલા ખાંડ ઉદ્યોગ માટે ભલામણ કરી હતી, જેથી ખાંડના કારખાનાં શેરડીના ખેડૂતોને સમયસર નાણાં ચૂકવી શકે અને ભાવની વધઘટની તેમના ઉપર અસર ન થાય. 
જોકે, સૂત્રો જણાવે છે કે ડેરી ખેડૂતોને વધુ આવક મળી રહે તે માટે  વિવિધ હિતધારકો વચ્ચે હજુ આ બાબતે સહમતિ સધાઈ નથી. ખાંડ ઉદ્યોગે જે આરએસપી ફોર્મ્યુલા સૈદ્ધાંતિક રીતે અપનાવી છે, જેમાં ખાંડના વેચાણથી થતી કુલ આવકનો આશરે 70 ટકા હિસ્સો શેરડીના ખેડૂતોને અને બાકીનો 30 ટકા હિસ્સો ખાંડ મિલોને મળે તેવી જોગવાઈ છે. 
મહારાષ્ટ્રના પૂર્વ કૃષિ પ્રધાન અનિલ ભોન્ડેએ જણાવ્યું કે 70 ? 30ની રેવન્યુ ફોર્મ્યુલા ડેરી ખેડૂતોની નાણાંકીય તકલીફો દૂર કરવાનો રામબાણ ઈલાજ છે. તેમણે ઉમેર્યું કે હાલમાં ખેડૂતને લીટર દીઠ રૂા. 15 - 16 ચૂકવાય છે, પરંતુ ગ્રાહકો તો લીટર દીઠ રૂા. 40થી 48 ચૂકવી રહ્યા છે. એટલે, રૂા. 24થી રૂા. 26 જેટલી લીટરદીઠ તફાવતની રકમ સહકારી મંડળીઓ અને ખાનગી ડેરી કંપનીઓના ખિસ્સામાં જાય છે. જો આવક-વહેંચણીનું મોડેલ અપનાવાય તો 70 ટકા રકમ ખેડૂતો પાસે જશે અને 30 ટકા રકમ કાર્યકારી ખર્ચ તરીકે દૂધ કંપનીઓને મળશે. આ ફોર્મ્યુલાને પગલે ડેરી ખેડૂતોનું શોષણ અટકશે. 
સ્વાભિમાની શેતકરી સંઘટનાના પ્રમુખ રાજુ શેટ્ટીએ જણાવ્યું કે આ ફોર્મ્યુલા યથાવત્ રીતે કે વ્યવહારુ રીતે ડેરી ખેડૂતોને લાગુ કરી શકાય તેમ નથી, કેમકે તે જાટિલ છે. પરંતુ મોડેલના કેટલાક પાસાં અપનાવી શકાય તેમ છે, જેમકે, ખાંડની નિશ્ચિત કિંમત - એ જ રીતે, દૂધ પાઉડરની નિશ્ચિત કિંમત. 
શેટ્ટીએ ચેતવણીના સૂરે જણાવ્યું કે જીએટીટી હેઠળ સંધિને કારણે દૂધના પાઉડરની કિંમતો ઉપર આંતરરાષ્ટ્રીય અસરો હોવાથી આવાં પગલાંથી વિવાદ સર્જાશે. શેટ્ટીએ દૂધ ઉત્પાદનો ઉપરનો પાંચથી 12 ટકાનો જીએસટી હટાવી લેવાની પણ માગણી કરી છે.  
તાજેતરમાં ડેરી ખેડૂતોને દૂધના પ્રાપ્તિ ભાવ લીટરદીઠ રૂા. 27થી ઘટાડીને રૂા. 15 થઈ જતાં ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. કોવિડને કારણે માગ પણ ઘટી છે. સ્કિમ્ડ મિલ્કના ભાવમાં ઘટાડો કરીને દૂધ સહકારી મંડળીઓ અને ખાનગી ડેરીઓ ખેડૂતોનું શોષણ કરતી હોવાનું જણાય છે, કેમકે દૂધ પાઉડરનું પ્રોસાસિંગ કરવામાં તેઓ પોતાને જોઈએ એટલો નફો રળી શકતા નથી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer