ઇન્ડોનેશિયામાં કાળા મરીની લણણી શરૂ થતાં વૈશ્વિક માંગ વધી

વિશેષ પ્રતિનિધિ તરફથી 
કોચી, તા. 15 સપ્ટે. 
ઇન્ડોનેશિયામાં કાળા મરીની લણણી શરૂ થવાની સાથે મરીની વૈશ્વિક માંગમાં વધારો થયો છે. અલબત ઇન્ડોનેશિયામાં કાળા મરીના ઉત્પાદનને લઇને મોટી મૂંઝવણ સર્જાઇ છે. વૈશ્વિક ખરીદદાર જ્યાં ઉત્પાદન અંદાજ 50 હજાર ટન વ્યક્ત કરી રહ્યા છે તો બીજી બાજુ ઇન્ડોનેશિયન નિકાસકારો 20 હજાર ટનથી ઓછો આંકી રહ્યા છે. 
જો કે, મજાની વાત એ છે કે, ઇન્ટરનેશનલ પીપર કોમ્યુનિટીનુ હેડ ક્વાર્ટર જકાર્તામાં છે પરંતુ તેની માટે વાસ્તવિક ઉત્પાદન, નિકાસ અને સ્થાનિક વપરાશના આંકડા આપવા મુશ્કેલ બની ગયુ છે. ઇન્ડોનેશિયા બાદ બ્રાઝીલમાં મરીની લણણી થશે. વૈશ્વિક ખરીદદારો માને છે કે કાળા મરીના ભાવ આગામી મહિનાઓમાં સ્થિર રહેશે કારણ કે બ્રાઝિલ બાદ ભારતમાં કાળા મરીની લણણી થશે તેમજ ત્યારબાદ વિયેતનામનો નંબર છે. 
બીજી બાજુ કાળા મરીના ભાવ નીચા હોવાથી ભારતમાં પણ તેનો વપરાશ વધી રહ્યો છે. ભારતમાં તેની ઔદ્યોગિક માંગમાં વધારો થઇ રહ્યો છે તેમજ સ્થાનિક વપરાશ દર મહિને લગભગ 5 હજાર ટન છે. દુનિયામાં કાળા મરીની સૌથી વધુ વપરાશ અમેરિકા, ચીન અને ભારતમાં થાય છે. કાળા મરીની માંગ વધવાથી સ્થાનિક પ્રોસેસર્સ ફાર્મ ગ્રેડ પીપરની ખરીદીની સાથે શ્રીલંકાથી આયાત વધારી રહ્યા છે. 
ભારતીય મસાલા કંપનીઓને વૈશ્વિક ખેલાડી ટેકઓવર કરવામાં લાગ્યા છે જે આ ઉદ્યોગ માટે ખુશ ખબર છે, તેનાથી ભારતમાં મસાલાઓનો બિઝનેસ વધશે. કોચી બજારમાં કાળા મરી અનર્ગાબ્લ્ડનો ભાવ 319 રૂપિયા પ્રતિ કિગ્રા રહ્યો જ્યારે 25 ટન કાળા મરીનું વેચાણ થયુ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer