દેશભરના વેપારીઓ આજે સાંજે દીવડા પ્રગટાવશે

દેશભરના વેપારીઓ આજે સાંજે દીવડા પ્રગટાવશે
રામ મંદિરના ભૂમિપૂજન નિમિત્તે કૈટે બનાવ્યો સવારે 8થી 36 કલાકનો કાર્યક્રમ  
નવી દિલ્હી, તા. 4 ઓગ. અયોધ્યામાં આવતી કાલથી શરુ થઇ રહેલા શ્રીરામ મંદિરના ભૂમિપૂજનને લઈને દેશના અન્ય વર્ગોની જેમ વેપારી સમાજમાં પણ આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ છે. આ ઐતિહાસિક ઘટનામાં સહભાગી થવા કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૈટ) દ્વારા વેપારી વર્ગ માટે આજે સવારે 8 વાગ્યાથી 36 કલાકનો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અન્વયે બુધવારે દેશભરના વેપારીઓ સવારે 9થી 10 પોતાના કામકાજના સ્થળે અને સાંજે 7 વાગે પોતાના ઘરે દીવાઓ પ્રગટાવશે. પ્રત્યેક દીવા પર રામનું નામ લખેલું હશે. 
કૈટના રાષ્ટ્રીય અધ્યક્ષ બી સી ભરતીયા અને રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે આ 36 કલાકના કાર્યક્રમ અન્વયે આજે દેશમાં સંખ્યાબંધ સ્થળોએ વેપારીઓએ ઘરમાં અથવા કામકાજના સ્થળે સુંદરકાંડનો પાઠ કર્યો હતો. પાઠ દરમિયાન સામાજિક સુરક્ષા અને દૂરતાના નિયમોનું યથોચિત પાલન કરવામાં આવ્યું હતું. 
દરમિયાન રામ જન્મભૂમિ ખાતે રચાનારા ભવ્ય મંદિરના ભૂમિપૂજનની પૂર્વસંધ્યાએ અયોધ્યા નગરીમાં આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ છે. આવતી કાલે બુધવારે બપોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામ મંદિરનું ભૂમિપૂજન થશે. વડાપ્રધાન મોદી બુધવારે સવારે 11 વાગ્યે અયોધ્યા પહોંચશે. ત્યાં તેઓ હનુમાનગઢી મંદિરમાં દર્શન કરશે, પછી જન્મભૂમિ ખાતે રામ લલ્લાની પૂજા કર્યા બાદ મંદિરનું ભૂમિપૂજન કરશે.  શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે આ પ્રસંગે આમંત્રિત 175 મહાનુભાવો પૈકી 135 હિન્દુ ધર્મની વિવિધ  આધ્યાત્મિક પરંપરાઓના પ્રતિનિધિ સાધુસંતો છે. રામ જન્મભૂમિ આંદોલન સાથે સંકળાયેલા નેતાઓ, અયોધ્યાના પ્રતિષ્ઠિત નાગરિકો, કેન્દ્ર અને રાજ્યના કેટલાક મંત્રીઓ અને વિશ્વ હિન્દુ પરિષદ અને આરએસએસના નેતાઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત હશે. આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત તથા યોગગુરુ બાબા રામદેવ પણ સમારોહમાં હાજરી આપવાના છે. વિશ્વ હિન્દુ પરિષદના ભૂતપૂર્વ પ્રમુખ સ્વ. અશોક સિંઘલના પરિવારમાંથી પવન સિંઘલ, સલિલ સિંઘલ અને મહેશ ભાગચંદકા સમારોહના મુખ્ય યજમાન રહેશે.  ભૂમિપૂજન બુધવારે છે, પરંતુ રામકીર્તન અને રામ ચરિતમાનસના પારાયણ સહિતની ધાર્મિક પ્રવૃત્તિઓ ક્યારની શરુ થઇ ગઈ છે. આજે અહીં છ કલાકનું રામ અર્ચા અનુષ્ઠાન યોજાયું હતું. દીપોત્સવની તૈયારીઓ ચાલી રહી છે અને સરયૂ નદીના ઘાટને સુંદર રીતે શણગારવામાં આવ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer