ગુજરાતમાં લોખંડના ઉત્પાદકો અને વેપારીઓને તીવ્ર નાણાભીડ

ગુજરાતમાં લોખંડના ઉત્પાદકો અને વેપારીઓને તીવ્ર નાણાભીડ
અમારા પ્રતિનિધિ દ્વારા 
મુંબઈ,તા.4 ઓગષ્ટ 
ગુજરાતમા અનલોક પછીના સમયમાં ઉદ્યોગ-વેપાર પુન: શરૂ થયા છે. બજારો નિયમિત ખુલે છે. પરંતુ રિટેલમાં ઘરાકીનો અભાવ છે જેની સીધી અસર હવે ઉત્પાદન એકમો પર વર્તાઈ રહી છે. ખાસ કરીને વપરાશકાર માટેની લોખંડની નાની મોટી ચીજો બનાવનાર એકમો તીવ્ર નાણાભીડ અનુભવે છે જેને લીધે લોખંડના વેપારીઓનાં નાણાં મોટા પ્રમાણમાં અટવાયા છે. 
ઔદ્યોગિક શહેર વડોદરા આસપાસ લોખંડની હજારો ચીજો બનાવનારા સેંકડો મધ્યમ અને મોટાં એકમો છે. સૂત્રોના જણાવ્યા મુજબ છાણી વિસ્તાર અને વડોદરા નજીક કાર્યરત ઉપરોક્ત ઔદ્યોગિક એકમોમાં નવી માગ તદ્દન તળિયે હોવાથી માત્ર 15થી 25 ટકા ક્ષમતાએ ઉત્પાદન ચાલુ છે. આ એકમોએ  લોકડાઉન અગાઉ મોકલેલ માલની ઉઘરાણી ખોડંગાતાં તેમણે પોતાના સપ્લાયરોના બાકી નાણાં રોકી દેવાં પડ્યાં છે. તેથી લોખંડ બજારમાં તીવ્ર નાણાભીડ છે. 
અમદાવાદ આસપાસ દૂધનાં કેન, અનાજના ડબ્બા અને અન્ય ચીજો બનાવતાં તદ્દન નાનાં એકમોની મોસમ લોકડાઉન દરમિયાન પૂરી થઇ ગઈ હોવાથી તેઓ નાણાભીડમાં સપડાયાં છે એમ એક સ્થાનિક યુનિટ ધારકે જણાવ્યું છે. 
સમગ્ર વડોદરા વેપારી મહામંડળના મહાસચિવ રમેશ પટેલે કહ્યું કે અમારા લોખંડના વેપારમાં હવે પ્રમાણમાં મોટા ઉદ્યોજકોનાં નાણાં અટવાતાં થયાં છે.  ઉદ્યોજકો વેપારીઓને કુલ બાકી ઉઘરાણી માત્ર 10-15 ટકાના હપ્તામાં ચૂકવવાની સ્થિતિમાં આવી ચૂક્યા છે. આમ લોખંડના વેપારીઓ અને સપ્લાયરોની નાણાકીય સ્થિતિ વ્યાજભારણ અને ઉઘરાણીની સમસ્યાથી રોજેરોજ બગડતી જાય છે. કોરોનાનો પ્રકોપ ચાલુ રહેવાથી પણ બજારની માગ વધતી નથી એ સમજીને સરકારે હવે નવા ઉપાયો-નિર્ણયો કરવા પડશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer